રોહિત શર્મા `12મા’માં પણ ફેલ થયો એટલે મીડિયામાં મીમ્સનો મારો ચલાવાયો…

દુબઈઃ રોહિત શર્માને ઘણા સમયથી ટૉસના સિક્કા સાથે લેણું નથી. ટૉસ કા બૉસ' બનવા તે ઘણા પ્રયત્નો કરે છે, પરંતુ તેને નસીબનો સાથ મળતો જ નથી. આજે તે લાગલગાટ 12મી વાર ટૉસ જીતવામાં નિષ્ફળ રહ્યો.
એ સાથે, તેણે બ્રાયન લારાના વિશ્વવિક્રમની બરાબરી કરી લીધી છે. આજે અહીં ન્યૂ ઝીલૅન્ડ સામેની ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલની શરૂઆતના અડધા કલાક પહેલાં સુપર-ઍન્કર રવિ શાસ્ત્રીએ મેદાન પરના તમામ મહાનુભાવોની ઓળખ કરાવવાનું કામ પૂરુ કર્યું ત્યાર બાદ મૅચ-રેફરી રંજન મદુગલેએ ટૉસ ઉછાળવા રોહિતને સિક્કો આપ્યો હતો.
આપણ વાંચો: ભારતીય ટીમ સતત 15 મો ટોસ હારી, રોહિત શર્માએ લારાની કરી બરાબરી…
રોહિતે એ દૂર ફેંક્યો હતો અને એમાં પરિણામ એ આવ્યું કે હરીફ સુકાની મિચલ સૅન્ટનરનો કૉલ સાચો પડ્યો અને રોહિતનું ફરી એકવાર ધાર્યું ન થયું. સૅન્ટનરે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી અને ભારતના ભાગે ફીલ્ડિંગ આવી. રોહિત 12મી વાર ટૉસ હાર્યો એટલે સોશિયલ મીડિયામાં મીમ્સનો મારો ચલાવવામાં આવ્યો હતો.
બ્રાયન લારા 1998-1999 દરમ્યાન સતત 12 વાર ટૉસ હાર્યો હતો. ત્રીજા નંબરે નેધરલૅન્ડ્સનો પીટર બૉરેન છે જે 2011-2013 દરમ્યાન લાગલગાટ 11 વાર ટૉસ હાર્યો હતો. જોકે રોહિતની બાબતમાં નવાઈ એ વાતની પણ છે કે વર્તમાન ટૂર્નામેન્ટમાં તે ચારેય વાર ટૉસ હાર્યો અને ભારત ચારેય વખત વિજયી થયું છે.

ટૉસની બાબતમાં ભાગ્યનો રોહિતને ભલે સાથ ન મળતો હોય, પણ વિજયની બાબતમાં તે સફળ છે. તે તથા તેની ટીમ દમદાર પર્ફોર્મન્સથી આ સ્પર્ધાની ચારેય મૅચ જીત્યું છે. 37 વર્ષના રોહિતે ટૉસ હાર્યા પછી કહ્યું,
અમને પછીથી બૅટિંગ કરવામાં કોઈ વાંધો નથી.
હું ફરી એકવાર ટૉસ હારીશ કે આ વખતે જીતીશ એ વિશે મેં કંઈ વિચાર્યું જ નહોતું. ફાઇનલમાં અમારી સામે ન્યૂ ઝીલૅન્ડ જેવી મજબૂત ટીમ છે એ જ વાતને મેં લક્ષમાં રાખી હતી.
પિચ સારી છે જેના પર અમે કિવીઓને બને એટલા ઓછા સ્કોર સુધી સીમિત રાખીશું એના પર જ અમારું ફૉકસ રહેશે. અમે ટૉસને ધ્યાનમાં રાખતા જ નથી. અમે આ ટૂર્નામેન્ટમાં સારું રમ્યા છીએ અને આ અત્યંત મહત્ત્વની મૅચ છે જેમાં અમારે શું કરવાનું છે એની અમે ફરી ટૂંકમાં ચર્ચા કરીશું.’