દુબઇમાં રમવાના ફાયદા અંગે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનનું ચોંકાવનારું નિવેદન…

કરાચીઃ દક્ષિણ આફ્રિકાના ટોચના ક્રમના બેટ્સમેન રાસી વાન ડેર ડુસેને કહ્યું હતું કે ભારતને ચેમ્પિયન્સ ટ્રોફીમાં દુબઈમાં રમવાનો ફાયદો મળી રહ્યો છે તે જાણવા માટે કોઈ ‘રોકેટ સાયન્ટિસ્ટ’ બનવાની જરૂર નથી, પરંતુ પરિસ્થિતિઓથી સારી રીતે જાણકારી હોવી તેમના પર સારું પ્રદર્શન કરવાનું દબાણ બનાવી રહી છે.
ભારતીય ટીમ તેની તમામ મેચ દુબઈમાં રમી રહી છે અને જો તે ફાઈનલમાં પહોંચશે તો તે પણ દુબઈમાં રમાશે જ્યારે અન્ય ટીમોની મેચો પાકિસ્તાનમાં રમાઈ રહી છે.
વાન ડેર ડુસેને ઇએસપીએન ક્રિકઇન્ફોને કહ્યું હતું કે, “ભારતને ચોક્કસપણે ફાયદો છે. મેં જોયું કે પાકિસ્તાન આ વિશે વાત કરી રહ્યું હતું પરંતુ ફાયદો તો મળી રહ્યો છે. જો તમે એક જ જગ્યાએ, એક જ હોટેલમાં રહો છો, એક જ મેદાન પર પ્રેક્ટિસ કરી રહ્યા હોવ છો અને એક જ પીચ પર રમી રહ્યા છો તો તેનો ફાયદો હોય છે.
તેણે કહ્યું હતું કે, “આ જાણવા માટે કોઈ રોકેટ સાયન્ટિસ્ટ બનવાની જરૂર નથી.” પરંતુ ભારત પર સ્થિતિનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવાનું દબાણ પણ રહેશે.