કોઇમ્બતુર: આગામી પાંચમી સપ્ટેમ્બરે દુલીપ ટ્રોફી ટૂર્નામેન્ટ શરૂ થઈ રહી છે, પરંતુ એના ગણતરીના દિવસો પહેલાં જ સૂર્યકુમાર યાદવને હાથમાં ઇજા થઈ છે.
અહીં બુચી બાબુ ઇન્વિટેશનલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં તામિલનાડુ સામેની મૅચમાં મુંબઈના સૂર્યકુમારની ઇનિંગ્સ ફક્ત 38 બૉલ જેટલી ટૂંકી રહી હતી. તેને ફિલ્ડિંગ દરમિયાન હાથ પર ઈજા થઈ હતી.
આ પણ વાંચો… કેદારનાથમાં MI-17હેલિકોપ્ટર સાથે બાંધેલું હેલિકોપ્ટર ક્રેશ થયું, જુઓ વિડીયો
સૂર્યકુમાર ભારતની ટી-20 ટીમનો કેપ્ટન છે, પરંતુ ભારત વતી તેને હજી સુધી એક ટેસ્ટ રમવા મળી છે. તે ફેબ્રુઆરી 2023માં એ ટેસ્ટ રમ્યો હતો. જોકે તે ટેસ્ટ ટીમમાં કમબૅક કરવા માગે છે, પણ હવે આ ઈજાએ તેને કદાચ થોડી ચિંતામાં મૂકી દીધો હશે.
શુક્રવારની મૅચ પહેલાં જ તેણે પત્રકારોને કહ્યું હતું કે ‘હું દુલીપ ટ્રોફીમાં કેવું રમીશ એને આધારે વિચારીશ કે મને ટેસ્ટ ટીમમાં ફરી સ્થાન મળશે કે નહીં.’
દુલીપ ટ્રોફીમાં સૂર્યકુમારનો સમાવેશ ‘સી’ ટીમમાં છે જેની કેપ્ટન્સી ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી છે
ભારતની આગામી ટેસ્ટ સિરીઝ સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે રમાવાની છે.
દરમિયાન, બુચી બાબુ ટૂર્નામેન્ટમાં તામિલનાડુના 379 રનના જવાબમાં મુંબઈએ ફક્ત 156 રન બનાવ્યા હતા. તામિલનાડુએ બીજા દાવમાં 286 રન બનાવીને મુંબઈને 510 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો.