Champions Trophy 2025

શમી, વરુણ, જાડેજાએ કાંગારુંઓને કાબૂમાં રાખ્યા, ઑસ્ટ્રેલિયા 264 રન બનાવી શક્યું…

દુબઈઃ અહીંના દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં આજે ભારત સામેની ચૅમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ સેમિ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ પહેલા બૅટિંગ પસંદ કરીને 264 રન બનાવ્યા હતા અને ભારતને 265 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. કાંગારુંઓ 49.3 ઓવરમાં ઑલઆઉટ થયા હતા. દસમાંથી પાંચ વિકેટ ભારતીય સ્પિનરે અને ચાર વિકેટ પેસ બોલરે લીધી હતી.

Also read : ICC ભારતીય ટીમની તરફેણ કરી, અન્ય ટીમો સાથે અન્યાય કરી રહી છે? આ દિગ્ગજ ખેલાડી એ ઉઠાવ્યા સવાલ

ઍલેક્સ કૅરી (61 રન, 57 બૉલ, એક સિક્સર, આઠ ફોર) શ્રેયસ ઐયરના સીધા થ્રોમાં રનઆઉટ થયો હતો.
કૅપ્ટન સ્ટીવ સ્મિથ (73 રન, 96 બૉલ, એક સિક્સર, ચાર ફોર)ની હાફ સેન્ચુરી પણ ભારતીય ટીમને થોડી નડી હતી. તે 133 મિનિટ સુધી ક્રીઝ પર રહ્યો હતો અને સવાબે કલાક સુધી પોતાની ટીમ માટે આધારસ્તંભ બની ગયો હતો. તેણે ત્રણ હાફ સેન્ચુરી-પાર્ટનરશિપ કરી હતી. ટ્રેવિસ હેડ (39 રન) સાથે સ્મિથની બાવન રનની, માર્નસ લાબુશેન (29 રન) સાથે 56 રનની અને ઍલેક્સ કૅરી (61 રન) સાથે 54 રનની ભાગીદારી થઈ હતી.

મોહમ્મદ શમી (10-0-48-3) સૌથી સફળ બોલર બન્યો હતો. રવીન્દ્ર જાડેજા (8-1-40-2) અને ન્યૂ ઝીલૅન્ડ સામેની ગઈ મૅચના સુપરસ્ટાર સ્પિનર વરુણ ચક્રવર્તી (10-0-49-2)ની જોડીએ બે-બે શિકાર કર્યા હતા, જ્યારે અક્ષર પટેલ (8-1-43-1) ગ્લેન મૅક્સવેલની મહત્ત્વની વિકેટ લઈ શક્યો હતો. મૅક્સવેલને તેણે ક્લીન બોલ્ડ કર્યો હતો. ઑસ્ટ્રેલિયન ઇનિંગ્સની છેલ્લી વિકેટ હાર્દિક પંડ્યા (5.3-0-40-1)એ લીધી હતી જેમાં તેણે ઍડમ ઝૅમ્પાને ક્લીન બોલ્ડ કર્યો હતો.

ભારતનું જો ઓપનિંગ સારું થાય અને બે-ત્રણ મોટી ભાગીદારી થાય તો 265 રનનો લક્ષ્યાંક સાધારણ કહેવાય. ઑસ્ટ્રેલિયા પાસે ઝૅમ્પા, મૅક્સવેલ સહિત પાંચ સ્પિનર છે.

ખરેખર તો ઑસ્ટ્રેલિયન બૅટર્સ પ્રથમ બૅટિંગનો પૂરો ફાયદો નહોતા લઈ શક્યા. કેટલાક બૅટરે લાપરવાહીભર્યા શૉટમાં વિકેટ ગુમાવી હતી.

ઓપનર ટ્રેવિસ હેડ (39 રન)ની મહત્ત્વની વિકેટ વરુણ ચક્રવર્તીએ ઑસ્ટ્રેલિયાના દાવની નવમી ઓવરમાં લીધી હતી. જોકે હેડને એ પહેલાં કેટલાક જીવતદાન મળ્યા હતા. મોહમ્મદ શમીએ મૅચના પહેલા જ બૉલ પર હેડનો કૅચ છોડ્યો હતો, એક તબક્કે તે રનઆઉટ થતાં બચ્યો હતો અને બે વખતે તે ક્લીન બોલ્ડ થતા બચી ગયો હતો. આ જીવતદાનને બાદ કરતા હેડે ટૂંકી ઇનિંગ્સમાં કેટલાક દર્શનીય શૉટ માર્યા હતા.

હાર્દિકના એક બૉલમાં તેણે છગ્ગો ફટકાર્યો હતો અને શમીના લાગલગાટ ત્રણ બૉલ પર ચોક્કા માર્યા હતા. છેવટે નવમી ઓવરમાં હેડ ડીપમાં કૅચ આપી બેઠો હતો. શુભમન ગિલે દૂરથી દોડી આવીને હેડનો શાનદાર કૅચ પકડ્યો હતો.

બીજી મહત્ત્વની વિકેટ સ્ટીવ સ્મિથની હતી. શમીએ તેનું સ્ટમ્પ ઉખાડી નાખ્યું હતું. ગ્લેન મૅક્સવેલ પોતાના પાંચમા જ બૉલમાં અક્રોસ ધ લાઇન રમવા જતાં અક્ષરને ક્લીન બોલ્ડમાં વિકેટ આપી બેઠો હતો.

Also read : ઋષભ પંતને મળી શકે છે મોટું સન્માનઃ ‘લૉરિયસ વર્લ્ડ કમબેક’ એવોર્ડ માટે નોમિનેટ

કુલદીપ યાદવને 44 રનમાં વિકેટ નહોતી મળી, પરંતુ તેણે કાંગારુંઓને થોડા બાંધીને રાખ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button