ચૅમ્પિયન્સ ટ્રોફીમાં કયા સ્ટાર ખેલાડીઓ નથી રમવાના? કયા દેશોને નુકસાન થવાનું છે?
![Champions Trophy 2025, cricket schedule, ICC events, Champions Trophy start date, cricket tournament schedule](/wp-content/uploads/2024/12/Champions-Trophy-2025.webp)
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કેટલાક દેશોના સ્ટાર ખેલાડીઓની ઈજા યા બીજા કોઈ કારણસર આ સ્પર્ધામાંથી બાદબાકી થતાં આ આઇસીસી ટૂર્નામેન્ટ થોડી ઝાંખી પડી જશે એમાં શંકા નથી. ન્યૂ ઝીલૅન્ડનો ફાસ્ટ બોલર લૉકી ફર્ગ્યુસનને ઈજા થઈ છે અને તે આ સ્પર્ધામાં કદાચ નહીં રમે. ભારતનો જસપ્રીત બુમરાહ પણ પીઠના દુખાવાને કારણે ડાઉટફુલ છે. ખાસ કરીને ઑસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને સાઉથ આફ્રિકાને તેમના કેટલાક ખેલાડીઓની ગેરહાજરી વર્તાશે. દરેક ટીમે બુધવાર, 12મી ફેબ્રુઆરી સુધીમાં 15 ખેલાડીઓના નામવાળી અંતિમ યાદી આઇસીસીને આપી દેવાની છે.
Also read : Champions Trophy: પાકિસ્તાનની તૈયારીઓની નિષ્ણાતોએ પોલ ખોલી નાખી
ભારતની તમામ મૅચો દુબઈમાં રમાવાની છે જેમાં 23મી ફેબ્રુઆરીએ (બપોરે 2.30 વાગ્યાથી) ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે.
આઠ દેશને બે ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા છે. ભારતના ગ્રૂપમાં પાકિસ્તાન ઉપરાંત બાંગ્લાદેશ અને ન્યૂ ઝીલૅન્ડ છે. ગ્રૂપ-બીમાં ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન સામેલ છે.
સૌથી મોટો ફટકો ઑસ્ટ્રેલિયાની ટીમને પડ્યો છે. ટીમના સૌથી સફળ કૅપ્ટન અને ફાસ્ટ બોલર પૅટ કમિન્સને પગની ઘૂંટીમાં ઈજા છે અને તે આ બહુચર્ચિત ટૂર્નામેન્ટમાં નથી રમવાનો. કમિન્સ ઉપરાંત ઑલરાઉન્ડર મિચલ માર્શ પણ નહીં રમે. તેને પીઠમાં દુખાવો છે. બીજો ફાસ્ટ બોલર જૉશ હૅઝલવૂડ થાપામાં દુખાવો હોવાથી 18 દિવસની આ સ્પર્ધામાં નહીં રમે. ઑલરાન્ડર માર્કસ સ્ટોઇનિસ વર્ષોથી ઈજાઓનો શિકાર થયો જેને પગલે છેવટે તેણે અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈ લેતાં ઑસ્ટ્રેલિયાને તેની ગેરહાજરીનો પણ ફટકો પડ્યો છે.
યજમાન પાકિસ્તાનની ટીમને બાવીસ વર્ષના યુવાન બૅટર સઇમ અયુબની ગેરહાજરી નડશે. તે પગની ઘૂંટીની ઈજાને કારણે લીધે નહીં રમે. વન-ડેની ફક્ત ત્રણ મહિનાની કરીઅરમાં અયુબ 515 રન બનાવી ચૂક્યો છે અને નવાઈની વાત એ છે કે એમાં ત્રણ સેન્ચુરી સામેલ છે. નવ ઇનિંગ્સમાં તેના સ્કોર્સ આ મુજબ રહ્યા છેઃ 1, 82, 42, 11, 113 અણનમ, 31, 109, 25 અને 101.
સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર ઍન્રિક નોર્કિયા પીઠના દુખાવાને કારણે ચૅમ્પિયન્સ ટ્રોફીની બહાર થઈ ગયો છે. બીજો પેસ-સેન્સેશન જેરાલ્ડ કૉએટ્ઝીના પગના સ્નાયુઓ ખેંચાઈ જવાને કારણે આ ટૂર્નામેન્ટમાં નહીં રમે. કૉએટ્ઝી બૉલની ઝડપ અને સચોટ લાઇન અને લેન્ગ્થને કારણે જાણીતો છે. તે પણ સિલેક્શન માટે ઉપલબ્ધ ન હોવાથી સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલિંગ વિભાગમાં સારા બોલર્સની અધચ ઊભી થઈ છે.
Also read : વિરાટપ્રેમીઓ આનંદો! વાઇસ-કૅપ્ટન શુભમન ગિલે કહ્યું છે કે…
કયા ખેલાડીઓ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં નહીં રમી શકે?
(1) પૅટ કમિન્સ, ઑસ્ટ્રેલિયા, પગની ઘૂંટીમાં ઈજા
(2) મિચલ માર્શ, ઑસ્ટ્રેલિયા, પીઠમાં દુખાવો
(3) જૉશ હૅઝલવૂડ, ઑસ્ટ્રેલિયા, થાપામાં ઈજા
(4) માર્કસ સ્ટોઇનિસ, ઑસ્ટ્રેલિયા, ઓચિંતી નિવૃત્તિ
(5) સઇમ અયુબ, પાકિસ્તાન, પગની ઘૂંટીમાં ઈજા
(6) ઍન્રિક નોર્કિયા, સાઉથ આફ્રિકા, પીઠમાં દુખાવો
(7) જેરાલ્ડ કૉએટ્ઝી, સાઉથ આફ્રિકા, પગમાં ઈજા
નોંધઃ ભારતનો જસપ્રીત બુમરાહ પીઠના દુખાવા બદલ તેમ જ ન્યૂ ઝીલૅન્ડનો લૉકી ફર્ગ્યુસન સાથળની ઈજાને લીધે ડાઉટફુલ છે.