સ્પોર્ટસ

ઇંગ્લૅન્ડના બન્ને ઓપનરને બુમરાહે પૅવિલિયનમાં મોકલ્યા

ડકેટ-પોપની 122 રનની ભાગીદારીઃ ભારતના પ્રથમ દાવમાં 471 રન

લીડ્સઃ ઇંગ્લૅન્ડે અહીં ભારત સામેની પ્રથમ ટેસ્ટ (FIRST TEST)માં બીજા દિવસે સાવચેતીભરી ઇનિંગ્સમાં ટી-ટાઇમ સુધીમાં ફક્ત એક વિકેટના ભોગે 107 રન બનાવ્યા હતા, પરંતુ ટી-બ્રેક બાદ ઓપનર બેન ડકેટ (62 રન, 94 બૉલ, નવ ફોર)ની મહત્ત્વની વિકેટ ગુમાવી દીધી હતી એટલે બ્રિટિશ બૅટિંગ લાઇન-અપ પર પ્રેશર વધી ગયું હતું. એનું સૌથી મોટું કારણ એ હતું કે ઇંગ્લૅન્ડને જે બોલરનો સૌથી વધુ ડર હતો તેણે જ બન્ને ઓપનરને પૅવિલિયન ભેગા કર્યા હતા. આ બન્ને વિકેટ ટેસ્ટના વર્લ્ડ નંબર-વન બોલર જસપ્રીત બુમરાહે (JASPREET BUMRAH) લીધી હતી. તેણે ખાસ કરીને ડકેટ અને ઑલી પોપ વચ્ચેની બીજી વિકેટ માટેની 122 રનની ભાગીદારી તોડી હતી.

35 ઓવરમાં ઇંગ્લૅન્ડે બે વિકેટે 141 રન કર્યા હતા, ઑલી પોપ 64 રને રમી રહ્યો હતો અને તેની સાથે સૌથી અનુભવી બૅટ્સમૅન જૉ રૂટ સાત રને દાવમાં હતો. ઇંગ્લૅન્ડની પહેલી 35 ઓવરની ઇનિંગ્સમાં એકમાત્ર બુમરાહ સફળ બોલર હતો. મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને રવીન્દ્ર જાડેજાને વિકેટ નહોતી મળી અને શાર્દુલ ઠાકુરને ઇંગ્લૅન્ડની 35 ઓવરમાં એક પણ ઓવર બોલિંગ નહોતી મળી.

લંચ બાદ ભારત (TEAM INDIA)નો દાવ 471 રનના સ્કોર પર સમેટાઈ ગયો હતો. ત્યાર બાદ વરસાદને કારણે ઇંગ્લૅન્ડનો પ્રથમ દાવ સમયસર શરૂ નહોતો થઈ શક્યો. જોકે થોડી વાર પછી રમત શરૂ થઈ અને ઇંગ્લૅન્ડે પહેલી જ ઓવરમાં ઓપનર ઝૅક ક્રૉવ્લી (ચાર રન)ની વિકેટ ગુમાવ્યા બાદ ટી-ટાઇમ સુધીમાં એક વિકેટે 107 રન કર્યા હતા.

શુક્રવારના પહેલા દિવસના અંત સુધીના 3/359ના સ્કોર પરથી ટીમ ઇન્ડિયાએ શનિવારે રમવાનું શરૂ કર્યું હતું અને ફરી દિવસની સારી શરૂઆત કર્યા બાદ ધબડકો જોવો પડ્યો હતો. જોકે રિષભ પંત (134 રન, 178 બૉલ, છ સિક્સર, બાર ફોર) લંચ પહેલાંના સત્રનો સ્ટાર-અટ્રૅક્શન હતો. તે ટેસ્ટ મૅચમાં ટી-20 મોડમાં રમ્યો હતો અને તેણે કેટલાક વિક્રમો રચ્યા હતા.
ભારતનો સ્કોર એક તબક્કે ત્રણ વિકેટે 430 રન હતો, પણ બીજા 41 રનમાં બાકીની સાતેય વિકેટ પડી ગઈ હતી. ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટૉક્સે 66 રનમાં ચાર અને બીજા પેસ બોલર જૉશ ટન્ગે 86 રનમાં ચાર વિકેટ લીધી હતી.

ભારતના ત્રણ સેન્ચુરિયનો (યશસ્વી જયસ્વાલ-101 રન, શુભમન ગિલ-147 રન અને રિષભ પંત-134 રન)એ કુલ મળીને 382 રન કર્યા હતા, પરંતુ જેમના પર બૅટિંગમાં મોટો મદાર હતો એ પાંચ બૅટ્સમેનો (કેએલ રાહુલ, સાઇ સુદર્શન, કરુણ નાયર, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર)એ કુલ મળીને ફક્ત 54 રન કરી શક્યા હતા.

રાહુલે શુક્રવારે 42 રનનું સાધારણ યોગદાન આપ્યું હતું, પરંતુ સુદર્શન (0), કરુણ નાયર (0), જાડેજા (11) અને શાર્દુલ (1)એ નિરાશ કર્યા હતા. સુદર્શનની આ પહેલી જ ટેસ્ટ છે અને કરુણ નાયર સાત વર્ષે ફરી ભારતીય ટીમમાં આવ્યો છે. જોકે તેઓ શૂન્યમાં આઉટ થયા હતા. બુમરાહ શૂન્યમાં આઉટ થયો હતો, જ્યારે મોહમ્મદ સિરાજના નામે અણનમ ત્રણ રન હતા અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ એક રન કર્યો હતો. ટીમ ઇન્ડિયાને 31 રન એક્સ્ટ્રા તરીકે મળ્યા હતા જેમાં પાંચ રન પેનલ્ટીના હતા. શુક્રવારે વિકેટકીપરની પાછળ રાખવામાં આવેલી ફીલ્ડર્સની બે હેલ્મેટને બૉલ લાગતાં ભારતને વધારાના એ પાંચ રન મળ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button