બૉલ પર માખી બેઠી અને પછી બ્રિટિશ ગૉલ્ફર જીત્યો મૅચ, 17 કરોડ રૂપિયા કમાયો! | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

બૉલ પર માખી બેઠી અને પછી બ્રિટિશ ગૉલ્ફર જીત્યો મૅચ, 17 કરોડ રૂપિયા કમાયો!

ચાલો, માખીના મૅજિકવાળી રસપ્રદ ઘટનાની વિગતો જાણી લઈએ…: વિજેતા ખેલાડી ટૉમી ફ્લિટવૂડ ઑક્ટોબરમાં ભારત આવવાનો છે

ન્યૂ યૉર્કઃ શું કોઈ માખી કોઈને 20 લાખ ડૉલર (અંદાજે 17 કરોડ રૂપિયા)નું ઇનામ જિતાડી આપે? ચોંકી ગયાને! માનવામાં નથી આવતુંને! જોકે અમેરિકામાં એક બ્રિટિશ ગૉલ્ફ ખેલાડી સાથે જે કંઈ બની ગયું એ પછી માનવું પડે એવી વાત છે. આ માખી (Bee) નિમિત્ત બની કે બીજું કંઈ કારણ હોય, પણ ઇંગ્લૅન્ડના આ ખેલાડી પર મા લક્ષ્મી પ્રસન્ન તો થયા જ છે.

અમેરિકામાં તાજેતરમાં આયોજિત બીએમડબ્લ્યૂ (BMW) ચૅમ્પિયનશિપમાં બ્રિટિશ ગૉલ્ફર ટૉમી ફ્લિટવૂડનો એક વીડિયો વાઇરલ થયો છે જેમાં જોવા મળે છે કે ગૉલ્ફના બૉલ (Ball) પર એક માખી બેઠી અને ત્યાર બાદ ફ્લિટવૂડે એ મૅચ જીતી લીધી હતી અને ઇનામમાં 17 કરોડ રૂપિયા કમાયો હતો. જોકે તે કેવા સંજોગોમાં જીત્યો એની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.

ફ્લિટવૂડ જીત્યો એમાં તેની સાથે સોશ્યલ મીડિયામાં બૉલ પર બેઠેલી માખી પણ ચર્ચાનું કેન્દ્ર બની ગઈ. મીડિયા પર ફ્લિટવૂડની જીતનું શ્રેય માખીને આપવામાં આવી રહ્યું છે, પરંતુ કેટલાક બીજા કારણ પણ છે જે આપણે જાણીશું જ. બાય ધ વે, સાત વખત ડીપી વર્લ્ડ ટૂર જીતી ચૂકેલો ફ્લિટવૂડ આગામી ઑક્ટોબરમાં ભારત આવવાનો છે. આ પ્રવાસ દરમ્યાન તે ડીપી વર્લ્ડ ઇન્ડિયા ચૅમ્પિયનશિપમાં રમશે.

` માખીનો ચમત્કાર’ કૅમેરામાં ઝડપાયો

ગયા અઠવાડિયે અમેરિકાના મૅરીલૅન્ડની કેવ્ઝ વૅલી ગૉલ્ફ ક્લબમાં આયોજિત આ ગૉલ્ફ સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડમાં ફ્લિટવૂડે સેવન-અન્ડરથી શરૂઆત કરી હતી અને મુકાબલાની અંતિમ પળમાં બૉલ તેના દમદાર શૉટમાં હૉલની ખૂબ નજીક આવીને અટકી ગયો હતો. ફ્લિટવૂડે માની લીધું કે હવે મૅચ તેના હાથમાંથી ગઈ. જોકે પળવારમાં ચમત્કાર થયો હતો. તેના અટકેલા બૉલ પર ત્યારે એક માખી બેઠી અને ત્યાર પછી બૉલ સરકીને હૉલમાં જતો રહ્યો હતો. ફ્લિટવૂડના ચહેરા પર અભૂતપૂર્વ આશ્ચર્ય અને રોમાંચ હતા. પીડીએના 10 સેક્નડના નિયમ અનુસાર તેને વિજેતા ઘોષિત કરવામાં આવ્યો હતો. માખી બેઠી ત્યાર પછી બૉલ હૉલમાં ગયો એ નરી આંખે કોઈને નહોતું દેખાયું, પરંતુ કૅમેરાના ફૂટેજને બારીકાઈથી જોવામાં આવ્યા અને રિપ્લે જોવામાં આવી તો બૉલ પર માખી બેઠેલી દેખાઈ હતી. એ ઘટનાનો વીડિયો વાઇરલ થઈ ગયો હતો.

શું સાચે જ માખીને લીધે બૉલ ગયો હૉલમાં?

માખીને કારણે ફ્લિટવૂડને જીતવા મળ્યું એવું માનનારાનું એવું પણ કહેવું છે કે 34 વર્ષીય ગૉલ્ફર ફ્લિટવૂડ ઉપર 17 કરોડ રૂપિયાનો વરસાદ પેલી માખીને કારણે જ થયો. જોકે ફ્લિટવૂડની જીત બાદ સોશ્યલ મીડિયામાં મિશ્ર પ્રતિક્રિયા જાણવા મળી છે. કોઈક કહે છે કે નાની અમથી માખીના વજનથી ગૉલ્ફનો બૉલ કેવી રીતે હલી શકે? અને હલી જાય તો પણ સરકીને છેક હૉલમાં કેવી રીતે જઈ શકે? અમેરિકાના એક જાણીતા દૈનિકના વિશ્લેષણમાં જણાવાયું છે કે એક માખીનું વજન અંદાજે એક મિલીગ્રામ હોય છે અને ગૉલ્ફના બૉલનું વજન એનાથી અનેકઘણું વધુ હોય છે. એવામાં માખીના બેસવાથી હૉલમાં બૉલ પડે એ વાત ઘણાને ગળે નથી ઊતરતી.

વૈજ્ઞાનિકનું કહેવું છે કે…

પ્રસિદ્ધ ફિઝિસિસ્ટ અને ન્યૂ યૉર્ક સિટી કૉલેજના પ્રોફેસર મિચિયો કાકૂના મંતવ્ય મુજબ ન્યૂ યૉર્કના અખબારે દાવો કર્યો છે કે માખીના બેસવાથી બૉલનું હલવું અસંભવ નથી. તેમના જણાવ્યા મુજબ ભૌતિકશાસ્ત્રમાં એક ટિપિંગ પૉઇન્ટ કૉન્સેપ્ટ હોય છે જે મુજબ મોટી વસ્તુ પણ નજીવો ઝટકો લાગતાં નીચે પડી શકે છે. એ જોતાં માખી બેસવાથી બૉલ ગૉલ્ફના મેદાનના હૉલમાં ગયો એ અશક્ય નથી. બીજી એક સંભાવના એ છે કે કદાચ હવા કે જમીનમાંના કંપનને લીધે હૉલમાં બૉલ જતો રહ્યો હોઈ શકે. કારણ ભલે ગમે એ હોય, આ ઘટનાએ ફ્લિટવૂડને માલામાલ તો કરી જ દીધો છે. લક્ષ્મી માતાએ તેના પર મોટી કૃપા કરી છે.

આપણ વાંચો: અમેરિકા (USA)માં એકસાથે 10 મહિલા ખેલાડીઓ તબિયત બગડતાં ગૉલ્ફ (Golf) ટૂર્નામેન્ટમાંથી નીકળી ગઇ!

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button