Champions Trophy 2025ટોપ ન્યૂઝ

ભારત ચૅમ્પિયન ઑફ ચૅમ્પિયન્સઃ ટીમ ઇન્ડિયાને 19.45 કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ

ભારતીયોનો ત્રણ ટાઇટલનો વિશ્વ વિક્રમઃ રોહિત-વિરાટ મેદાન પર સ્ટમ્પથી દાંડિયા રમ્યા

દુબઈઃ ભારતે આજે અહીં ન્યૂ ઝીલૅન્ડને રોમાંચક ફાઇનલમાં છ બૉલ અને ચાર વિકેટ બાકી રાખીને હરાવી દીધું હતું અને ચૅમ્પિયન્સ ટ્રોફીનો તાજ ફરી એકવાર જીતી લીધો હતો. 2013 બાદ ભારત પાછું આ વન-ડે આઇસીસી ટૂર્નામેન્ટમાં ચૅમ્પિયન બન્યું છે.

બીજા જ બૉલમાં સિક્સર ફટકારીને ઇનિંગ્સની ધમાકેદાર શરૂઆત કરનાર કૅપ્ટન અને પ્લેયર ઑફ ધ ફાઇનલ રોહિત શર્મા (76 રન, 83 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) આ મૅચનો સુપરસ્ટાર હતો. ભારત 2024માં ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન બન્યું ત્યાર બાદ હવે આઠ મહિને ચૅમ્પિયન્સ ટ્રોફીની બહુમૂલ્ય ટ્રોફી જીત્યું છે.

રોહિત શર્મા તથા વિરાટ કોહલી જીત્યા બાદ મેદાન પર સ્ટમ્પથી દાંડિયા રમ્યા હતા અને કરોડો ટીવી દર્શકોના તેમણે દિલ જીતી લીધા હતા.

આપણ વાંચો: અફઘાનિસ્તાનના 325/7, ઝડ્રાને રચ્યો ઈતિહાસ: ઇંગ્લૅન્ડ માટે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ટકવું મુશ્કેલ

.દુબઈમાં ભવ્ય સેલિબ્રેશન થયું હતું. રચિન રવીન્દ્રને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
ટીમ ઇન્ડિયાને 19.45 કરોડ રૂપિયાનું સર્વોચ્ચ ઇનામ મળ્યું હતું. રનર-અપ ન્યૂ ઝીલૅન્ડને 9.72 કરોડ રૂપિયા મળ્યા છે.

વીઓના કેટલાક કૅચ છૂટ્યા બાદ ભારતને જીતવા 252 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ટીમ ઇન્ડિયાએ 49 ઓવરમાં છ વિકેટે 254 રન બનાવીને વિજય મેળવ્યો હતો. વિકેટકીપર કેએલ રાહુલ 34 રને અણનમ રહ્યો હતો. રવીન્દ્ર જાડેજા (નવ અણનમ)એ વિનિંગ ફોર ફટકારી હતી.

ભારત આ ટૂર્નામેન્ટમાં અજેય રહ્યું અને છેવટે ટાઇટલ જીતીને રહ્યું. ભારતે ત્રીજી વાર આ ટ્રોફી જીતી છે. 2002માં ભારત અને શ્રીલંકાએ ટ્રોફી શૅર કરી હતી અને 2013માં ભારત આ ટૂર્નામેન્ટ બીજી વાર જીત્યું હતું અને હવે ત્રીજી વખત ભારતે ચૅમ્પિયનપદ હાંસલ કર્યું છે. એ સાથે, ભારતે ઑસ્ટ્રેલિયાનો બે ટાઇટલનો વિક્રમ તોડ્યો છે.

આપણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની હાર બાદ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરનારા ભંગારના વ્યાવસાયિકની ધરપકડ…

વિરાટ કોહલી એક જ રન બનાવીને સ્પિનર માઇકલ બે્રસવેલના બૉલમાં એલબીડબલ્યૂ થયો હતો, પરંતુ રોહિત ઉપરાંત ભારતની જીતમાં યોગદાન આપનાર બૅટર્સ આ મુજબ હતાઃ શુભમન ગિલ (31 રન, 50 બૉલ, એક સિક્સર), શ્રેયસ ઐયર (48 રન, 62 બૉલ, બે સિક્સર, બે ફોર), અક્ષર પટેલ (29 રન, 40 બૉલ, એક સિક્સર, એક ફોર), કેએલ રાહુલ (34 અણનમ, 33 બૉલ, એક સિક્સર, એક ફોર), હાર્દિક પંડ્યા (18 રન, 18 બૉલ, એક સિક્સર, એક ફોર).

ન્યૂ ઝીલૅન્ડના ચાર સ્પિનર સહિત કુલ સાત બોલરે ભારતીય બૅટર્સ પર આક્રમણ કર્યું હતું. સ્પિનરો સૅન્ટનર અને બે્રસવેલે બે-બે વિકેટ તથા રચિન રવીન્દ્રએ એક વિકેટ તેમ જ ફાસ્ટ બોલર કાઇલ જેમીસને એક વિકેટ લીધી હતી.

એ પહેલાં, ભારતના સ્પિનર્સે સાતમાંથી પાંચ વિકેટ લેવા ઉપરાંત એના બૅટર્સને અંકુશમાં પણ રાખ્યા હતા. બૅટિંગ પસંદ કર્યા બાદ ન્યૂ ઝીલૅન્ડે 50 ઓવરમાં સાત વિકેટે 251 રન બનાવીને ભારતને 252 રનનો સાધારણ છતાં પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો.

આપણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફીની ધમાકેદાર શરૂઆત, પહેલા જ દાવમાં બે સદી અને બે સેન્ચુરી-પાર્ટનરશિપ

દુબઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટ ગ્રાઉન્ડની સ્લો પિચ પર બૉલ ખૂબ નીચો રહી જતો હતો અને ધીમો થઈ જતો હતો અને એ સ્થિતિમાં કિવીઓના ટોચની હરોળના બૅટર્સ સારી શરૂઆત કર્યા બાદ ભારતીય સ્પિનર્સ સામે ઝૂકી ગયા હતા. તેમણે 57 રન સુધી એક પણ વિકેટ નહોતી ગુમાવી, પરંતુ 75મા રન સુધીમાં તેમની ત્રણ વિકેટ પડી ગઈ હતી.

ડેરિલ મિચલ (63 રન, 101 બૉલ, ત્રણ ફોર) અને માઇકલ બે્રસવેલ (53 અણનમ, 40 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)ની હાફ સેન્ચુરી ભારતને નડી હતી.

કુલદીપ યાદવ (10-0-40-2), વરુણ ચક્રવર્તી (10-0-45-2) અને રવીન્દ્ર જાડેજા (10-0-30-1) સૌથી સફળ સ્પિનર સાબિત થયા હતા. અક્ષર પટેલ (8-0-29-0)ને વિકેટ નહોતી મળી, પણ તેણે કિવીઓને કાબૂમાં રાખવામાં મોટો ફાળો આપ્યો હતો.

આપણ વાંચો: શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ કેમ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં નથી? કારણો ખૂબ રસપ્રદ છે

ન્યૂ ઝીલૅન્ડના ઓપનર્સે ફટકાબાજી કરીને ટીમને સારું સ્ટાર્ટ અપાવ્યું ત્યારે લાગતું હતું કે કિવીઓનો જુમલો 300 રનને પાર જશે જ. જોકે વિલ યંગ (15 રન, 23 બૉલ, બે ફોર)ને એલબીડબ્લ્યૂ કરીને વરુણ ચક્રવર્તીએ ટીમ ઇન્ડિયાને વિકેટ અપાવવાની શુભ શરૂઆત કરી હતી. યંગ અને રચિન રવીન્દ્ર (37 રન, 29 બૉલ, એક સિક્સર, ચાર ફોર) વચ્ચે 47 બૉલમાં 57 રનની જે ભાગીદારી થઈ એને વરુણે તોડ્યા બાદ રચિનને રિસ્ટ સ્પિનર કુલદીપે ક્લીન બોલ્ડ કરીને બીજી વિકેટ માટે મોટી ભાગીદારી થતી અટકાવી હતી. લગભગ ચોથા સ્ટમ્પ પર પડેલા બૉલને રચિન ઑફ સાઇડમાં મોકલવાના પ્રયાસમાં ગૂંચવાઈ જતાં ઑફ-મિડલ સ્ટમ્પ પરની બેલ ગુમાવી બેઠો હતો.

રચિનની વિકેટ ન્યૂ ઝીલૅન્ડની 11મી ઓવરમાં લીધા બાદ કુલદીપે 13મી ઓવરમાં કેન વિલિયમસન (11 રન, 14 બૉલ, એક ફોર)ને છટકામાં ગોઠવીને પોતે જ તેનો આસાન કૅચ પકડી લીધો હતો. કેનની પ્રાઇઝ-વિકેટ મળ્યા બાદ ભારતીય બોલર્સને વિકેટકીપર ટૉમ લૅથમ (14 રન, 30 બૉલ)ની બીજી મહત્ત્વની વિકેટની તલાશ હતી અને એ વિકેટ રવીન્દ્ર જાડેજાએ 24મી ઓવરમાં અપાવી હતી.

આપણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં ન્યૂ ઝીલૅન્ડ સામે પાકિસ્તાન ત્રણેય મુકાબલા હાર્યું છે

જોકે ચોથા નંબર પર રમવા આવેલા ડેરિલ મિચલ અને ગ્લેન ફિલિપ્સ (34 રન, બાવન બૉલ, એક સિક્સર, બે ફોર)ની જોડીએ ભારતીય બોલર્સને ખૂબ હંફાવ્યા હતા. તેઓ ખૂબ સાવચેતીથી રમ્યા હતા અને તેમની વચ્ચે પાંચમી વિકેટ માટે 87 બૉલમાં 57 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી.

ત્યાર બાદ બીજી સાધારણ અને નાની ભાગીદારીઓની મદદથી કિવીઓ 250-પ્લસનો સ્કોર નોંધાવી શક્યા હતા. મિચલ અને માઇકલ બે્રસવેલ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 47 બૉલમાં 46 રનની, બે્રસવેલ અને મિચલ સૅન્ટનર (આઠ રન, 10 બૉલ) વચ્ચે સાતમી વિકેટ માટે 20 બૉલમાં 28 રનની ભાગીદારી થઈ હતી.

સૅન્ટનરને કોહલી અને વિકેટકીપર રાહુલે રનઆઉટ કર્યો હતો. છેલ્લે બે્રસવેલ અને નૅથન સ્મિથ (શૂન્ય અણનમ) વચ્ચે છ બૉલમાં અણનમ બાર રનની પાર્ટનરશિપ થઈ હતી.

ભારતીય સ્પિનર્સે કિવીઓ સામે અસરદાર બોલિંગ કરી ત્યાર પછી છેવટની ઓવર્સમાં મોહમ્મદ શમીને રોહિતે ફરી મોરચા પર મૂક્યો ત્યારે તેની બોલિંગને કિવીઓએ ચીંથરેહાલ કરી હતી. શમી 46મી ઓવરમાં ડેરિલ મિચલની વિકેટ લેવામાં સફળ રહ્યો હતો, પણ ઇનિંગ્સને અંતે શમીની બોલિંગ-ઍનેલિસિસ 9-0-74-1 રહી હતી. આ દાવમાં 50થી વધુ રન આપનાર તે એકમાત્ર ભારતીય બોલર હતો. હાર્દિક પંડ્યાને ત્રણ ઓવરમાં 30 રનના ખર્ચે એકેય વિકેટ નહોતી મળી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button