પાકિસ્તાનનો દાવો પોકળ સાબિત થયો, પોતાની જ પ્રારંભિક મૅચમાં પૂરતા પ્રેક્ષકો ન મળ્યા!
અનેક સ્ટૅન્ડ ખાલીખમ જોઈને માઇકલ વૉને અણિયાળા સવાલો કર્યા

કરાચીઃ પાકિસ્તાનમાં છેક 29 વર્ષે આઇસીસીની ક્રિકેટ સ્પર્ધા રાખવામાં આવી હોવાથી સ્વાભાવિક છે કે દેશના અસંખ્ય ક્રિકેટપ્રેમીઓ સ્ટેડિયમમાં આવીને પોતાના આંગણે આવેલો આ ક્રિકેટોત્સવ માણે, પરંતુ પાકિસ્તાનમાં આજે સાવ ઊલટું જ બન્યું. કરાચીના નૅશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાનની ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ મૅચ દરમ્યાન મોટા ભાગના સ્ટૅન્ડ ખાલીખમ હતા.
ભારતે પોતાની ટીમને આતંકવાદીઓના ખતરાને કારણે પાકિસ્તાનમાં નથી મોકલી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) દ્વારા પહેલાં તો ભારતે સૂચવેલા હાઇબ્રિડ-મૉડેલ સામે વિરોધ કર્યો હતો, પરંતુ ક્રિકેટજગતના સૌથી શ્રીમંત ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇ સામે આખરે એણે ઝૂકવું જ પડ્યું અને ભારતનું ધાર્યું જ થયું. ભારતની તમામ મૅચો દુબઈમાં રમાવાની છે.
આપણ વાંચો: Champions trophy PAK vs NZ: પાકિસ્તાને ટોસ જીતી લીધો આ નિર્ણય; જુયો બંને ટીમની પ્લેઈગ-11
પીસીબીએ ભારતને બતાવી દેવા માટે મોટા-મોટા દાવા કર્યા અને ખૂબ ડંફાસ પણ મારી, પરંતુ આજે પરિણામ જોવા મળી ગયું. તમામ દાવા અને વચનો વચ્ચે પહેલા જ દિવસે પોલ ખૂલી ગઈ. ટીવી પરના જીવંત પ્રસારણ અનુસાર કરાચીના નૅશનલ સ્ટેડિયમના ઘણા સ્ટૅન્ડ ખાલી હતા.
આ સ્ટેડિયમમાં કુલ 30,000 જેટલા પ્રેક્ષકો બેસી શકે એટલી ક્ષમતા છે. એવું મનાતું હતું કે ત્રણ દાયકા બાદ પહેલી વાર દેશમાં મોટી ક્રિકેટ સ્પર્ધા યોજાવાની હોવાથી પહેલા દિવસે તો સ્ટેડિયમ ભરચક હશે, પણ એવું નથી બન્યું. ખાસ કરીને ન્યૂ ઝીલૅન્ડની ઇનિંગ્સ દરમ્યાન ઘણા સ્ટૅન્ડ ખાલી જોવા મળ્યા હતા.
ખાસ આ ટૂર્નામેન્ટ માટે કરાચી અને લાહોરના સ્ટેડિયમનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે. રાવલપિંડી સહિત ત્રણેય સ્થળના સ્ટેડિયમો વિશે પીસીબીએ મોટા દાવા કર્યા હતા અને હવે જેમ તેમ કરીને ટૂર્નામેન્ટ શરૂ કરવામાં આવી છે.
આપણ વાંચો: Champions Trophy 2025: PAK vs NZ મેચ રોમાંચક રહેશે; જાણો કેવી રહેશે પીચ અને હવામાન
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉને એક્સ' પર બહુ સરસ કમેન્ટ કરી છે. તેણે લખ્યું છે કે
પાકિસ્તાનમાં ચૅમ્પિયન્સ ટ્રોફી રમાતી જોઈને મને ખૂબ ગમ્યું. 1996 પછી પહેલી વાર પાકિસ્તાનમાં મોટી ક્રિકેટ ઇવેન્ટ રમાઈ રહી છે. જોકે આ ટૂર્નામેન્ટ શરૂ થઈ ચૂકી છે એવું સ્થાનિક લોકોને જણાવવાનું તેઓ ભૂલી ગયા છે કે શું? પ્રેક્ષકો તો દેખાતા નથી, ક્યાં છે ક્રિકેટપ્રેમીઓ?’
દરમ્યાન કરાચીના આ જ સ્ટેડિયમમાં ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા આયોજિત ઓપનિંગ સેરેમનીમાં પાકિસ્તાનના લેટેસ્ટ ફાઈટર વિમાનો સહિતનો રોમાંચક ઍર-શો યોજાયો હતો તેમ જ બીજા કેટલાક કાર્યક્રમો પણ યોજાયા હતા.