રોહિતે આસાન કૅચ છોડ્યો, અક્ષર ઐતિહાસિક સિદ્ધિ ચૂક્યો

દુબઈઃ રોહિત શર્મા ટી-20 ફૉર્મેટનો વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન છે, પણ તેણે આજે અહીં ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના પહેલા જ મુકાબલામાં મહત્ત્વના સમયે બાંગ્લાદેશના બૅટરનો સાવ સહેલો કૅચ છોડ્યો જેને કારણે સ્પિન-ઑલરાઉન્ડર અક્ષર પટેલ ઐતિહાસિક હૅટ-ટ્રિક ચૂકી ગયો હતો. રોહિતની આ કચાશનો વીડિયો વાઇરલ થયો છે.
ઓવરના બીજા-ત્રીજા બૉલમાં વિકેટ
વાત એવી છે કે બાંગ્લાદેશની ઇનિંગ્સમાં નવમી ઓવર અક્ષરે કરી હતી જેના બીજા બૉલમાં ખતરારૂપ ઓપનર તેન્ઝિદ હસન પચીસ રનના તેના સ્કોર પર વિકેટકીપર કેએલ રાહુલને કૅચ આપી બેઠો હતો. ત્યારે બાંગ્લાદેશનો સ્કોર ચાર વિકેટે માત્ર 35 રન હતો.
આપણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફીની ધમાકેદાર શરૂઆત, પહેલા જ દાવમાં બે સદી અને બે સેન્ચુરી-પાર્ટનરશિપ
ત્યાર પછીના બૉલમાં પીઢ બૅટર મુશફિકુર રહીમ સ્ટ્રાઇક પર આવ્યો હતો, પણ અક્ષરે તેને જાળમાં ફસાવ્યો હતો અને તેને ઝીરો પર જ રાહુલના જ હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. અક્ષરે બે બૉલમાં બે વિકેટ લીધી હતી અને તેને હૅટ-ટ્રિક લેવાનો સુવર્ણ મોકો મળ્યો હતો. એ સમયે બાંગ્લાદેશનો સ્કોર પાંચ વિકેટે 35 રન હતો.
ઐતિહાસિક હૅટ-ટ્રિકનો મોકો
હવે અહીં અક્ષર અને ભારતીય ફીલ્ડર્સની ખરી કસોટી હતી. અક્ષર તો એમાં સફળ થઈ રહ્યો હતો, કારણકે તેનો એ ચોથો બૉલ પણ વિકેટ-ટેકિંગ જ હતો. તેના એ બૉલમાં નવા બૅટર જાકર અલીના બૅટની ધારને લાગ્યા બાદ બૉલ સ્લિપમાં ઊભેલા રોહિત શર્મા તરફ ગઈ હતી અને રોહિત એ આસાન કૅચ પકડી શકે એમ હતો, પરંતુ તેનાથી એ કૅચ છૂટી ગયો હતો.
એ સાથે, અક્ષરને હૅટ-ટ્રિકનો જે બહુમૂલ્ય મોકો મળ્યો હતો એ ગુમાવવો પડ્યો. જો રોહિતે એ કૅચ પકડ્યો હોત તો અક્ષર ચૅમ્પિયન્સ ટ્રોફીમાં હૅટ-ટ્રિક લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો હોત, પણ અક્ષરે રોહિતને લીધે એ કીર્તિમાનથી વંચિત રહેવું પડ્યું.
આપણ વાંચો: શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ કેમ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં નથી? કારણો ખૂબ રસપ્રદ છે
રોહિત પોતાના પર નારાજ હતો
જાકર અલીનો કૅચ છૂટતાં જ રોહિતની પોતાના પરની નારાજગી દેખાઈ આવી હતી. તેણે ગુસ્સામાં પોતાનો હાથ બે-ત્રણ વાર જમીન પર પછાડ્યો હતો. ત્યાર બાદ અક્ષરને રોહિત કંઈક કહી રહ્યો દેખાયો હતો.
જીવતદાન પછી મોટી ભાગીદારી
અક્ષરના બૉલમાં રોહિતના હાથે જાકર અલીનો કૅચ છૂટ્યો ત્યાર બાદ જાકર અને તૌહિદ રિદોય વચ્ચે 70 રનથી પણ વધુ ભાગીદારી થઈ હતી અને એ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યારે તેમણે ભેગા થઈને બાંગ્લાદેશનો સ્કોર 100 રનને પાર મોકલી દીધો હતો. એ વખતે જાકર 40 રને અને તૌહિદ 36 રને રમી રહ્યો હતો.