ચૅમ્પિયન્સ ટ્રોફીમાં આ ચમત્કાર ક્યારેય નથી થયો, આ વખતે થશે ખરો?

કરાચી/દુબઈઃ આઠ વર્ષના લાંબા ગાળા બાદ વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી ફરી શરૂ થવા જઈ રહી છે અને એમાં કેટલાક નવા વિક્રમો જરૂર જોવા મળશે, પરંતુ એક રેકૉર્ડ એવો છે જે ઘણા વર્ષોથી આ ટૂર્નામેન્ટને થાપ આપી રહ્યો છે અને એ વિક્રમ છે 350 રનના ટીમ સ્કોરનો.
વન-ડે ફૉર્મેટમાં 350થી વધુ ટીમ-સ્કોર 100 કરતાં વધુ વખત બની ચૂક્યો છે, પણ ચૅમ્પિયન્સ ટ્રોફીના 27 વર્ષના ઇતિહાસમાં ક્યારેય કોઈ ટીમ 350 રન નથી બનાવી શકી.
એકવીસમી સદીની શરૂઆતથી ટી-20 ક્રિકેટ રમાવાની શરૂ થઈ ત્યારથી લગભગ દરેક ટીમમાં બે-ચાર હાર્ડ-હિટિંગ બૅટર હોય છે. ચૅમ્પિયન્સ ટ્રોફી છેલ્લે 2017માં રમાઈ હતી અને ત્યાર બાદ ટી-20 ક્રિકેટને લીધે રેકૉર્ડ-બુકમાં ઘણી ઊલટપુલટ થઈ ગઈ છે. એ જોતાં આ વખતની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં કોઈ ટીમ 350 રનનો આંકડો બતાવે તો નવાઈ નહીં પામતા.
આપણ વાંચો: પાકિસ્તાનમાં ચૅમ્પિયન્સ ટ્રોફીના ઓપનિંગમાં હવાઈ દળના સૈનિકોનો ઍર શો!
વન-ડે ફૉર્મેટમાં એવું ઘણી વાર બન્યું છે કે જો કોઈ ટીમે ફર્સ્ટ બૅટિંગમાં 350 કે વધુ રન બનાવ્યા હોય તો સેક્નડ બૅટિંગ કરનારી ટીમ લક્ષ્યાંક ચેઝ કરી શકી છે. એ રીતે, સામાન્ય રીતે વન-ડેમાં 350-પ્લસના સ્કોર વારંવાર જોવા મળ્યા છે, પરંતુ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં જો 350 રનનો સ્કોર નોંધાશે તો એ આ ટૂર્નામેન્ટ માટે ઐતિહાસિક કહેવાશે.
તો હવે તમને જણાવી દઈએ કે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં હાઇએસ્ટ ટીમ-સ્કોર કોનો અને કેટલો છે. 2004માં ન્યૂ ઝીલૅન્ડે યુએસએ સામે ચાર વિકેટના ભોગે 347 રન બનાવ્યા હતા અને ચૅમ્પિયન્સ ટ્રોફીનો એ હાઇએસ્ટ ટીમ-સ્કોર છે.
કિવીઓએ ત્યારે ઓપનર નૅથન ઍસ્ટલના અણનમ 145 રન, સ્કૉટ સ્ટાઇરિસના 75 રન અને ક્રેગ મૅકમિલનના અણનમ 64 રનની મદદથી 347 બનાવ્યા હતા અને અમેરિકાની ટીમ જૅકબ ઓરમની પાંચ તથા ડેનિયલ વેટોરીની ત્રણ વિકેટને લીધે 137 રનમાં આઉટ થઈ જતાં કિવીઓનો 210 રનથી વિજય થયો હતો.
આપણ વાંચો: મુંબઈથી દુબઈઃ ભારતના મોટા ભાગના ક્રિકેટરો ચૅમ્પિયન્સ ટ્રોફી માટે રવાના થઈ ગયા
પાકિસ્તાનના ત્રણેય સ્થળ (કરાચી, લાહોર, રાવલપિંડી)માં અથવા દુબઈમાં ન્યૂ ઝીલૅન્ડનો 347 રનનો વિક્રમ તૂટી શકે એમ છે.
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની વાત કરીએ તો 2013માં ભારતે સાઉથ આફ્રિકા સામે સાત વિકેટે 331 રન બનાવ્યા હતા અને ભારતનો આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં એ સૌથી મોટો સ્કોર છે.
ત્યારે કાર્ડિફમાં ભારતે એ ટૂર્નામેન્ટની પહેલી જ મૅચમાં શિખર ધવન (જે આ વખતની ટૂર્નામેન્ટ માટે બૅ્રન્ડ ઍમ્બેસેડર નિયુક્ત થયો છે)ના 114 રન, રોહિત શર્માના 65 રન તથા રવીન્દ્ર જાડેજાના અણનમ 47 રનની મદદથી સાત વિકેટે 331 રન બનાવ્યા હતા. ધોની ભારતનો કૅપ્ટન હતો અને એબી ડિવિલિયર્સની કૅપ્ટન્સીમાં સાઉથ આફ્રિકાની ટીમ 305 રનના સ્કોર પર આઉટ થઈ જતાં ભારતનો 26 રનથી વિજય થયો હતો. છેવટે ભારત આ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ચૅમ્પિયન બન્યું હતું.