એક સેન્ચુરી અને ત્રણ હાફ સેન્ચુરી સાથે 315/6ઃ સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનની `બોલતી બંધ કરી’

કરાચીઃ સાઉથ આફ્રિકાએ આજે અહીં ચૅમ્પિયન્સ ટ્રોફીની ત્રીજી મૅચમાં અફઘાનિસ્તાન સામે બૅટિંગ લીધા બાદ સારી શરૂઆત કરી હતી અને તેમની ઇનિંગ્સનો અંત પણ સારો રહ્યો હતો જેમાં સાઉથ આફ્રિકાએ એક બૅટરની સેન્ચુરી અને ત્રણ બૅટરની હાફ સેન્ચુરીની મદદથી છ વિકેટે 315 રન બનાવીને અફઘાનિસ્તાનને 316 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો.
અફઘાનિસ્તાનના કૅપ્ટન રહમતુલ્લા શાહિદીએ ગઈ કાલે સાંજે ટેમ્બા બવુમાની ટીમને ચેતવણી' આપતા કહ્યું હતું કે
અમે તાજેતરમાં જ તમને શારજાહની સિરીઝમાં 2-1થી હરાવ્યા હતા એ તમને યાદ હશે જ.’ જોકે સાઉથ આફ્રિકાએ 300-પ્લસનો મુશ્કેલ લક્ષ્યાંક આપીને હમણાં તો અફઘાનિસ્તાન ટીમને ચૂપ કરી દીધી હતી.
આ પણ વાંચો: સાઉથ આફ્રિકાને અફઘાનિસ્તાને ચેતવણી આપતા કહ્યું, ‘તમને શારજાહ યાદ છેને?’
28 વર્ષના લેફ્ટ-હૅન્ડ ઓપનર રાયન રિકલ્ટન (103 રન, 106 બૉલ, 154 મિનિટ, એક સિક્સર, સાત ફોર) 36મી ઓવરમાં રનઆઉટ થયો એ પહેલાં અફઘાનના બોલર્સને સૌથી વધુ ભારે પડ્યો હતો. રિકલ્ટન અને કૅપ્ટન બવુમા (58 રન, 76 બૉલ, 98 મિનિટ, પાંચ ફોર) વચ્ચે 142 બૉલમાં 129 રનની તથા રિકલ્ટન અને રૅસી વૅન ડર ડુસેન (બાવન રન, 46 બૉલ, પંચાવન મિનિટ, બે સિક્સર, ત્રણ ફોર) વચ્ચે 40 બૉલમાં 44 રનની ભાગીદારી થઈ હતી.
એઇડન માર્કરમ (બાવન અણનમ, 36 બૉલ, 60 મિનિટ, એક સિક્સર, છ ફોર)નું પણ 300-પ્લસનો ટોટલમાં મહત્ત્વનું યોગદાન હતું.
અફઘાનના છ બોલરમાં મોહમ્મદ નબી બે વિકેટ સાથે સૌથી સફળ સાબિત થયો હતો.