નવી દિલ્હી: મુશ્કેલીઓનો કરી રહેલી બાયજુ(Byjus)ની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્ન(Think and Learn)ને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI)ની અરજી ગઈ કાલે સ્વીકારી લીધી હતી, આ અરજી કંપની પર નાદારીની પ્રક્રિયા શરુ કરવા માટેની છે. ટ્રિબ્યુનલે પંકજ શ્રીવાસ્તવને વચગાળાના રિઝોલ્યુશન પ્રોફેશનલ તરીકે નિયુક્ત કર્યા છે. જ્યાં સુધી લેન્ડર્સ કમિટી ઓફ ક્રેડિટર્સના રૂપમાં કમિટી બનાવે નહીં ત્યાં સુધી પંકજ શ્રીવાસ્તવ આ કંપનીને ચલાવશે.
BCCIએ ગયા વર્ષે 8 સપ્ટેમ્બર 2023ના રોજ અરજી દાખલ કરી હતી. આ પછી 28મી નવેમ્બરે જ આ અંગેની સુનાવણી શરૂ થઈ હતી. પ્રથમ સુનાવણીમાં, NCLTએ બાયજુને નોટિસ પાઠવી હતી અને તેનો જવાબ માંગ્યો હતો. નવેમ્બર 2023ના આદેશ અનુસાર, બીસીસીઆઈનો દાવો છે કે બાયજુએ 158 કરોડ રૂપિયાની ચુકવણી કરી શકી નથી. NCLTના આદેશ અનુસાર, બાયજુને 6 જાન્યુઆરી, 2023ના રોજ સામાન્ય નોટિસ આપવામાં આવી હતી અને ડિફોલ્ટ રકમ રૂ. 158 કરોડ હતી જેમાં GSTનો સમાવેશ થતો નથી.
આ મામલો ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પર બ્રાન્ડીંગ માટે બાયજુ અને BCCI વચ્ચેના સ્પોન્સરશિપ કોન્ટ્રાક્ટ સાથે સંબંધિત છે.
NCLTના આદેશ અનુસાર, લેન્ડર્સની સમિતિ રચાય ત્યાં સુધી પંકજ શ્રીવાસ્તવનું કામ કંપનીનું સંચાલન કરવાનું છે. આ ઉપરાંત, થિંક એન્ડ લર્ન પ્રાઈવેટ લિમિટેડ સામેના તમામ દાવાઓને તપસ્યા પછી અને કોર્પોરેટ દેવાદાર એટલે કે બાયજુની નાણાકીય સ્થિતિ નક્કી કર્યા પછી, લેણદારોની એક સમિતિની રચના કરવાની રહેશે.
NCLT મુજબ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC) નિયમો અનુસાર હવે કંપનીની કમાન વર્તમાન મેનેજમેન્ટના હાથમાંથી કંપનીના ક્રેડીટર્સને સોંપવામાં આવશે. જ્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે ત્યાં સુધી બાયજુની કોઈપણ સંપત્તિનો કોઈ વ્યવહાર નહીં થઇ શકે.
કંપનીના સ્થાપક બાયજુ રવિન્દ્રન અથવા બોર્ડના કોઈપણ સભ્ય આ આદેશ સામે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) અને પછી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે.
તાજેતરમાં, ઇન્વેસ્ટમેન્ટ ફર્મ પ્રોસુસે બાયજુમાં તેના રોકાણને રાઈટઓફ કર્યું હતું, રોકાણકારે સ્વીકાર્યું હતું કે તેનું બાયજુમાં આશરે રૂ. 4,115 કરોડનું રોકાણ ડૂબી ગયું છે. એડટેક કંપનીમાં તેમનો 9.6% હિસ્સો હતો. રોકાણકારે તેના વાર્ષિક અહેવાલમાં આ માહિતી આપી હતી.
નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી એડટેક કંપની બાયજુસના સ્થાપક બાયજુ રવિેન્દ્રનની નેટવર્થ શૂન્ય થઈ ગઈ છે. એક વર્ષ પહેલા, એટલે કે 4 એપ્રિલ, 2023ના રોજ, તેમની નેટવર્થ $2.1 બિલિયન (ત્યારે લગભગ ₹17,545 કરોડ) હતી. ફોર્બ્સના બિલિયોનેર ઈન્ડેક્સ 2024માં આ માહિતી સામે આવી છે.