મુંબઈના બે ભાઈઓની એક જ દિવસમાં સેન્ચુરી, એકની અમદાવાદમાં અને બીજાની સાઉથ આફ્રિકામાં

બ્લોમફોન્ટેન: અન્ડર-19 મેન્સ વન-ડે વર્લ્ડ કપમાં ભારતે સૌથી વધુ પાંચ વખત ચૅમ્પિયન બનીને આ ટૂર્નામેન્ટમાં વર્ષોથી પ્રભુત્વ જમાવ્યું છે અને અત્યારે સાઉથ આફ્રિકામાં રમાતી આ સ્પર્ધામાં પણ વર્ચસ જમાવવાનું ચાલુ રાખ્યું છે. ગુરુવારે આયરલૅન્ડ સામે ઉદય સહરાનના સુકાનમાં ભારતીય ટીમે બૅટિંગ મળતાં જ કમાલ બતાવી હતી. ભારતીય ટીમ 50 ઓવરમાં સાત વિકેટે 301 રન બનાવીને હરીફ ટીમને 302 રનનો તોતિંગ લક્ષ્યાંક આપી શકી એ પાછળનું સૌથી મોટું કારણ એ છે કે મુંબઈમાં રહેતા મુશીર ખાનનું એમાં 118 રનનું સૌથી મોટું યોગદાન હતું. કૅપ્ટન સહરાને 84 બૉલમાં પાંચ ફોરની મદદથી 75 રન બનાવ્યા હતા, પણ કુર્લામાં જન્મેલા મુશીરે બ્લોમફોન્ટેનનું સ્ટેડિયમ ગજવી નાખ્યું હતું. તેણે ફક્ત 106 બૉલમાં ચાર સિક્સર અને નવ ફોરની મદદથી 118 રન બનાવ્યા હતા. તેણે 100 બૉલમાં 100 રન બનાવીને કરીઅરની પહેલી જ સેન્ચુરી નોંધાવી હતી.
ગુરુવારે એક બાજુ 18 વર્ષના મુશીરે અન્ડર-19 વર્લ્ડ કપમાં અસરદાર પર્ફોર્મ કર્યું ત્યાં બીજી બાજુ આ જ દિવસે તેના મોટા ભાઈ 26 વર્ષીંય સરફરાઝ ખાને અમદાવાદમાં ઇંગ્લૅન્ડ લાયન્સ સામેની બિનસત્તાવાર ટેસ્ટમાં 160 બૉલમાં પાંચ સિક્સર અને અઢાર ફોર સાથે 161 રન બનાવીને ઇન્ડિયા ‘એ’ને મોટી સરસાઈ મેળવવામાં મદદ કરી હતી. સરફરાઝ ઉપરાંત ઓપનર દેવદત્ત પડિક્કલે (126 બૉલમાં 105 રન) પણ સેન્ચુરી ફટકારી હતી. ઇન્ડિયા ‘એ’ ટીમમાં બીજા ત્રણ બૅટરે હાફ સેન્ચુરી ફટકારીને ટીમને 493 રનનો તોતિંગ સ્કોર અપાવ્યો હતો. કૅપ્ટન અભિમન્યુ ઈશ્ર્વરને 58 રન, સૌરભ કુમારે 77 રન અને વૉશિંગ્ટન સુંદરે 57 રન બનાવ્યા હતા. ઇંગ્લૅન્ડ લાયન્સના મૅથ્યૂ પૉટ્સે 125 રનમાં છ વિકેટ અને બ્રાયડન કાર્સેએ 81 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.