બાંગ્લાદેશ 35/5 અને પછી 228/10ઃ તૌહિદ હૃદયની વન-ડેમાં પ્રથમ સેન્ચુરી

દુબઈઃ બાંગ્લાદેશે આજે અહીં ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સામેના પ્રારંભિક મુકાબલામાં બૅટિંગ પસંદ કર્યા બાદ ધબડકા સાથે શરૂઆત કરી હતી, પરંતુ મિડલ-ઑર્ડરના બે બૅટર વચ્ચેની 154 રનની વિક્રમજનક ભાગીદારીની મદદથી છેવટે ભારતના આ પાડોશી દેશની ટીમની ઇનિંગ્સ 50મી ઓવરના ચોથા બૉલ પર 228 રનના સન્માનજનક સ્કોર પર પૂરી થઈ હતી. પાંચમા નંબર પર બૅટિંગમાં આવેલા તૌહિદ હૃદય (100 રન, 118 બૉલ, 185 મિનિટ, બે સિક્સર, છ ફોર) આ ઇનિંગ્સનો સુપરસ્ટાર હતો.
અરબી ભાષામાં તૌહિદ નામનો `સબ કા માલિક એક’ એવો અર્થ થાય છે. તૌહિદ હૃદયે આજે માત્ર વન-ડે ફૉર્મેટમાં જ નહીં, પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલી વાર સદી ફટકારી હતી. તેની અને સાતમા નંબરના બૅટર જાકર અલી (68 રન, 114 બૉલ, 127 મિનિટ, ચાર ફોર) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 206 બૉલમાં 154 રનની ભાગીદારી થઈ હતી.
પંદર મહિને આઇસીસી ટૂર્નામેન્ટમાં કમબૅક કરનાર મોહમ્મદ શમી (10-0-53-5) ભારતના બોલર્સની ફોજનો સુપરસ્ટાર હતો. તેણે કરીઅરની 200 વિકેટની સિદ્ધિ પણ મેળવી હતી.
આપણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફીની ધમાકેદાર શરૂઆત, પહેલા જ દાવમાં બે સદી અને બે સેન્ચુરી-પાર્ટનરશિપ
એક તબક્કે બાંગ્લાદેશનો સ્કોર નવમી ઓવરમાં પાંચ વિકેટે ફક્ત 35 રન હતો. એ તબક્કે એવું લાગતું હતું કે આ ટીમ માંડ 75 રનની આસપાસ ઑલઆઉટ થઈ જશે, પરંતુ હૃદય-જાકર વચ્ચેની 154 રનની ભાગીદારીએ ટીમના સ્કોરને 200 રનની નજીક પહોંચાડી દીધો હતો.
જાકર અલી છઠ્ઠી વિકેટના રૂપમાં આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 189 રન હતો અને ત્યાર બાદ બીજી બે-ત્રણ નાની ભાગીદારીની મદદથી બાંગ્લાદેશની ઇનિંગ્સ 49.4 ઓવરમાં 228 રનના સ્કોર પર સમાપ્ત થઈ હતી.
ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ફાસ્ટ બોલિંગમાં આગેવાની સંભાળી રહેલા મોહમ્મદ શમીએ 53 રનમાં સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. 43મી ઓવરમાં હૃદય અને જાકરની જોડીને શમીએ જ તોડી હતી. શમીના બૉલમાં જાકરનો કૅચ લૉન્ગ-ઑન પરથી દોડી આવેલા વિરાટ કોહલીએ ઝીલી લીધો હતો.
આપણ વાંચો: શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ કેમ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં નથી? કારણો ખૂબ રસપ્રદ છે
ખરેખર તો હૃદય-જાકરની જોડીએ ભારતના તમામ છ બોલરને હંફાવ્યા હતા.
35 રનમાં પાંચ વિકેટ પડી ચૂકી હતી ત્યાં સુધીમાં કૅપ્ટન રોહિત શર્માએ બે પીઢ સ્પિનર રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવને બોલિંગ આપવાની જરૂર જ નહોતી પડી, પરંતુ આ જોડી મજબૂત થતી ગઈ એટલે વારાફરતી બન્નેને મોરચા પર બોલાવવા પડ્યા હતા.
જોકે હૃદય-જાકરે શમી, બીજા પેસ બોલર હર્ષિત, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ તેમ જ જાડેજા અને કુલદીપને વધુ કોઈ જ સફળતા લેતા રોક્યા હતા અને 150-પ્લસની યાદગાર ભાગીદારી કરી હતી. આઠમા નંબરના બૅટર રિશાદ હોસૈને 12 બૉલમાં 18 રન બનાવ્યા હતા.
એ પહેલાં, ઓપનર તેન્ઝિદ હસને પચીસ રન બનાવ્યા હતા. બાંગ્લાદેશના 228 રનના સન્માનજનક સ્કોર વચ્ચે ચાર બૅટર શૂન્યમાં આઉટ થયા હતા અને એમાં ઓપનર સૌમ્સ સરકાર, કૅપ્ટન નજમુલ શૅન્ટો, વિકેટકીપર મુશફિકુર રહીમ અને તેન્ઝિમ સાકિબનો સમાવેશ હતો. મુશફિકુર રહમાન શૂન્ય પર અણનમ રહ્યો હતો.
હર્ષિત રાણાએ 31 રનમાં ત્રણ અને અક્ષર પટેલે 43 રનમાં બે વિકેટ લીધી હતી. હાર્દિકને 20 રનમાં, જાડેજાને 37 રનમાં અને કુલદીપને 43 રનમાં વિકેટ નહોતી મળી.