આરસીબી જ જવાબદાર, પોલીસ પાસે કંઈ અલ્લાદિનનું ચિરાગ નથીઃ ટ્રિબ્યૂનલ…

બેંગલૂરુઃ બેંગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની નજીક ચોથી જૂને રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના પહેલા ચૅમ્પિયનપદને પગલે ધક્કામુક્કી (STEMPEDE)ની જે જીવલેણ ઘટના બની હતી એ વિશે થયેલી તપાસના સંદર્ભમાં સેન્ટ્રલ ઍડમિનિસ્ટ્રેશન ટ્રિબ્યૂનલ (CAT)એ પ્રથમ દર્શી સ્તરે આરસીબીને જવાબદાર ગણાવી છે અને રાજ્ય સરકારના અંકુશ હેઠળના પોલીસ તંત્રની તરફેણમાં જણાવ્યું છે કે ` પોલીસ કર્મચારીઓ પણ માણસ છે. તેઓ નથી ભગવાન કે નથી તેમની પાસે કોઈ જાદુઈ લાકડી. તેમની પાસે કંઈ અલ્લાદિનનું ચિરાગ નથી.
આ દુર્ઘટનામાં 11 જણના મૃત્યુ થયાં હતાં અને બીજા અનેકને ઈજા પહોંચી હતી. આ ઇવેન્ટ બીસીસીઆઇની નહોતી અને દુર્ઘટના માટે આરસીબી, કર્ણાટક સ્ટેટ ક્રિકેટ ઍસોસિયેશન, પોલીસ અને કર્ણાટક રાજ્ય સરકાર જવાબદાર કહેવાય એવી ચર્ચા છેલ્લા મહિનાથી ચાલી રહી હતી અને એમાં બ્લેમ ગેમ જેવું પણ જોવા મળ્યું હતું.
ટ્રિબ્યૂનલે (TRIBUNAL) ફેંસલામાં જણાવ્યું છે કે ` આરસીબીના ફ્રૅન્ચાઇઝીએ પોતાની ટીમના ઐતિહાસિક ચૅમ્પિયનપદની ઉજવણીની ચોથી જૂનની ઇવેન્ટનો પ્રચાર સોશિયલ મીડિયામાં કરતા પહેલાં પોલીસની પરવાનગી નહોતી લીધી જેને પગલે ત્રણથી પાંચ લાખ જેટલા લોકો સ્ટેડિયમની નજીક અને શહેરભરમાં એકત્રિત થઈ ગયા હતા. આરસીબીએ યોગ્ય પરમિશન નહોતી લીધી અને પોલીસની મંજૂરી પણ નહોતી મેળવી.’
આરસીબીએ ઇવેન્ટને લગતી જાહેરાત સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર કરી હતી જેને કારણે કાયદો અને વ્યવસ્થાની તૈયારીઓ માટે સત્તાધીશોને પૂરતો સમય નહોતો મળ્યો. ટ્રિબ્યૂનલે એવું કહીને ઉમેર્યું હતું કે ` આરસીબીએ અચાનક જ અગાઉથી પરવાનગી લીધા વિના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ જાય એવી સ્થિતિ ઊભી કરી હતી. એ જ દિવસે વિધાન સભા ખાતે રાજ્ય સરકારના કાર્યક્રમો હતા જેના માટે પણ પોલીસ ગોઠવવાની હોવાથી પોલીસ કર્મચારીઓ એમાં વ્યસ્ત હતા. વિશાળ સંખ્યામાં જમા થતા લોકોને અંકુશ રાખવા કાયદો અને વ્યવસ્થાની જાળવણી જરૂરી હોય છે અને અત્યંત ઓછા સમયમાં એ બધી વ્યવસ્થા થઈ જાય એ શક્ય ન હોય.’
ટ્રિબ્યૂનલે આઇપીએસ ઑફિસર અને સ્ટેડિયમના ઇન્ચાર્જ વિકાસ કુમાર વિકાસને સસ્પેન્ડ કરવાનો રાજ્ય સરકારનો આદેશ પણ રદબાતલ કર્યો હતો.કર્ણાટક રાજ્ય સરકારે બીજા કેટલાક ટોચના અધિકારીઓને પણ સસ્પેન્ડ કર્યા હતા. વિકાસ કુમારે રાજ્ય સરકારના સસ્પેન્શનના આદેશને અદાલતમાં પડકાર્યો હતો.
આપણ વાંચો : બેંગલુરુ ભાગદોડમાં મોટો ખુલાસો, RCB વિજય સમારંભ પહેલા પોલીસે ચેતવણી આપી હતી: મીડિયા રિપોર્ટ