Champions Trophy: ઇંગ્લેન્ડની ક્રિકેટમાં ધમાલ, બટલરે કેપ્ટન તરીકે રાજીનામું આપ્યું
આવતીકાલે દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં છેલ્લી વખત કરશે કેપ્ટનશિપ

કરાંચીઃ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઈંગ્લેન્ડનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. ઈંગ્લેન્ડની ટીમ સતત બે મેચ હાર્યા બાદ સેમિફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. હવે ખરાબ પ્રદર્શન બાદ કેપ્ટન જોસ બટલરે વન-ડે અને ટી-20 ટીમની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો છે. બટલર 1 માર્ચ (શનિવાર)ના રોજ દક્ષિણ આફ્રિકા સામે છેલ્લી વખત ઈંગ્લેન્ડ ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. અફઘાનિસ્તાન સામે હાર્યા બાદ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયું હતું.
જોસ બટલરે કહ્યું હતું કે તે ચાલી રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી ટીમની બહાર થયા બાદ ઇંગ્લેન્ડના મર્યાદિત ઓવરોના કેપ્ટન પદેથી રાજીનામું આપશે. 34 વર્ષીય શનિવાર અહીં દક્ષિણ આફ્રિકા સામેની અંતિમ ગ્રુપ સ્ટેજની મેચમાં છેલ્લી વખત ઈંગ્લેન્ડ ટીમનું નેતૃત્વ કરશે.
બટલરે અફઘાનિસ્તાન સામેની મેચ બાદ કહ્યું હતું કે તે ટીમ મેનેજમેન્ટ અને ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ સાથે તેના ભવિષ્ય અંગે ચર્ચા કરશે. બટલરે કહ્યું હતું કે તે ભવિષ્યમાં પણ મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં ઈંગ્લેન્ડ તરફથી રમવાનું ચાલુ રાખશે. તેણે આશા વ્યક્ત કરી કે કેપ્ટનશિપનો બોજ હટ્યા બાદ તે વધુ સારું પ્રદર્શન કરી શકશે.
બટલરે કહ્યું હતું કે હું ઈંગ્લેન્ડની કેપ્ટનશિપ છોડવાનો છું. મારા અને ટીમ માટે આ યોગ્ય નિર્ણય હશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જે પણ ટીમની કેપ્ટનશીપ કરશે તે આ ટીમને આગળ લઈ જશે. ટુર્નામેન્ટમાંથી બહાર થવાનું દુઃખ અને નિરાશા છે. મારી કેપ્ટનશિપ માટે આ ટૂર્નામેન્ટ મહત્વપૂર્ણ હતી, પરંતુ પરિણામ અમારા પક્ષમાં મળ્યા નહીં. મને લાગે છે કે પદ છોડવાનો આ યોગ્ય સમય છે.
નોંધનીય છે કે બટલરે જૂન 2022માં ઈંગ્લેન્ડની મર્યાદિત ઓવરોમાં ટીમની કેપ્ટનશિપ સંભાળી હતી. 2022 ટી-20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડને જીત અપાવી હતી. જોકે, તાજેતરની ટુર્નામેન્ટમાં ટીમ સંઘર્ષ કરી રહી હતી. બટલરે 36 વન-ડે મેચમાં ઈંગ્લેન્ડની કેપ્ટનશિપ કરી હતી, જેમાંથી ટીમને 13માં જીત મળી હતી, જ્યારે ટીમને 22 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.