
દુબઈઃ વિરાટ કોહલીએ આજે 300મી વન-ડે રમીને અનોખો વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો, પરંતુ આ કીર્તિમાન બાદ તે પત્ની અનુષ્કા શર્માની હાજરીમાં ફક્ત 11 રનના પોતાના સ્કોર પર આઉટ થઈ ગયો હતો.
રવિવાર, 23મી ફેબ્રુઆરીએ દુબઈમાં ભારતે પાકિસ્તાનને વિરાટના અણનમ 100 રનની મદદથી હરાવ્યું ત્યારે અનુષ્કા દુબઈના સ્ટેડિયમમાં હાજર નહોતી, પણ હવે આજે ન્યૂ ઝીલૅન્ડ સામે તે માત્ર 11 રન પર આઉટ થયો એ જોઈને તેણે હતાશ થવું પડ્યું હતું. વિરાટ 300 વન-ડે ઉપરાંત 100-પ્લસ ટેસ્ટ અને 100-પ્લસ ટી-20 રમનાર વિશ્વનો પહેલો જ ખેલાડી છે.
ન્યૂ ઝીલૅન્ડના ટોચના બૅટર્સમાં ગણાતા ગ્લેન ફિલિપ્સે એક હાથે વિરાટનો અદ્ભુત ડાઇવિંગ કૅચ પકડ્યો હતો. વિરાટની ઇનિંગ્સ ફક્ત 14 બૉલ સુધી જ ટકી શકી હતી.
આપણ વાંચો: IND vs NZ: આટલા રન બનાવતાની સાથે જ વિરાટ કોહલી સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડશે!
ફિલિપ્સે જમણી દિશામાં ડાઇવ મારીને સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ખેલાડી અને ક્રિકેટજગતના સર્વશ્રેષ્ઠ ફીલ્ડર ગણાતા જૉન્ટી રહોડ્સની યાદ અપાવી હતી. ફિલિપ્સે ડાઇવિંગમાં કૅચ પકડતાં જ ખુદ વિરાટ પણ ચોંકી ગયો હતો અને સ્ટૅન્ડમાં બેઠેલી પત્ની અનુષ્કાએ માથે હાથ દઈને હતાશા બતાવી હતી.
23મી ફેબ્રુઆરીએ વિરાટે પાકિસ્તાન સામે જે અણનમ 100 રન બનાવ્યા ત્યાર બાદ તે ગળાના ચેનમાં ભરાવેલી વેડિંગ રિંગને ચૂમી રહેલો જોવા મળ્યો હતો. જોકે ઑનલાઇન જોવા મળેલા તેના એ ઘટનાના ફોટા પરથી તેના ચાહકોએ અટકળ કરી હતી કે તે પત્ની અનુષ્કા સાથે ત્યારે વીડિયો-કૉલ પર હતો.
અનુષ્કા ઘણા સમયથી ફિલ્મ ક્ષેત્રથી દૂર છે. વિરાટ-અનુષ્કાને બે સંતાન છે. પુત્રીનું નામ વામિકા અને પુત્રનું નામ અકાય છે. ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીની કરીઅર પર આધારિત બાયોપિક (`ચકદા એક્સપ્રેસ’)માં અનુષ્કાએ ઝુલનની ભૂમિકા ભજવી છે. જોકે આ ફિલ્મ હજી રિલીઝ નથી થઈ.