ભારતના 21 નિશાનબાજો મેડલના 12 વર્ષના દુકાળનો અંત લાવી શકશે?
શનિવારે પૅરિસ ઑલિમ્પિક્સમાં અમદાવાદની શૂટર એલાવેનિલની અને સુરતના ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈની કસોટી
પૅરિસ: ભારતે પૅરિસ ઑલિમ્પિક્સ માટે જે 117 ઍથ્લીટો-ખેલાડીઓનો સંઘ મોકલ્યો છે એમાં 21 શૂટર છે અને અત્યાર સુધીમાં ભારતે દરેક ઑલિમ્પિક ગેમ્સમાં મોકલેલા શૂટર્સમાં આ સૌથી મોટો આંકડો છે. એમાંના મોટા ભાગના નિશાનબાજો ઑલિમ્પિક્સમાં ડેબ્યૂ માટે તત્પર છે અને 12 વર્ષથી ભારત શૂટિંગમાં એક પણ મેડલ નથી જીતી શક્યું, પરંતુ આ વખતે ચંદ્રકો લાવવા તેઓ આતુર છે.
ઑલિમ્પિક્ ગેમ્સના ઇતિહાસમાં ભારત કુલ 35 ચંદ્રક જીત્યું છે જેમાંના ચાર શૂટિંગના છે. જોકે પાછલી બે ઑલિમ્પિક્સમાં (2016માં, 2021માં) ભારતના નિશાનબાજો એક પણ મેડલ નહોતા જીતી શક્યા. એ રીતે, વર્તમાન ઑલિમ્પિક્સમાંના શૂટર્સના મન પર મેડલ માટેનું થોડું દબાણ તો રહેશે જ.
ભારતીય શૂટર્સ આ રમતોત્સવની તમામ હરીફાઈઓમાં ભાગ લેવાના છે. જોકે મનુ ભાકર, ઐશ્ર્વરી પ્રતાપ સિંહ તોમર, અંજુમ મૌડગિલ અને એલાવેનિલ વલારિવનને બાદ કરતા બીજા બધા જ નિશાનબાજો પહેલી જ વાર ઑલિમ્પિક્સમાં ભાગ લઈ રહ્યા છે. ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન શૂટર એલાવેનિલ મૂળ તામિલનાડુની છે, પરંતુ અમદાવાદમાં ભણી છે અને તેનો ઉછેર પણ ગુજરાતમાં જ થયો છે.
મનુ ભાકર વિશ્ર્વ સ્તરે ઘણા મેડલ જીતી ચૂકી છે, પરંતુ 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં 10 મીટર ઍર પિસ્તોલ સ્પર્ધાના ક્વૉલિફિકેશ રાઉન્ડમાં તેની પિસ્તોલ ખરાબ થઈ ગઈ હતી જેને કારણે તે અપસેટ થઈ ગઈ હતી. આ વખતે તે 10 મીટર ઍર પિસ્તોલ, પચીસ મીટર પિસ્તોલ અને 10 મીટર પિસ્તોલ મિક્સ્ડ-ટીમમાં ભાગ લેશે.
ભારતીય શૂટર્સે સૌથી વધુ ચીનના સ્પર્ધકોની હરીફાઈનો સામનો કરવો પડશે. ચીનના પણ ભારત જેટલા જ 21 શૂટર પૅરિસ આવ્યા છે.
2012ની ઑલિમ્પિક્સમાં શૂટિંગનો બ્રૉન્ઝ મેડલ જીતનારી ગગન નારંગ ભારતના 117 ઍથ્લીટોના સંઘના ચીફ છે અને તેમનો ભારતીય શૂટર્સને બહુ સારો સપોર્ટ મળી રહેશે.
નારંગે પીટીઆઇને જણાવ્યું હતું કે ‘હું પહેલી વાર ઑલિમ્પિક્સમાં 2004ની સાલમાં આવ્યો હતો અને મને યાદ છે કે ત્યારે અમારામાં જે આત્મવિશ્ર્વાસ હતો એનાથી ઘણો આત્મવિશ્ર્વાસ હાલના શૂટર્સમાં મને જોવા મળ્યો છે. આપણા નિશાનબાજોને વિશ્ર્વના શ્રેષ્ઠ નિશાનબાજોની બરાબરીમાં કહી શકાય.’
આ પણ વાંચો : આજે પૅરિસ બનશે અકલ્પનીય સ્ટેડિયમ, આખી દુનિયા જોશે ઑલિમ્પિક્સના અભૂતપૂર્વ ઓપનિંગનો નજારો
ટેબલ ટેનિસમાં આજે સુરતનો હરમીત દેસાઈ પ્રારંભિક રાઉન્ડમાં જોર્ડનના હરીફ સામે રમશે.
ભારતીય ઍથ્લીટોનું શનિવારનું શેડ્યૂલ શું છે?
શૂટિંગ
-10 મીટર ઍર રાઇફલ, મિક્સ્ડ-ટીમ, ક્વૉલિફિકેશન, સંદીપ સિંહ/એલાવેનિલ વેલારિવન, અર્જુન બાબુતા/રમિતા જિંદાલ, બપોરે 12.30 વાગ્યે
-10 મીટર ઍર પિસ્તોલ, મેન્સ, ક્વૉલિફિકેશન, અર્જુન સિંહ ચીમા અને સરબજોત સિંહ (બપોરે 2.00 વાગ્યે)
-10 મીટર ઍર પિસ્તોલ, વિમેન્સ, ક્વૉલિફિકેશન, મનુ ભાકર અને રિધમ સંગવાન, સાંજે 4.00 વાગ્યે
બૅડમિન્ટન
-મેન્સ સિંગલ્સ, ગ્રૂપ મૅચ, લક્ષ્ય સેન વિરુદ્ધ કેવિન ગોર્ડન (ગ્વાટેમાલા), સાંજે 7.10 વાગ્યે
-મેન્સ ડબલ્સ, ગ્રૂપ મૅચ, સાત્વિકસાઇરાજ/ચિરાગ શેટ્ટી વિરુદ્ધ લુકૅસ કૉર્વી/રૉનેન લાબર (ફ્રાન્સ), રાત્રે 8.00 વાગ્યે
-વિમેન્સ ડબલ્સ, ગ્રૂપ મૅચ, અશ્ર્વિની પોનપ્પા તથા તનિશા ક્રેસ્ટો વિરુદ્ધ કિમ સો યૉન્ગ/કૉન્ગ હી યૉન્ગ (કોરિયા), રાત્રે 11.50 વાગ્યે
બૉક્સિગં
-વિમેન્સ 54 કિલો, ઓપનિંગ રાઉન્ડ, પ્રીતિ પવાર વિરુદ્ધ થિ કિમ ઍન વૉ (વિયેટનામ), મધરાત બાદ 12.05 વાગ્યે
હૉકી
-પૂલ ‘બી’ મૅચ, ભારત વિરુદ્ધ ન્યૂ ઝીલૅન્ડ, રાત્રે 9.00 વાગ્યે
રૉવિંગ
-મેન્સ સિંગલ્સ સ્કલ્સ, પન્વાર બલરાજ, બપોરે 12.30 વાગ્યે
ટેનિસ
-મેન્સ ડબલ્સ ફર્સ્ટ રાઉન્ડ, રોહન બોપન્ના/એન. શ્રીરામ બાલાજી વિરુદ્ધ એડુઆર્ડ રોજર વૅસેલિન/ફૅબિયન રેબૉલ (ફ્રાન્સ), બપોરે 3.30 વાગ્યે
ટેબલ ટેનિસ
-મેન્સ સિંગલ્સ પ્રીલિમિનરી રાઉન્ડ, હરમીત દેસાઈ વિરુદ્ધ ઝૈદ યમાન (જોર્ડન), સાંજે 7.15 વાગ્યે