Ravi Shahtri અને Shaun Pollock, બન્ને દિગ્ગજોએ કેપ ટાઉનની પિચ વિશે શું કહ્યું?

ટેસ્ટ-મૅચમાં ત્રણથી સાડાત્રણ દિવસની રમત માત્ર એક દિવસમાં રમાઈ જાય એટલે સ્વાભાવિક રીતે કોઈને પણ સૌથી પહેલાં તો એ મૅચની પિચ પર શંકા જાય. કેપ ટાઉનમાં બુધવારે જે કંઈ બની ગયું એની નોંધ આઇસીસીએ તેમ જ બન્ને દેશના ક્રિકેટ બોર્ડે તો લીધી જ હશે, ભૂતપૂર્વ ખેલાડીઓના વિશ્લેષણ પણ આ તબક્કે ખૂબ મહત્ત્વના બની જતા હોય છે. ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર રવિ શાસ્ત્રી અને સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ પેસ બોલર શૉન પોલૉકે કેપ ટાઉનની પિચના રકાસ વિશે સ્ટાર સ્પોર્ટસને મંતવ્યો આપ્યા હતા.
કેપ ટાઉનમાં બુધવારે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે અધધધ…23 વિકેટ પડી હતી જે રેકૉર્ડ-બુકમાં બીજા નંબરે છે. એ દિવસે મોટા ભાગના બૅટર્સ બૅટની કટ લાગતાં કૅચઆઉટ થયા હતા.
એક જ દિવસમાં ટેસ્ટની ત્રણ ઇનિંગ્સ રમાઈ, 26 બૅટર્સે કેપ ટાઉનની ન્યુલૅન્ડ્સની પિચ પર નસીબ અજમાવ્યું હતું જેમાંથી ફક્ત ચાર બૅટર ડબલ-ડિજિટમાં રન બનાવી શક્યા હતા.
સાઉથ આફ્રિકામાં ટેસ્ટના એક દિવસમાં 23 વિકેટ પડવાના વિક્રમની બુધવારે બરાબરી થઈ હતી. જોકે અહીં ઇન્ટરેસ્ટિંગ એ છે કે ટેસ્ટના પહેલા દિવસે સૌથી વધુ વિકેટ પડવાનો વિશ્ર્વવિક્રમ મેલબર્નનો છે. 1902માં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ટેસ્ટના પ્રારંભિક દિવસે પચીસ વિકેટ પડી હતી.
રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘બુધવારે કેપ ટાઉનની ડેન્જરસ પિચ પર બન્ને ટીમની ઇનિંગ્સનો રકાસ જોવા મળ્યો હતો. મૅચ રેફરી ક્રિસ બ્રૉડ આ ઘટના વિશે જરૂર બારીકાઈથી ચકાસણી કરશે.
સાઉથ આફ્રિકન લેજન્ડ પોલૉકે પણ પિચને જોખમી ગણાવતાં કહ્યું હતું કે ‘મારા મતે તો ટેસ્ટ-મૅચ પહેલા દિવસે જ પૂરી થઈ ગઈ હતી.’