બુમરાહ બીજી ટેસ્ટમાં નહીં રમે? સાઇ સુદર્શનને વળી શું થયું?

લંડનઃ ભારતીય ટીમ લીડ્સમાં ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફીના બૅનર હેઠળની ટેસ્ટ સિરીઝની પ્રથમ મૅચમાં યજમાન ઇંગ્લૅન્ડની તમામ 20 વિકેટ ન લઈ શકી અને હારી બેઠી ત્યાં હવે સાત દિવસના લાંબા બ્રેક બાદ બીજી જુલાઈએ બર્મિગહૅમમાં શરૂ થનારી બીજી ટેસ્ટ પહેલાં જ ભારતે બે વિકેટ’ ગુમાવી દીધી હોવાનું મનાય છે. વાત એવી છે કે વર્કલૉડ મૅનેજમેન્ટ હેઠળ જસપ્રીત બુમરાહ (Jaspreet Bumrah) આ બીજી ટેસ્ટમાં કદાચ ન પણ રમે. બીજું, 20મી જૂને ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર વનડાઉન બૅટ્સમૅન સાઇ સુદર્શન (Sai Sudarshan)ને ઈજા છે જેને કારણે કદાચ તે પણ બીજી ટેસ્ટમાં નહીં રમે. લીડ્સ ટેસ્ટના પ્રથમ દાવમાં બુમરાહની બોલિંગમાં ચાર કૅચ છૂટ્યા હતા છતાં તે પાંચ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. તેના સિવાય ભારતનો બીજો કોઈ પણ બોલર ધારણા જેટલો અસરદાર નહોતો અને બીજી ઇનિંગ્સમાં બુમરાહ 57 રનમાં એક પણ વિકેટ નહોતો લઈ શક્યો. જોકે હવે ટીમ ઇન્ડિયાની નજર બીજી ટેસ્ટ (Second test) પર છે જે છેક બુધવારે શરૂ થવાની હોવા છતાં એની ઇલેવન તૈયાર કરવાની બાબતમાં ટીમ મૅનેજમેન્ટ થોડું ચિંતામાં છે. હેડ-કોચ ગૌતમ ગંભીરે બુમરાહ વિશે જે અપડેટ બુધવારે આપ્યું એ અત્યારે ખૂબ ચર્ચામાં છે. ગંભીરના સુકાનમાં ભારતીય ટીમ તાજેતરમાં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી જીતી, પણ (ન્યૂ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા બાદ હવે) સતત ત્રીજી ટેસ્ટ-શ્રેણીમાં ટીમ ઇન્ડિયા સારું પર્ફોર્મ નથી કરી રહી. ટેસ્ટનો વર્લ્ડ નંબર-વન બોલર જસપ્રીત બુમરાહ ઇંગ્લૅન્ડના પ્રવાસમાં ભારતનો મુખ્ય બોલર છે, પરંતુ તેના વર્કલૉડ મૅનેજમેન્ટ (workload management) ને કારણે તે આ સિરીઝમાં બધી પાંચ ટેસ્ટ નથી રમવાનો જે તેણે સિરીઝની પહેલાં જ બીસીસીઆઇને અને સિલેક્ટરોને કહી દીધું હતું. ખુદ ગૌતમ ગંભીરે પત્રકાર પરિષદમાં પુષ્ટિ આપતા જણાવ્યું હતું કે મને લાગે છે કે બુમરાહના વર્કલૉડને મૅનેજ કરવું અમારા માટે મહત્ત્વપૂર્ણ બાબત છે. શ્રેણીમાં આગળ ૈમારે હજી ઘણું રમવાનું બાકી છે અને અમે જાણીએ છીએ કે બુમરાહ કેટલો બધો જરૂરી છે. આ ટૂર પર આવતાં પહેલાં જ નક્કી થઈ ગયું હતું કે બુમરાહ બધી પાંચ ટેસ્ટ નહીં રમે અને ત્રણ જ ટેસ્ટ રમશે. તેના ફિટનેસની વાત કરીએ તો જોઈએ હવે તેનું શરીર તેને કેટલો સાથ આપે છે. જોકે અમે હજી એ નક્કી નથી કર્યું કે તે બાકીની કઈ બે અન્ય ટેસ્ટ રમશે. એવું લાગે છે કે તે બીજી ટેસ્ટમાં નહીં રમે.’
બુમરાહની વર્ષો જૂની પીઠની ઈજાથી સૌ કોઈ વાકેફ છે. મંગળવારે લીડ્સમાં પૂરી થયેલી ટેસ્ટ દરમ્યાન એક તબક્કે તેને ખભામાં દુખાવો હતો અને તેણે ખભો દબાવવા માટે સાથી ખેલાડીની મદદ લીધી હતી. એવું મનાય છે કે બુમરાહ સિરીઝમાં હવે સીધી ત્રીજી ટેસ્ટમાં અને ત્યાર બાદ પાંચમી (અંતિમ) ટેસ્ટમાં રમશે.
પ્રથમ ટેસ્ટમાં બુમરાહની સાથે રમનાર અન્ય પેસ બોલર્સમાં પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરનો સમાવેશ હતો.
આપણ વાંચો નીરજ ચોપડા ચાર દિવસમાં બીજું ટાઇટલ જીત્યો છતાં કેમ ખુશ નથી?
દરમ્યાન લીડ્સની પ્રથમ ટેસ્ટમાં 0 અને 30 રનના પર્ફોર્મન્સ સાથે ટીમ ઇન્ડિયાના કરોડો ચાહકોને નિરાશ કરનાર 23 વર્ષીય બૅટ્સમૅન સાઇ સુદર્શન વિશે એવું કહેવાઈ રહ્યું છે કે તેને આ ટેસ્ટ દરમ્યાન ખભામાં દુખાવો શરૂ થયો હતો જેને લીધે તે કદાચ બીજી ટેસ્ટમાં નહીં રમે. તેના વિશે હજી સત્તાવાર રીતે કોઈ માહિતી નથી મળી, પણ જો તે નહીં રમે તો ત્રીજા સ્થાને કોણ બૅટિંગ કરશે એ મુદ્દો ચર્ચાસ્પદ બનશે. સ્ક્વૉડમાં સમાવવામાં આવેલા અભિમન્યુ ઈશ્વરનનું નામ ચર્ચામાં છે. જોકે કરુણ નાયરે પ્રથમ ટેસ્ટમાં નિરાશાજનક પર્ફોર્મ (0 અને 20 રન) હતું. તેને વનડાઉનમાં નહીં રમાડાય તો ઈશ્વરનને મોકો મળી શકે.