કપિલથી આગળ નીકળી ગયો બુમરાહ, હવે એક જ બોલર તેનાથી આગળ છે

લંડનઃ ઇંગ્લૅન્ડની ધરતી પર સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર ભારતીય બોલર્સની વાત કરીએ તો એમાં ઇશાન્ત શર્મા અગ્રેસર છે. જોકે આ બાબતમાં જસપ્રીત બુમરાહ (Bumrah)હવે કપિલ દેવ (kapil dev)થી આગળ થઈ ગયો છે.
ટેસ્ટના વર્લ્ડ નંબર-વન બુમરાહ જેવો ઘાતક બોલર વર્તમાન ક્રિકેટમાં બીજો કોઈ નથી. તે ચતુરાઈથી બોલિંગ કરે છે અને તેના કયા બૉલમાં કઈ વિવિધતા હશે એ કોઈ કળી નથી શકતું. એટલે જ તો બૅટ્સમૅન પોતાનું સ્ટમ્પ કે બેલ્સ ગુમાવી બેસે છે. ગુરુવાર અને શુક્રવાર એમ બન્ને દિવસ મળીને તેણે ઇંગ્લૅન્ડના બીજા દાવમાં 74 રનમાં કુલ પાંચ વિકેટ લીધી જેમાંથી ચાર બૅટ્સમેનને તેણે ક્લીન બોલ્ડ કર્યા હતા.
આપણ વાંચો: IPL 2025: MIની વિરોધી ટીમો સાવધાન! જસપ્રીત બુમરાહ ઘાતક બોલિંગ કરવા તૈયાર
બુમરાહે આ ઇનિંગ્સમાં એક તબક્કે સાત બૉલમાં ત્રણ વિકેટ લીધી હતી અને એ તરખાટમાં કપિલ દેવથી આગળ નીકળી ગયો હતો.
વાત એવી છે કે ઇશાન્ત શર્માએ ઇંગ્લૅન્ડની ધરતી પર 15 ટેસ્ટમાં 51 વિકેટ લીધી છે. 2011થી 2021 દરમ્યાન ભારત વતી રમનાર ઇશાંતે (Ishant) હજી નિવૃત્તિ નથી લીધી, પણ તેને ફરી ટેસ્ટ રમવાનો મોકો નથી મળી રહ્યો.
આ લિસ્ટમાં બુમરાહ 46 વિકેટ સાથે બીજા સ્થાને આવી ગયો છે. કપિલ દેવ 43 વિકેટ સાથે ત્રીજા ક્રમે છે. બુમરાહે ઇંગ્લૅન્ડ સામેની હાલની લૉર્ડ્સ ટેસ્ટમાં રમવાનું શરૂ કર્યું એ પહેલાં ઇંગ્લૅન્ડમાં તેના નામે 41 વિકેટ હતી અને કપિલથી બે ડગલાં પાછળ હતો. જોકે તે પાંચ વિકેટ લઈને કપિલથી ઘણો આગળ નીકળી ગયો છે.