AFG vs ENG : બંને ટીમો માટે કરો યા મરોનો જંગ; વરસાદ મજા બગાડશે? જુઓ વેધર અને પીચ રિપોર્ટ

લાહોર: ICC Champions Trophy 2025 હવે વધુ રોમાંચક બની છે, ગ્રુપ-Aમાંથી ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની ટીમે સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે, જ્યારે ગ્રુપ-Bમાં ખરાખરી નો જંગ જામ્યો છે. દરમિયાન, ગઈ કાલે વરસાદને કારણે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ રદ થતા ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઇંગ્લેન્ડની ટીમને સેમિફાઇનલમાં પહોંચવા માટે આજે અફઘાનિસ્તાને હરાવવું જરૂરી બની ગયું છે. ત્યારે બીજી તરફ અફઘાનિસ્તાનની ટીમ પણ જીતવા માટે તૈયારી કરી રહી છે.
દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ રદ થતાં, બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો. ગ્રુપ સ્ટેજમાં ઈંગ્લેન્ડને ઓસ્ટ્રેલીયા સામે અને અફઘાનિસ્તાનને દક્ષિણ આફ્રિકા સામે હાર મળી હતી. તેથી આજનો મેચ આ મેચ બંને ટીમો માટે ‘કરો યા મરો’ જેવી બની ગઈ છે.
ઇંગ્લેન્ડની ટીમ હાલમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહી છે, ભારત પ્રવાસ દરમિયાન ટીમને T20 અને ODI સિરીઝમાં હાર મળી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેના પહેલા મેચમાં ઇંગ્લેન્ડને ઓસ્ટ્રેલિયા સામે હાર મળી. જો કે ઇંગ્લેન્ડના બેટર્સે સારું પ્રદર્શન કર્યું, પરંતુ બોલરો 350 થી વધુ રનનો સ્કોર ડીફેન્ડ કરી શક્યા નહીં.
પિચ રિપોર્ટ:
લાહોરની પીચ બેટર્સને અનુકુળ રહેશે. જો કે લાહોરની પીચથી સ્પિન બોલરોને મદદ મળી શકે છે અને તેથી, ઇંગ્લેન્ડના બેટ્સમેનો સામે મોટો પડકાર હશે, કેમ કે અફઘાનિસ્તાન પાસે રાશિદ ખાન, નૂર અહેમદ અને મોહમ્મદ નબી જેવા ઘાતક સ્પિનરો છે જે કોઈપણ બેટિંગ લાઇનઅપને ધ્વસ્ત કરવા સક્ષમ છે.
લાહોર પિચ રેકોર્ડ્સ:
લાહોરમાં અત્યાર સુધી રમાયેલી 75 મેચોમાં, પહેલા બેટિંગ કરનારી ટીમ 37 વખત જીતી છે, જ્યારે બીજી બેટિંગ કરનારી ટીમ 36 વખત જીતી છે. પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર 255 રન છે, જ્યારે બીજી ઇનિંગમાં સરેરાશ 220 રન રહ્યો છે.
આ મેદાનમાં પાકિસ્તાને 2015માં ઝિમ્બાબ્વે સામે 375/3 રન બનાવ્યા હતા, જે આ મેદાન પર અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. આ મેદાન પર જ 351 રન બનાવવા છતાં ઈંગ્લેન્ડ છેલ્લી મેચ જીતી શક્યું ન હતું. ઉપરાંત, સાંજે ડ્યુ આવ્યા પછી બોલરો માટે વધુ મુશ્કેલી બની શકે છે. તેથી, ટોસ જીતનાર ટીમ અહીં પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે.
આ પણ વાંચો…IPL 2025 દરમિયાન થતી રહેશે ટેસ્ટ મેચની પ્રેક્ટિસ ! ઇંગ્લેન્ડ પ્રવાસ માટે BCCI બનાવી રહી છે નવી યોજના
વેધર રીપોર્ટ:
ગઈ કાલે મંગળવારે લાહોરમાં વરસાદ પડ્યો હતો. આજે મેચના દિવસે પણ અહીં વરસાદના કારણે થોડી ખલેલ પડી શકે છે. અહેવાલ મુજબ, 25 ફેબ્રુઆરીએ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. બપોરે 2 વાગ્યા સુધી સૂર્યપ્રકાશ રહેશે. દિવસ દરમિયાન વરસાદની શક્યતા 7 ટકા છે જ્યારે રાત્રે વરસાદની શક્યતા 25 ટકા છે.