રોહિતે એક સિક્સર ફટકારીને ગેઇલનો વર્લ્ડ રેકૉર્ડ તોડી નાખ્યો

દુબઈઃ અહીં ઑસ્ટ્રેલિયા સામેની ચૅમ્પિયન્સ ટ્રોફીની સેમિ ફાઇનલમાં રોહિત શર્માએ 28 રનની ટૂંકી ઇનિંગ્સમાં એક સિક્સર ફટકારી હતી અને એ સિક્સર તેને વર્લ્ડ રેકૉર્ડ તોડવામાં કામ લાગી ગઈ.
`હિટમૅન’ તરીકે ઓળખાતો રોહિત આઇસીસી વન-ડે ટૂર્નામેન્ટોમાં સૌથી વધુ સિક્સર ફટકારનારોઓમાં 64 સિક્સર સાથે વેસ્ટ ઇન્ડિઝના બૅટિંગ-લેજન્ડ ક્રિસ ગેઇલ સાથે મોખરે હતો. અત્યાર સુધી આ વિક્રમ પર આ બન્ને સ્ફોટક બૅટર મોખરે હતા, પણ હવે રોહિત 65મો છગ્ગો ફટકારીને તેનાથી આગળ થઈ ગયો છે.
આ પણ વાંચો: શમી, વરુણ, જાડેજાએ કાંગારુંઓને કાબૂમાં રાખ્યા, ઑસ્ટ્રેલિયા 264 રન બનાવી શક્યું…
આઇસીસી વન-ડે ટૂર્નામેન્ટોમાં વર્લ્ડ કપ અને ચૅમ્પિયન્સ ટ્રોફીનો સમાવેશ હોય છે. રોહિતે 65મી સિક્સર ફટકારી અને ગેઇલ 64 સિક્સર પર જ રહી ગયો છે.
રોહિતની સાથી ઓપનર શુભમન ગિલ સાથે 30 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી, પણ પછી બે જીવતદાન મળ્યા બાદ અને એક વાર બૉલ સ્ટમ્પ્સની નજીકથી પસાર થતાં તે બચી ગયો એ પછી તેણે 43 રનના કુલ સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.
રોહિતે 29 બૉલમાં એક છગ્ગા અને ત્રણ ચોક્કાની મદદથી 28 રન બનાવ્યા હતા. તે નવા સ્પિનર કૂપર કૉનોલીના બૉલમાં એલબીડબ્લ્યૂ થયો હતો.