ટ્રેવિસ હેડને વરુણ વહેલો આઉટ કરી શકે…ગાવસકરની આગાહી સાચી પડી
રોહિતે કેવા અભિગમથી રમવું જોઈએ?…ગાવસકર અને કપિલે કર્યા રસપ્રદ સૂચન

દુબઈઃ દુબઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન સ્ટીવ સ્મિથે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી, પરંતુ શરૂઆતમાં જ કાંગારુંઓની અમુક યોજના ઊંધી વળી ગઈ, કારણકે ત્રીજી જ ઓવરમાં પેસ બોલર મોહમ્મદ શમીએ 21 વર્ષની ઉંમરના અને ત્રણ જ વન-ડેના અનુભવી સ્પિન-ઑલરાઉન્ડર અને ઓપનર કૂપર કૉનોલીને આઉટ કરી દીધો અને ત્યાર બાદ થોડી વાર પછી સ્પિન-સ્ટાર વરુણ ચક્રવર્તીએ ખતરારૂપ ઓપનર ટ્રેવિસ હેડ(39 રન) ની વિકેટ લઈને સુનીલ ગાવસકરની થોડા કલાકો પહેલાંની આગાહી સાચી પાડી હતી.
ગાવસકરે એક જાણીતી વેબસાઇટના ઑસ્ટ્રેલિયા કો હરાના હૈ' ટાઇટલવાળા શૉમાં ભાગ લીધો હતો જેમાં તેમણે ટીમ ઇન્ડિયા માટેની સલાહમાં કહ્યું હતું કે
રોહિતની ટીમે વરુણ ચક્રવર્તીને છઠ્ઠી કે સાતમી ઓવરથી મોરચા પર લાવી દેવો જોઈએ કે જેથી ઓપનર ટ્રેવિસ હેડને તેનો સામનો કરવામાં તકલીફ પડે અને તે વિકેટ ગુમાવી બેસે. વરુણને ટ્રેવિસની સામે લાવવો જ જોઈએ.’
ગાવસકરે આ શૉમાં એવું પણ સૂચવ્યું હતું કે જો વરુણને આગળની ઓવરમાં ન લાવી શકાય તો કુલદીપને તો લાવવો જ જોઈએ. તે પણ એક સારો વિકલ્પ છે.' બન્યું એવું કે રોહિતે સૌથી પહેલાં વરુણને નહીં, પણ કુલદીપને છઠ્ઠી ઓવરમાં મોરચા પર મૂક્યો હતો.
કુલદીપની પહેલી બે ઓવરમાં હેડ એક સિક્સર ફટકારી શક્યો અને અમુક બૉલમાં સિંગલ રન લઈ શક્યો હતો. એને બાદ કરતા એકંદરે હેડ માટે કુલદીપ માથાનો દુખાવો થઈ ગયો હતો. બની શકે કે કુલદીપને વહેલો મોકલીને રોહિતે હેડ માટે કોઈક યોજના વિચારી હશે.
આઠમી ઓવર કુલદીપની હતી જે પૂરી થયા બાદ તરત જ રોહિતે નવમી ઓવરમાં વરુણને હેડ-સ્મિથની જોડી સામે મૂકી દીધો હતો અને સ્મિથે પ્રથમ બૉલમાં એક રન લીધા બાદ બીજા જ બૉલમાં વરુણે હેડને લૉન્ગ-ઑફ પર શુભમન ગિલના હાથમાં કૅચઆઉટ કરાવી દીધો હતો. સનીની આગાહી સાચી પડી.
વરુણે જ હેડને પૅવિલિયન ભેગો કરી દીધો. હેડને વહેલો પાછો ન મોકલાયો હોત તો ટીમ ઇન્ડિયા માટે તે હેડેક બની ગયો હોત. આ મૅચમાં દુબઈની સૂકી પિચ પર ભારતે પછીથી બૅટિંગ કરવાની હોવાથી એમાં કૅપ્ટન રોહિત શર્માની ખરી કસોટી થશે એવું નક્કી થયું હતું.
આપણ વાંચો: ગુડ ન્યૂઝ…ક્રિકેટરોના પરિવારોને ચેમ્પિયન્સ ટ્રોફીની એક મૅચ જોવાની છૂટ?
ઑસ્ટ્રેલિયા કો હરાના હૈ’ શૉમાં ગાવસકરે કહ્યું કે રોહિતસેનાએ બહુ ટેન્શન લેવાની જરૂર નથી. થોડા જ સમય પહેલાં ભારતે ઑસ્ટ્રેલિયાને ટી-20 વર્લ્ડ કપમાં હરાવ્યું હતું. એના ઘણા સ્ટાર ખેલાડીઓ આ ટૂર્નામેન્ટમાં નથી રમ્યા. એ જોતાં ભારતનો હાથ ઉપર કહેવાય.
મિચલ સ્ટાર્ક, જૉશ હૅઝલવૂડ અને પૅટ કમિન્સ ઈજાને લીધે નથી રમ્યા.' કપિલ દેવે રોહિત વિશે કહ્યું કે
ભારતીય કૅપ્ટને કેવો અભિગમ રાખીને રમવું એ વિશે તેના માટે ખાસ કંઈ કહેવાની જરૂર જ નથી.
જેમ વીરેન્દર સેહવાગને કંઈ જ કહેવાની જરૂર નહોતી પડતી એમ રોહિતને પણ કંઈ કહેવાની જરૂર મને તો લાગતી નથી. હા, તેણે થોડો સમય સંભાળીને રમવું જોઈએ. તે થોડી ઓવર હેમખેમ કાઢી નાખે ત્યાર પછી તે કંઈ પણ કરી શકે છે.’