ફૂટબૉલની ચૅમ્પિયન્સ લીગનો ધમાકેદાર આરંભ, હૅરી કેને તોડ્યો વેઇન રૂનીનો રેકૉર્ડ
પહેલા જ દિવસે તમામ છ મૅચમાં આવ્યા પરિણામ, બાયર્નનો ઝાગ્રેબ સામે 9-2થી વિજય

મ્યૂનિક: યુનિયન ઑફ યુરોપિયન ફૂટબૉલ અસોસિયેશન્સ (યુઇફા)ના બૅનર હેઠળ યુરોપની ટોચની ફૂટબૉલ ક્લબ ટીમો વચ્ચે દર વર્ષે રમાતી ચૅમ્પિયન્સ લીગનો મંગળવારે ધમાકેદાર આરંભ થયો. એ દિવસે રમાયેલી તમામ છ મૅચમાં પરિણામ આવ્યા હતા. આ બધા મુકાબલાઓમાં બાયર્ન મ્યૂનિક અને ડાયનૅમો ઝાગ્રેબ વચ્ચેની મૅચ હાઈ-સ્કોરિંગ હતી જેમાં બાયર્નનો 9-2થી વિજય થયો હતો. ઇંગ્લૅન્ડની ફૂટબૉલ ટીમનો કૅપ્ટન હૅરી કેન મંગળવારનો સુપરસ્ટાર હતો. તેણે પોતાના જ દેશના દિગ્ગજ વેઇન રૂનીનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો.
બાયર્ન વતી નવમાંથી ચાર ગોલ હૅરી કેને કર્યા હતા. ચૅમ્પિયન્સ લીગમાં ઇંગ્લૅન્ડના ફૂટબોલર્સમાં સૌથી વધુ 30 ગોલ વેઇન રૂનીના નામે હતા, પરંતુ મંગળવાર પહેલાં 29 ગોલ ધરાવનાર હૅરી કેને એ દિવસે ચાર ગોલ કરીને રૂનીનો વિક્રમ તોડી નાખ્યો હતો. હવે કેનના ખાતે ચૅમ્પિયન્સ લીગના કુલ 33 ગોલ છે.
2023-’24ની ચૅમ્પિયન્સ લીગમાં હૅરી કેને સૌથી વધુ આઠ ગોલ કર્યા હતા. મંગળવારે તેણે 19મી મિનિટમાં પેનલ્ટી કિકમાં ગોલ કર્યો ત્યાર બાદ 57મી મિનિટમાં તેણે ફરી ગોલ કર્યો હતો. એ પછી 73મી અને 78મી મિનિટમાં કેનને ફરી પેનલ્ટી કિકમાં ગોલ કરવાની તક મળી હતી અને તે એમાં સફળ થયો હતો. તેના આ ચાર ગોલ ઉપરાંત બાકીના પાંચ ગોલમાંથી માઇકલ ઑલિસે બે ગોલ કર્યા હતા અને રાફેલ જિરેઇરો, લેરૉય સેન અને લીઑન ગૉરેટ્ઝકાએ એક-એક ગોલ કર્યો હતો. ઝાગ્રેબ વતી એક ગોલ પેટકૉવિચ અને ઑગિવારાએ કર્યો હતો.
આ પણ વાંચો : IPL 2025: પંજાબને ચાર સીઝનમાં મળ્યો ત્રીજો હેડ-કોચ, આ વખતે કમાન સોંપાઈ…
ચૅમ્પિયન્સ લીગની મંગળવારની બાકીની પાંચ મૅચ પણ રસાકસીવાળી હતી. 2023-’24ની ચૅમ્પિયન્સ લીગની ચૅમ્પિયન્સ રિયલ મૅડ્રિડ ટીમ વતી ફ્રાન્સના કીલિયાન ઍમ્બપ્પેએ રોમાંચક શરૂઆત કરી હતી. વીએફબી સ્ટટગાર્ટ સામેની મૅચમાં પ્રથમ ગોલ ઍમ્બપ્પેએ 46મી મિનિટમાં કરીને રિયલ મૅડ્રિડને 1-0થી સરસાઈ અપાવી હતી. સ્ટટગાર્ટ વતી ડેનિઝ ઉન્ડાવે 68મી મિનિટમાં ગોલ કરીને સ્કોર 1-1થી લેવલ કર્યો હતો, પરંતુ 83મી મિનિટમાં ઍન્ટોનિયો રુડિગરે અને 95મી મિનિટમાં એન્ડ્રિકે પણ ગોલ કરીને રિયલ મૅડ્રિડની એક્સાઇટિંગ જીત નક્કી કરી આપી હતી.
ગયા વખતની ચૅમ્પિયન્સ લીગમાં હૅરી કેનની જેમ ઍમ્બપ્પેએ પણ સૌથી વધુ આઠ ગોલ કર્યા હતા. જોકે ત્યારે ઍમ્બપ્પે પીએસજી (પૅરિસ સેન્ટ-જર્મેઇન) ટીમમાં હતો.
અન્ય મૅચોમાં ઍસ્ટન વિલાએ યંગ બૉય્સ નામની ટીમને 3-0થી, યુવેન્ટસે પીએસવી એઇન્ટહૉવનને 3-1થી, લિવરપુલે મિલાનને 3-1થી અને સ્પોર્ટિંગ સીપીએ લિલ નામની ટીમને 2-0થી પરાજિત કરી હતી.