શ્રેયસ તારણહાર બન્યો, પણ ધીમી બૅટિંગનો પોતાનો જ રેકૉર્ડ તોડ્યો

દુબઈઃ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ગ્રૂપ `એ’ના છેલ્લા અને (સેમિ ફાઇનલની હરીફ ટીમો નક્કી કરવા વિશેના) મહત્ત્વના મુકાબલામાં ટીમ ઇન્ડિયાના મિડલ-ઑર્ડરના ભરોસાપાત્ર બૅટર શ્રેયસ ઐયરે (79 રન, 98 બૉલ, 122 મિનિટ, બે સિક્સર, ચાર ફોર) એક છેડો સાચવી રાખીને ભારતીય ટીમનો ધબડકો તો રોક્યો હતો, પણ એવું કરવા જતાં તે પોતાનો જ એક નકારાત્મક વિક્રમ તોડી બેઠો હતો.
આપણ વાંચો: અફઘાનિસ્તાનના 325/7, ઝડ્રાને રચ્યો ઈતિહાસ: ઇંગ્લૅન્ડ માટે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ટકવું મુશ્કેલ
શ્રેયસે 79 રન 98 બૉલમાં 80.61ના સ્ટ્રાઇક-રેટ સાથે બનાવ્યા હતા. તેણે હાફ સેન્ચુરી પૂરી કરવા માટે 75 બૉલ લીધા હતા જે સાથે વન-ડેમાં તેની સૌથી ધીમી હાફ સેન્ચુરીનો વિક્રમ બન્યો છે. 2022ની સાલમાં શ્રેયસે વેસ્ટ ઇન્ડિઝ સામેની એક વન-ડેમાં 74 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી. જોકે અહીં દુબઈમાં તેણે પોતાનો જ ધીમી બૅટિંગનો એ રેકૉર્ડ તોડી નાખ્યો.
બીજી નવાઈની વાત એ છે કે તેણે છેક 31મા બૉલ પર પ્રથમ ફોર ફટકારી હતી. જેના પરથી સ્પષ્ટ થાય છે કે તે કેટલું બધુ ધીમું રમ્યો હતો. જોકે એવું કરીને તેણે ભારતનો ધબડકો રોક્યો પણ હતો.
તે રોહિત શર્મા (15 રન)ની બીજી વિકેટ પડ્યા બાદ વિરાટ કોહલી (11 રન) સાથે જોડાયો હતો. જોકે ત્યાર બાદ થોડી જ વારમાં વિરાટે ગ્લેન ફિલિપ્સના અદ્દભુત વન-હૅન્ડેડ ડાઇવિંગ કૅચમાં વિકેટ ગુમાવી હતી અને પછી શ્રેયસ સાથે અક્ષર પટેલ જોડાયો હતો જેમણે ચોથી વિકેટ માટે 98 રનની બહુમૂલ્ય ભાગીદારી કરી હતી.
30 વર્ષનો શ્રેયસ મુંબઈનો છે. તેણે રવિવારની મૅચ પહેલાં 67 વન-ડેમાં પાંચ સેન્ચુરી અને એકવીસ હાફ સેન્ચુરીની મદદથી 2,673 રન બનાવ્યા હતા. 14 ટેસ્ટમાં તેના નામે 811 રન અને 51 ટી-20માં 1,104 રન છે.