બાંગ્લાદેશમાં ક્રિકેટર લિટન દાસની મહા શિવરાત્રિ નિમિત્તે ખાસ પૂજાઃ તિલક, ચાહર, કર્ણએ બાબુલનાથ મંદિરમાં દર્શન કર્યા

ઢાકાઃ બાંગ્લાદેશનો હિન્દુ ક્રિકેટર લિટન દાસ ચૅમ્પિયન્સ ટ્રોફી માટેની બાંગ્લાદેશની ટીમમાં તો નથી એમ છતાં તે બે દિવસથી ન્યૂઝમાં છે. વાત એમ છે કે બુધવારે મહા શિવરાત્રિના અવસરે શિવલિંગ પર ખાસ પૂજા કરી હતી અને એના ફોટો શૅર કર્યા હતા જેને કારણે તે ભારતીય ક્રિકેટપ્રેમીઓના દિલોદિમાગ પર છવાઈ ગયો છે.
30 વર્ષનો લિટન દાસ બાંગ્લાદેશ વતી કુલ 237 મૅચ રમ્યો છે જેમાં તેણે કુલ 7,000થી પણ વધુ રન બનાવ્યા છે જેમાં નવ સેન્ચુરી સામેલ છે. છેલ્લે બાંગ્લાદેશ વતી તે ડિસેમ્બર 2024માં રમ્યો હતો.
બાંગ્લાદેશમાં થોડા મહિનાઓથી હિન્દુઓ વિરુદ્ધ તોફાનો થઈ રહ્યા છે અને એ સ્થિતિમાં લિટન દાસે મહાદેવને રિઝવવા જે પૂજા-અર્ચના કરી એ બદલ સોશિયલ મીડિયામાં તેના ચાહકોએ તેની ખૂબ પ્રશંસા કરી છે. થોડા દિવસ પહેલાં એવા અહેવાલો બહાર આવ્યા હતા કે બાંગ્લાદેશમાં લિટન દાસના ઘરમાં તોડફોડ કરવામાં આવી છે.
આપણ વાંચો: અફઘાનિસ્તાનના 325/7, ઝડ્રાને રચ્યો ઈતિહાસ: ઇંગ્લૅન્ડ માટે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ટકવું મુશ્કેલ
જોકે લિટન દાસે ફેસબુક પર એ દાવાને ખોટા ગણાવ્યા હતા અને લોકોને એક્તા રાખીને બાંગ્લાદેશની પ્રગતિ માટે કામ કરવાની સલાહ આપી હતી.
સાઉથ આફ્રિકન સ્પિનર કેશવ મહારાજ પણ મૂળ હિન્દુ છે. તેણે ઇન્સ્ટાગ્રામ પરની સ્ટોરી મારફત ચાહકોને મહા શિવરાત્રિ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી તેમ જ બન્ને હાથ જોડાયેલા હોય એવા ઇમોજી સાથે લિટન દાસની પોસ્ટને બિરદાવી હતી.
ભારતમાં પણ કેટલાક જાણીતા ખેલાડીઓ મહા શિવરાત્રિ નિમિત્તે મંદિરમાં ગયા હતા અને ખાસ પૂજા કરી હતી. મુંબઈ ઇન્ડિયન્સ ટીમ સાથે સંકળાયેલા ખેલાડીઓ તિલક વર્મા, દીપક ચાહર અને કર્ણ શર્માએ મુંબઈના વિશ્વવિખ્યાત બાબુલનાથના મંદિરે દર્શન કર્યા હતા.

તેમણે આઇપીએલની 21મી માર્ચે શરૂ થનારી નવી સીઝન વિશે ભગવાન શિવના આશીર્વાદ મેળવવા તેમની ખાસ પૂજા કરી હતી અને સોશિયલ મીડિયામાં `હર હર મહાદેવ’ની કૅપ્શન સાથે ચાહકોને મહા શિવરાત્રિ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર બાબુલનાથના મંદિરની મુલાકાત સંબંધિત તસવીર પણ પોસ્ટ કરી હતી.