પાકિસ્તાનને આઇસીસીએ આપી દીધી મહેતલ…
`ભારતની સુવિધા માટે હાઇબ્રિડ મૉડેલ સ્વીકારો, નહીં તો તમને જ નહીં રમવા મળે'
દુબઈ/કરાચીઃ આગામી ફેબ્રુઆરીમાં પાકિસ્તાનને પોતાને ત્યાં વન-ડે ની ચૅમ્પિયન્સ ટ્રોફી કેમેય કરીને રાખવી છે, પણ ભારતની સુવિધા માટે હાઇબ્રિડ મૉડેલ નથી અપનાવવું એટલે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ છેવટે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જો તમે હાઇબ્રિડ મૉડેલ નહીં સ્વીકારો તો ચૅમ્પિયન્સ ટ્રોફી કોઈ અન્ય દેશમાં પાકિસ્તાન વગર અમે રાખી દઈશું.’ ક્રિકેટની આ સર્વોચ્ચ સંસ્થાએ શુક્રવારે કોઈ જ નિર્ણય ન લેવાતાં વર્ચ્યુઅલ મીટિંગ શનિવાર, 30મી નવેમ્બર પર મુલતવી રાખી હતી. ગુરુવારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ચૅરમૅન મોહસિન નકવીએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કેભારતને સગવડ કરી આપતું હાઇબ્રિડ મૉડેલ અમે સ્વીકારીશું જ નહીં. ભારતે પોતાની ક્રિકેટ ટીમને ચૅમ્પિયન્સ ટ્રોફીમાં રમવા મોકલવી જ પડશે. અમે તમામ પ્રકારની સુરક્ષા પૂરી પાડીશું.’
આ પણ વાંચો : “ભારતીય ટીમે પાકિસ્તાન જઈને ક્રિકેટ રમવું જોઈએ” તેજસ્વી યાદવે આવું કેમ કહ્યું?
બીજી તરફ, મોહસિન નકવીએ પાકિસ્તાનના હિતમાં આઇસીસી જે પણ નિર્ણય લેશે એને તેમનું ક્રિકેટ બોર્ડ સ્વીકારી લેશે.
જોકે ભારત ક્રિકેટરોને કેમેય કરીને પાકિસ્તાન નહીં મોકલે. પાકિસ્તાન દાયકાઓથી આતંકવાદીઓને ભારતમાં મોકલી રહ્યું છે. 2008માં મુંબઈ પર ટેરર અટૅક થયા પછી ભારતે પોતાના ખેલાડીઓને પાકિસ્તાન નથી મોકલ્યા અને આઇપીએલમાં પણ પાકિસ્તાનના ખેલાડીઓને રમવા નથી દેવાતા. તાજેતરમાં બ્લાઇન્ડ વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટરોએ પાકિસ્તાન જવાની મંજૂરી માગી હતી, પરંતુ ભારત સરકારે એ નકારી કાઢી હતી.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે પત્રકારોને કહ્યું હતું કે `બીસીસીઆઇએ સ્પષ્ટ કર્યું છે કે સુરક્ષાને લગતી ચિંતાઓને કારણે ક્રિકેટરોને પાકિસ્તાન મોકલવામાં આવે એવી કોઈ જ સંભાવના નથી.
2023ની સાલમાં એશિયા કપ પાકિસ્તાનમાં યોજાયો હતો, પણ હાઇબ્રિડ મૉડેલ અનુસાર ભારતની મૅચો શ્રીલંકામાં રમાઈ હતી. ભારતે ચૅમ્પિયન્સ ટ્રોફી માટે એવી જ વ્યવસ્થા માગી છે અને ભારતની મૅચો મોટા ભાગે દુબઈમાં રાખી શકાય એમ છે.
જોકે પાકિસ્તાન હઠ પકડીને બેઠું છે કે અમે અમારા ત્રણ શહેરમાં સ્ટેડિયમના રિનોવેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે એટલે આ સ્પર્ધા અમારે ત્યાં જ યોજાશે.
આ પણ વાંચો : પાકિસ્તાનને ભારત માટેનું હાઇબ્રિડ મૉડેલ સ્વીકાર્ય નથીઃ ચૅમ્પિયન્સ ટ્રોફીનું ભાવિ અદ્ધરતાલ
આઇસીસી પાસે હવે ત્રણ વિકલ્પ છેઃ (1) હાઇબ્રિડ મૉડેલ જેમાં મોટા ભાગની મૅચો પાકિસ્તાનમાં રમાશે, પરંતુ ભારતની મૅચો પાકિસ્તાન બહાર અન્ય કોઈ દેશમાં રખાશે. (2) આખી ચૅમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાન સિવાય કોઈ દેશમાં રાખવી અને યજમાનપદનો પૂર્ણ અધિકાર પાકિસ્તાનને આપવો. બીજી રીતે કહીએ તો યજમાન તરીકે આઇસીસી તરફથી જે ખર્ચ ભરપાઈ કરાય એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જ મળે. (3) આખી ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં રાખવી અને ભારતની ટીમ ન આવે તો પણ પાકિસ્તાનમાં જ રમાય. (જોકે આ છેલ્લો વિકલ્પ શક્ય જ નથી, કારણકે ભારતીય ટીમ વિનાની કોઈ પણ સ્પર્ધા ફિક્કી પડી જાય અને યજમાને મોટું આર્થિક નુકસાન ભોગવવું પડે.)