ભારતની વિમેન્સ ટીમની કેપ્ટન હરમનપ્રીતે પોતાની બોલરને વખોડી, એટલે ટ્રૉલ થઈ

નવી મુંબઈ: સામાન્ય રીતે મૅચ હારી ગયા પછી કૅપ્ટન જાહેરમાં પોતાની ટીમની કોઈ ખેલાડીની કચાશને સીધા શબ્દોમાં (એ પ્લેયરનું નામ લઈને) વ્યક્ત ન કરે, પરંતુ ભારતની વિમેન્સ ટીમની સુકાની હરમનપ્રીત કૌર થોડી આક્રમક મિજાજની હોવા ઉપરાંત સ્પષ્ટવક્તા પણ છે એટલે રવિવારે નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા સામે જીતી શકાતી હતી એવી મૅચમાં પરાજય જોયા પછી હરમનપ્રીતથી રહેવાયું નહીં અને તેણે 19મી ઓવર કરનાર ઑફ-સ્પિનર શ્રેયંકા પાટીલને વખોડી કાઢી હતી.
પ્રથમ ટી-20 જીતી લેનાર ભારતે રવિવારે બીજી મૅચમાં બૅટિંગ મળ્યા પછી 8 વિકેટે ફક્ત 130 રન બનાવ્યા હતા. લક્ષ્યાંક નાનો હતો, પરંતુ વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાની ટીમે એ મહામહેનતે મેળવ્યો હતો. 17 રનમાં તેમના 4 વિકેટે 116 રન હતા અને જીતવા બાકીના 12 બૉલમાં ફક્ત 15 રન બનાવવાના હતા. હરમનપ્રીતે પહેલી ત્રણ ઓવરમાં 23 રન આપનાર સ્પિનર શ્રેયંકાને એ મહત્ત્વપૂર્ણ 19મી ઓવરની જવાબદારી સોંપી હતી. એવી આશા હતી કે શ્રેયંકા મૅચને 20મી ઓવર સુધી લઈ જશે, પરંતુ તેના છ બૉલમાં ઑસ્ટ્રેલિયન બૅટર્સે કુલ 17 રન બનાવીને એ જ ઓવરમાં ખેલ ખતમ કરી નાખ્યો હતો. કૅપ્ટન છઠ્ઠા બૉલમાં છગ્ગો ફટકારને કુલ 133/4ના સ્કોર સાથે પોતાની ટીમને છ બૉલ બાકી રાખીને છ વિકેટના માર્જિનથી વિજય અપાવ્યો હતો.
કૅપ્ટન હરમનપ્રીતે મૅચ પછીની સ્પીચમાં ક્હ્યું, ‘અમે હરીફ ટીમને નાનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ અમારી બોલરોએ સારી બોલિંગ કરી હતી. અમે તેમની ઇનિંગ્સને છેક 19મી ઓવર સુધી લઈ ગયા એ સૌથી મોટી પૉઝિટિવ વાત હતી. જોકે એ 19મી ઓવરમાં શ્રેયંકાએ પ્લાન મુજબ અને સચોટપણે બોલિંગ કરી હોત અમારી ટીમ માટે બહુ મોટો ફરક પડી ગયો હોત.’
જોકે હરમનપ્રીતની આ કમેન્ટ ભૂતપૂર્વ પેસ બોલર ડોડા ગણેશને નથી ગમી અને તેણે મીડિયા પરની પોસ્ટમાં લખ્યું હતું કે ‘જો 19 વર્ષની ઓછી અનુભવી બોલરને છેલ્લે આટલી મોટી જવાબદારી સોંપાય એ ઠીક ન કહેવાય.’
શ્રેયંકા પાટીલ 19 વર્ષની નહીં, પણ 21 વર્ષની છે. ભારત-ઑસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમ વચ્ચેની ત્રીજી અને છેલ્લી ટી-20 મૅચ મંગળવારે ડીવાય પાટીલમાં જ રમાશે.