Champions Trophy 2025

શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ કેમ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં નથી? કારણો ખૂબ રસપ્રદ છે

કરાચીઃ આઠ વર્ષે ફરી રમાઈ રહેલી વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં આઠ ટીમ ભાગ લઈ રહી છે જેમાં અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ જેવી ટીમો છે, પરંતુ એમાં શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝની ટીમ કેમ નથી એવો સવાલ ઘણાને મૂંઝવતો હશે. આ મૂંઝવણ અહીં વિગતવાર વર્ણન સાથે દૂર કરી આપીશું.

1996માં વન-ડે વર્લ્ડ કપ જીતનાર અને 1975 તથા 1979ના સૌથી પહેલા બે વિશ્વવિજેતાપદ મેળવનાર વેસ્ટ ઇન્ડિઝની ટીમની ગેરહાજરીનું કારણ અહીંની વિગતો પરથી જાણવા મળી જશે.

આપણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં ન્યૂ ઝીલૅન્ડ સામે પાકિસ્તાન ત્રણેય મુકાબલા હાર્યું છે

ચૅમ્પિયન્સ ટ્રોફીના રૂપમાં પાકિસ્તાનમાં 29 વર્ષે પહેલી વાર મોટી આઇસીસી ટૂર્નામેન્ટ યોજાઈ રહી છે. છેલ્લે પાકિસ્તાનમાં 1996માં વર્લ્ડ કપનું સંયુક્ત રીતે આયોજન થયું હતું જેમાં શ્રીલંકા ચૅમ્પિયન બન્યું હતું. 2017ની છેલ્લી ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન વિજેતા થયું હતું.

શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝની ગેરહાજરીને લગતા મુખ્ય વિષય વિશે જણાવી દઈએ તો આ વખતની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં રૅન્કિંગની દૃષ્ટિએ નિર્ધારિત સમયે નક્કી થયેલી ટોચની આઠ ટીમ ભાગ લઈ રહી છે જેમાં ભારત, ઑસ્ટ્રેલિયા, પાકિસ્તાન, ન્યૂ ઝીલૅન્ડ, ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશનો સમાવેશ છે. આ આઠ ટીમને ચાર-ચાર ટીમના બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે.

આપણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફીમાં આ ચમત્કાર ક્યારેય નથી થયો, આ વખતે થશે ખરો?

ચૅમ્પિયન્સ ટ્રોફીમાં આઠ ટીમ રમશે એ આઇસીસીએ અગાઉથી નક્કી કર્યું હતું અને એના રૅન્કિંગની શરૂઆત 2023ના વન-ડે વર્લ્ડ કપથી થઈ હતી. ત્યારે ભારત અને ઑસ્ટ્રેલિયા ઉપરાંત ન્યૂ ઝીલૅન્ડ તથા સાઉથ આફ્રિકાની ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી હતી એટલે આઠમાંથી ચાર ટીમ ત્યારે જ નક્કી થઈ ગઈ હતી. પાકિસ્તાન યજમાન હોવાથી પાંચમી ટીમ પણ ત્યારે નક્કી થઈ ગઈ હતી.

2023ના વર્લ્ડ કપ વખતે અફઘાનિસ્તાનની ટીમ રૅન્કિંગમાં છઠ્ઠા નંબરે હતી. ઇંગ્લૅન્ડે ત્યારે સાતમા નંબર પર રહીને પોતાનું મિશન પૂરું કર્યું હતું, જ્યારે બાંગ્લાદેશની ટીમ આઠમા સ્થાને હતી. શ્રીલંકાની ટીમ ત્યારે નવમી રૅન્ક પર રહી હોવાથી એ ટીમ ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ક્વૉલિફાય નહોતી થઈ શકી. વેસ્ટ ઇન્ડિઝનો કિસ્સો સૌથી રસપ્રદ છે. કૅરિબિયનો તો 2023ના વર્લ્ડ કપ માટે જ ક્વૉલિફાય નહોતા થયા એટલે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં તેમના સમાવેશનો સવાલ જ નહોતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button