Champions Trophy 2025

ભારતે પાકિસ્તાનની ટીમને બહાર બોલાવી અને ચીંથરેહાલ કરીને પાછી મોકલી!ઃ હજી પણ ટીકાનો વરસાદ ચાલુ છે

રવિવારના ઘોર પરાજય બાદ રિઝવાન ઍન્ડ કંપની પર પ્રજા હજીયે ક્રોધિત, ટિપ્પણીઓ વાઇરલ થઈ રહી છે

લાહોર/કરાચીઃ પાકિસ્તાન ક્રિકેટ હાલમાં અત્યંત ખરાબ હાલતમાં છે અને એ સ્થિતિમાં આવતી કાલે એણે ઘરઆંગણે (રાવલપિંડીમાં) બાંગ્લાદેશ સામે પોતપોતાની છેલ્લી લીગ મૅચ જીતીને નાક બચાવવા પર બધુ ધ્યાન આપવાનું છે.

ન્યૂ ઝીલૅન્ડ અને ભારત સામે અનુક્રમે કરાચીમાં અને દુબઈમાં નાક કપાવી ચૂકેલી મોહમ્મદ રિઝવાનની ટીમે દેશને અભૂતપૂર્વ કટોકટીમાં મૂકી દીધી છે, કારણકે પાકિસ્તાન સતત ત્રીજી વાર આઇસીસી ટૂર્નામેન્ટમાં નૉકઆઉટ પહેલાં જ સ્પર્ધાની બહાર થઈ ગયું છે. આ કંગાળ સ્થિતિમાં પાકિસ્તાનની ટીમ અને એના પરાસ્ત થયેલા ખેલાડીઓ પર હજી પણ સોશિયલ મીડિયામાં મીમ્સ બની રહ્યા છે અને ટિપ્પણીઓ થઈ રહી છે.

https://twitter.com/i/status/1893877362200125749

19મી ફેબ્રુઆરીએ ન્યૂ ઝીલૅન્ડ સામે પાકિસ્તાનનો 60 રનથી અને ભારત સામે છ વિકેટે પરાજય થયો હતો. હવે આવતી કાલે બાંગ્લાદેશ સામે પણ આકરી કસોટી થશે.

આપણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફીની ધમાકેદાર શરૂઆત, પહેલા જ દાવમાં બે સદી અને બે સેન્ચુરી-પાર્ટનરશિપ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ તાજેતરમાં જ ગૅરી કર્સ્ટન અને જેસન ગિલેસ્પી જેવા દિગ્ગજોને પાકિસ્તાનની ટીમના કોચિંગ-સ્ટાફમાંથી વિદાય લેવાની ફરજ પાડી હતી જેને કારણે પીસીબીની ખૂબ ટીકા થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે ભારતે આતંકવાદીઓના ખતરાને કારણે પોતાની ટીમને ચૅમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નથી મોકલી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આઇસીસી મારફત હાઇબ્રિડ મૉડેલ અપનાવવાની ફરજ પાડવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ ભારત પોતાની બધી મૅચો દુબઈમાં રમી રહ્યું છે.

ખુદ યજમાન પાકિસ્તાને પોતાની ટીમને દુબઈ મોકલવી પડી અને ત્યાં ટીમ ઇન્ડિયાએ આ ટૂર્નામેન્ટમાં એનો ખાત્મો કરી નાખ્યો. બીજી રીતે કહીએ તો ભારત સામેના પરાજયને પગલે મોહમ્મદ રિઝવાનની ટીમ સ્પર્ધાની બહાર ફેંકાઈ ગઈ. બાંગ્લાદેશની ટીમ પણ રેસની બહાર થઈ ગઈ છે અને ગ્રૂપ `એ’માંથી ભારત તથા ન્યૂ ઝીલૅન્ડ સેમિ ફાઇનલમાં પહોંચી ગયા છે.

જાણો, ટીકાના કેવા-કેવા તીર છોડવામાં આવ્યા છે…

  • ભારતે પાકિસ્તાનીઓને એની ધરતી પરથી બહાર આવવાની ફરજ પાડીને અન્યત્ર દેશમાં તેમને હરાવીને ચીંથરેહાલ હાલતમાં પાછા મોકલી દીધા છે.
  • પાકિસ્તાન ચૅમ્પિયન્સ ટ્રોફીની બહાર થઈ ગયું છે એમ છતાં એણે હજી યજમાન હોવા બદલ પોતાને ત્યાં મૅચોનું આયોજન કરતા રહેવું પડ્યું છે. આ તો એવું થયું, મોબાઇલ ચોરાઈ ગયો પરંતુ ઇએમઆઇ (લોનના હપ્તા) હજી ભરતા જ રહેવું પડ્યું છે.
  • અમે જ્યારે પર પાકિસ્તાનની ટીમ પાસે આશા રાખી છે ત્યારે તેઓ ક્રાઉડની વચ્ચે લાવીને દેશને બદનામ કર્યો છે.
  • અમારા દેશમાં સ્થિરતા જેવું છે જ નહીં. જ્યારે પણ સરકાર બદલાય છે ત્યારે ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પણ બદલી નાખવામાં આવે છે.
  • ભારતીય ટીમ સતત પ્રગતિ કરી રહી છે. તેઓ 2023ના વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ રમ્યા અને 2024માં ટી-20નો વર્લ્ડ કપ જીત્યા. એની તુલનામાં પાકિસ્તાનની ટીમની જુઓ કેવી હાલત થઈ છે.
  • પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બધા પૈસા સ્ટેડિયમો બનાવવામાં ખર્ચી નાખ્યા. એના બદલે ટીમ ડેવલપ કરવામાં વાપર્યા હોત તો લેખે લાગ્યા હોત.
  • પાકિસ્તાનની 26 કરોડની પ્રજા સાથે ખેલ ખેલાઈ રહ્યો છે. અમે પાગલની જેમ અપેક્ષાઓ સાથે ટીવી સેટ સામે ગોઠવાઈ જઈએ છીએ, પણ છેવટે પરિણામ કંઈક જૂદું જ આવે છે. હું 2007ની સાલથી ટીવી પર પાકિસ્તાનની મૅચો જોઉં છું. ત્યારે હું પાંચ વર્ષનો હતો અને હવે પચીસ વર્ષનો થઈ ગયો. હજી સુધી મારું દિલ તૂટ્યું જ છે.
  • ચૅમ્પિયન્સ ટ્રોફીની 19મી ફેબ્રુઆરીએ હજી તો શરૂઆત થઈ અને 23મી ફેબ્રુઆરીએ (ભારત સામેના પરાજય સાથે) પાકિસ્તાનની ટીમ (ચાર જ દિવસમાં) ટૂર્નામેન્ટની બહાર ફેંકાઈ ગઈ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button