ટેણિયાની બુમરાહ જેવી બોલિંગ-ઍક્શન જોઈને અકરમે કહ્યું, ‘વાહ જી વાહ…’
કરાચી: અમદાવાદમાં રહેતો ટેસ્ટનો વર્લ્ડ નંબર-ટૂ તથા વન-ડેનો વર્લ્ડ નંબર-ફાઇવ બોલર જસપ્રીત બુમરાહ અસરદાર ફાસ્ટ બોલિંગ, ધારદાર યૉર્કર અને બૉલની વિવિધતા માટે તો ક્રિકેટજગતમાં પ્રખ્યાત છે જ, તેની બોલિંગ ઍક્શન પણ અનોખી છે.
સામાન્ય રીતે બોલર કેવા પ્રકારનો બૉલ ફેંકી શકે એનો બૅટરને થોડો અણસાર આવી જતો હોય છે અને એ રીતે તે ફૂટવર્ક અને શૉટ સિલેક્શન વિશે ક્ષણવારમાં નિર્ણય લઈ શકે છે, પરંતુ બુમરાહની બોલિંગ-સ્ટાઇલ એટલી વિચિત્ર છે કે બૅટરને તે પોતાના પ્લાન વિશે અજાણતા જરા પણ સંકેત નથી આપતો. પાકિસ્તાનમાં એક ટાબરિયો બુમરાહ જેવી બોલિંગ-ઍક્શનને કારણે ફેમસ થઈ ગયો છે અને સોશિયલ મીડિયા પર વસીમ અકરમે તેના વખાણ કર્યા છે.
આ પાકિસ્તાની બાળકની બોલિંગ-ઍક્શનનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે. તેનો રન-અપ પણ બુમરાહ જેવો છે અને પછી બૉલ રિલીઝ કરતા પહેલાંની સ્ટાઇલ પણ બુમરાહ જેવી જ છે.
આપણ વાંચો: T20 World Cup: કોણ હતી એ ક્રિકેટ એન્કર જેને ઇન્ટરવ્યુ આપતા બુમરાહે ગળે લગાવી દીધી!
આ ટાબરિયાએ બુમરાહને ટીવી પર વારંવાર જોઈને જ તેની સફળ નકલ શરૂ કરી હશે એમાં બેમત નથી, પણ ભૂતપૂર્વ ઑલરાઉન્ડર વસીમ અકરમ તેની આ સ્ટાઇલ પર ફિદા છે. અકરમે વીડિયો જોઈને સોશિયલ મીડિયામાં ‘ક્રિકેટની કોઈ સીમા નથી હોતી’ એવા હૅશટૅગ સાથે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ‘આ છોકરાની બોલિંગ-ઍક્શન જોઈને હું બેહદ ખુશ થઈ ગયો. બુમરાહે માત્ર ભારતમાં જ નહીં, સરહદ પાર પણ ઘણાને પોતાની પ્રતિભાથી પ્રેરિત કર્યા છે.’
અકરમે વધુમાં લખ્યું છે, ‘વાહ જી વાહ…બુમરાહની જેમ રન-અપ લેવો અને પછી તેના જેવા જ ક્ધટ્રોલ સાથે અસ્સલ તેની જ સ્ટાઇલમાં બૉલ ફેંકવો એ કોઈ જેવીતેવી વાત નથી.’
ગયા મહિને ટી-20 વર્લ્ડ કપમાં ભારતને ચૅમ્પિયન બનાવવામાં બુમરાહનું મોટું યોગદાન હતું. તેણે આઠ મૅચમાં 4.17ના ઇકોનોમી-રેટ સાથે કુલ 15 વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં તેણે હરીફ બૅટર્સના રનમશીનને વારંવાર બ્રેક લગાવી હતી જેને કારણે સાઉથ આફ્રિકા 177 રનના લક્ષ્યાંક સામે 169 રન બનાવી શક્તા ભારતનો સાત રનથી વિજય થયો હતો.
અકરમે ગયા વર્ષે વર્લ્ડ કપ દરમ્યાન બુમરાહના બેહદ વખાણ કરતા જણાવ્યું હતું, ‘તે વિશ્ર્વના વર્તમાન બોલર્સમાં સર્વશ્રેષ્ઠ છે. તે કમ્પ્લીટ બોલર છે.’