Champions Trophy માટે ભારતીય ટીમના પાકિસ્તાન પ્રવાસ પર નિર્ણય સરકાર કરશેઃ BCCI…
કાનપુર: ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આજે જણાવ્યું હતું કે આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી માટે રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના પાકિસ્તાન પ્રવાસ અંગે અંતિમ નિર્ણય ભારત સરકારે લેવાનો છે. પાકિસ્તાન 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી વન-ડે ફોર્મેટમાં રમાનારી આ આઇસીસી (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ) ટૂર્નામેન્ટની યજમાની કરવા જઈ રહ્યું છે.
આ પણ વાંચો :IND VS BAN: બાંગ્લાદેશ સામેની મેચમાં તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો આ ક્રિકેટરે
શુક્લાએ અહીં બાંગ્લાદેશ સામે ચાલી રહેલી બીજી ટેસ્ટના ચોથા દિવસની રમત દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે, હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અમારી નીતિ એવી છે કે અમે હંમેશા આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે સરકારની મંજૂરી માંગીએ છીએ. આ સરકાર નક્કી કરે છે કે અમારી ટીમે કોઈ દેશનો પ્રવાસ કરવો જોઈએ કે નહીં. તેમણે કહ્યું કે, સરકાર આ મામલે જે પણ નિર્ણય લેશે અમે તેનું પાલન કરીશું.
નોંધનીય છે કે 2008માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય ટીમે પાકિસ્તાન સામે દ્વિપક્ષીય શ્રેણી રમી નથી. બંને ટીમો માત્ર આઇસીસી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી ) ટુર્નામેન્ટમાં જ સામ સામે ટકરાય છે. પાકિસ્તાનની ટીમ સાત વર્ષના લાંબા ગાળા બાદ આઇસીસી વન-ડે વર્લ્ડ કપ માટે ગયા વર્ષે ભારતના પ્રવાસે આવી હતી.