વિરાટે શેક કરવા માટે આઈસ-પૅકની મદદ કેમ લીધી? ઈજા થઈ છે? આજે રમશે કે નહીં?
‘કિંગ કોહલી'ને કુંબલેની ગુરુચાવી…જાણો તેણે શું કહ્યું…

દુબઈ: આજે ભારત અને પાકિસ્તાન વચ્ચેની બરાબરીની ટક્કર (બપોરે 2.30 વાગ્યાથી) શરૂ થવાને ગણતરીના કલાકો બાકી છે ત્યારે વિરાટ કોહલી વિશેની એક અટકળે કરોડો ભારતીય ક્રિકેટ પ્રેમીઓને ચિંતામાં મૂકી દીધા છે. કિંગ કોહલી હાલમાં ફોર્મમાં નથી, પરંતુ પાકિસ્તાનનો મુકાબલો કરવાનો આવે ત્યારે તે જબરદસ્ત ફોર્મમાં આવી જાય એ નકારી ન શકાય. જોકે પ્રેક્ટિસ સેશનમાં તે એક ઈજાને કારણે થોડો અસ્વસ્થ હોય એવું લાગ્યું છે.
દુબઈના મેદાન પર ગઈ કાલે પ્રેક્ટિસ વખતે કોહલી ડાબા પગની ઘૂંટી પર આઈસ-પૅકથી શેક કરી રહેલો જોવા મળ્યો હતો.
કોહલીની આ ઈજા ગંભીર લાગતી તો નથી અને પાકિસ્તાન સામેનો હાઈ-વૉલ્ટેજ મુકાબલો હોવાથી તે નાનીસરખી ઈજાને અવગણશે એવું પણ કહી શકાય. બીજું, દુબઈમાં ગરમી ખૂબ છે એટલે કોહલીએ આ સેશનમાં ઘણા લાંબા સમય સુધી પ્રેક્ટિસ કરી હોવાથી તે ખૂબ થાકેલો પણ લાગ્યો હતો. એવું પણ કહેવાય છે કે સઘન પ્રેક્ટિસને કારણે કોહલી થાકી ગયો હશે એટલે તેણે પૂર્વસાવચેતી તરીકે ઘૂંટી પર આઈસ-પેકથી શેક કર્યો હશે. ઉલ્લેખનીય છે કે 2023ના વર્લ્ડ કપ પછી કોહલી વન-ડેમાં કુલ ફક્ત 137 કરી શક્યો છે. ગયા અઠવાડિયે બાંગ્લાદેશ સામેની પહેલી મૅચમાં તેણે 38 બૉલમાં 22 રન કર્યા હતા અને લેગ સ્પિનર રિશાદ હોસૈનના બૉલમાં આઉટ થઈ ગયો હતો.
Also read:
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અનિલ કુંબલેએ થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું કે કોહલી ટીમ ઇન્ડિયાનો અત્યંત મહત્વનો ખેલાડી છે. આ સ્થિતિમાં આવા પ્લેયર પણ જ્યારે પર્ફોર્મ કરવાનો અને અપેક્ષાનો બોજ વધી જાય ત્યારે તે પોતાના શરીર પાસે વધુપડતો અને અત્યંત પરિશ્રમ કરાવતો હોય છે. કોહલીએ છેલ્લા થોડા સમયમાં ખરાબ ફોર્મ વચ્ચે આવું જ કર્યું છે. તેણે રિલેક્સ મૂડમાં રમવું જોઈએ. આપણી ટીમ પાસે રોહિત શર્મા ઉપરાંત બીજા ઘણા સારા બૅટર્સ છે. આ સ્થિતિમાં કોહલીએ પોતાને તણાવમુક્ત રાખીને અને બીજી કંઈ પણ ચિંતા કર્યા વગર બેટિંગ કરવી જોઈએ.’