ગિલ નંબર-વનની રૅન્ક પર વધુ મજબૂત થયો, કોહલી પાંચમા ક્રમે આવી ગયો

દુબઈઃ ચૅમ્પિયન્સ ટ્રોફીની મધ્યમાં જ આઇસીસીએ વન-ડેના નવા રૅન્કિંગ જાહેર કર્યા છે જે મુજબ શુભમન ગિલે નંબર-વન પર પોતાનું સ્થાન વધુ મજબૂત કરીને બાબર આઝમ સામેની સરસાઈ વધારી દીધી છે, જ્યારે વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે યાદગાર અણનમ સેન્ચુરી (111 બૉલમાં 100 રન) ફટકારીને એક ક્રમનો સુધારો કરી લીધો છે અને પાંચમા સ્થાને આવી ગયો છે.
શુભમન ગિલે તાજેતરમાં જ નંબર-વન પર કબજો જમાવ્યો હતો. હાલમાં તેનું રેટિંગ 817 છે. જોકે આ રેટિંગ તેનું ઑલટાઇમ હાઇ નથી, કારણકે 2023ની સાલમાં તે 847ના રેટિંગ સુધી પહોંચ્યો હતો. બીજા નંબર પર ટકી રહેવા માટે બાબર આઝમ 770ના રેટિંગ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. અહીં જોવા મળશે કે ગિલ-બાબરના રેટિંગ વચ્ચે બહુ મોટું અંતર છે.
રોહિત શર્મા હજી પણ ત્રીજા નંબરે છે. તેનું 757નું રેટિંગ છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામે તે સાધારણ રમ્યો હોવાથી તેના માટે ત્રીજું સ્થાન જાળવી રાખવું મુશ્કેલ બન્યું છે. સાઉથ આફ્રિકાનો હિન્રિક ક્લાસેન તેનાથી બહુ દૂર નથી. ક્લાસેન 749ના રેટિંગ સાથે માત્ર આઠ પૉઇન્ટ દૂર છે.
આ પણ વાંચો…પાકિસ્તાન સામેની શાનદાર સદી બાદ Virat Kohliને લઈને થયો ચોંકાવનારો ખુલાસો, મેચ પહેલાં…
દરમ્યાન, વિરાટ કોહલીએ એક સ્થાન ઉપર આવી ગયો છે. તે 743ના રેટિંગ સાથે પાંચમા ક્રમે છે.
ન્યૂ ઝીલૅન્ડના ડેરિલ મિચલને એક ક્રમનું નુકસાન થયું છે. તે 717ના રેટિંગ સાથે છઠ્ઠે અને આયરલૅન્ડનો હૅરી ટેક્ટર 713ના રેટિંગ સાથે સાતમા સ્થાને છે. ત્યાર પછીના ત્રણ ક્રમે આ બૅટર્સ છેઃ શ્રીલંકાનો ચરિથ અસલંકા (694ના રેટિંગ સાથે આઠમા નંબરે), શ્રેયસ ઐયર (679 રેટિંગ સાથે નવમા નંબરે) અને વેસ્ટ ઇન્ડિઝનો શાઇ હોપ (672ના રેટિંગ સાથે 10મા નંબરે) છે.
નવાઈની વાત એ છે કે આયરલૅન્ડ, શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં નથી તો પણ એના ખેલાડીઓ હજી ટૉપ-ટેનમાં છે.