બ્રિટિશ કેપ્ટનની કાકલૂદી, જાડેજા અને વોશિંગ્ટને તેની ઑફર સાફ નકારી | મુંબઈ સમાચાર

બ્રિટિશ કેપ્ટનની કાકલૂદી, જાડેજા અને વોશિંગ્ટને તેની ઑફર સાફ નકારી

હેડ-કોચ ગંભીરે પણ તીર છોડ્યું, ‘ શું બ્રિટિશરો વહેલી ડ્રો માટે સંમત થયા હોત?'

મૅન્ચેસ્ટર: બે દમદાર ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને વૉશિંગ્ટન સુંદરે ટીમ ઇન્ડિયાને પરાજયથી બચાવીને ચોથી ટેસ્ટ ડ્રોની નજીક લાવી દીધી ત્યારે તેમને તેમની સેન્ચુરીથી વંચિત રાખવાની બ્રિટિશ કેપ્ટન બેન સ્ટોકસ અને મેદાન પરની તેની ટોળકીની બદદાનતને ઉઘાડી પાડી દીધી અને યાદગાર સદી પૂરી કર્યા પછી જ ડ્રો માટે સંમતિ આપી એ ઘટના ટેસ્ટ ક્રિકેટના 148 વર્ષના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.

બેન સ્ટોકસે જાડેજા-વોશિંગ્ટનની સેન્ચુરી પહેલાં જ મૅચને વહેલી ડ્રો (Draw) કરાવવાની કાકલૂદી કરી હતી, પરંતુ જાડેજા-વોશિંગ્ટને એ ઑફર સાફ નકારી હતી જેનાથી સ્ટોકસ નારાજ થયો હતો.

https://twitter.com/BCCI/status/1949521379545813085

શુભમન ગિલ (103 રન, 238 બૉલ, 379 મિનિટ, બાર ફોર),

રવીન્દ્ર જાડેજા (107 અણનમ, 185 બૉલ, 218 મિનિટ, એક સિક્સર, તેર ફોર) અને વૉશિંગ્ટન સુંદર (101 નૉટઆઉટ, 206 બૉલ, 298 મિનિટ, એક સિક્સર, નવ ફોર)ની યાદગાર સદી તેમ જ કે. એલ. રાહુલ (90 રન, 230 બૉલ, 300 મિનિટ, આઠ ફોર)ની અસરદાર ઇનિંગ્સને કારણે બ્રિટિશરો વિજયથી વંચિત રહ્યા અને ભારતીય ટીમે પોતાની શરતે મૅચ (test) ડ્રો કરાવી.

https://twitter.com/BCCI/status/1949532156616913189

જાડેજા અને વૉશિંગ્ટન પોતાની સેન્ચુરી પૂરી કરે એ પહેલાં જ (મૅચના નિર્ધારિત અંતના એક કલાક પહેલાં) બેન સ્ટોકસે (Ben Stokes) મૅચને ડ્રો જાહેર કરાવવા માટે જે વિનંતી કરી હતી એ વિશે ભારતીય ટીમના હેડ-કોચ ગૌતમ ગંભીરે (Gautam Gambhir) મૅચ પછી પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન બ્રિટિશ ખેલાડીઓને ધ્યાનમાં લઈને અણિયાળો સવાલ પૂછતાં કહ્યું હતું કે ‘ જો બ્રિટિશરો અમારી જગ્યાએ હોત તો તેઓ પોતાના લડાયક બૅટ્સમેનોની સેન્ચુરી પૂરી થતાં પહેલાં જ ડ્રોની જાહેરાત માટે સહમત થયા હોત?’

ગંભીરે પત્રકારો સાથેની વાતચીતમાં બ્રિટિશરોને નિશાન બનાવીને એવું પણ કહ્યું હતું કે ‘ કોઈ બૅટ્સમેન અસાધારણ લડત બતાવીને મૅચને ડ્રોની નજીક લાવે અને એમાંનો એક પ્લેયર 90 રન પર રમી રહ્યો હોય અને બીજો 85 રન પર હોય તો શું એ બે બૅટ્સમેન સેન્ચુરી પૂરી ન કરે? જાડેજા અને વૉશિંગ્ટન તેમની એ સદી ડીઝર્વ કરતા જ હતા. આ બે ખેલાડીઓ પોતાના હાથે પોતાનો ઇતિહાસ લખી રહ્યા છે. ઇંગ્લૅન્ડની ટીમમાં આ જ રીતે કોઈ બે બૅટ્સમેનને સેન્ચુરી પૂરી કરવાનો મોકો મળ્યો હોત તો તેમણે સેન્ચુરી પૂરી ન કરી હોત?’

ગંભીરે બ્રિટિશ ટીમ વિશે ટકોર કરતા એવું પણ જણાવ્યું હતું કે ‘ જાડેજા અને વૉશિંગ્ટન ટીમ ઇન્ડિયાને મોટી મુશ્કેલીમાંથી બહાર લાવ્યા હતા અને તેમને પોતાની સદી પૂરી કરવી હતી એમાં તેમણે ખોટું શું કર્યું? તેમને સદી સુધી પહોંચવું હતું અને એમાં સદનસીબે તેઓ સફળ થયા હોય.’

પહેલા દાવમાં ભારતે (India) 358 રન કર્યા પછી ઇંગ્લૅન્ડે (England) 669 કરીને 311 રનની સરસાઈ લીધી હતી. જોકે રાહુલના 90 રન ઉપરાંત ગિલ, જાડેજા અને વૉશિંગ્ટને જે સેન્ચુરી ફટકારી એની મદદથી ભારતે 311 રનની લીડ ઊતારીને બીજા 114 રન કર્યા હતા.

બેન સ્ટૉક્સની વિનંતી સાથે જાડેજા અને વોશિંગ્ટન સંમત ન થયા ત્યારે સ્ટૉકસે જાડેજાને કટાક્ષમાં પૂછ્યું હતું કે ‘ તારે શું અમારા બૅટ્સમૅન હૅરી બ્રુકની બોલિંગમાં સેન્ચુરી પૂરી કરવી છે? એવી તારી ઈચ્છા છે?’ જાડેજાએ તેને જવાબમાં કહ્યું હતું કે ‘ હવે હું તને શું કહું? શું કરવું એ હવે તું નક્કી કર.’

બેન સ્ટૉકસે કહ્યું, ‘ અમે મૅચને થઈ શકે એટલી અમારી તરફેણમાં કરવાની પૂરી કોશિશ કરી અને આ મૅચનું ડ્રોનું પરિણામ અનિવાર્ય હતું. પાંચમી અને છેલ્લી ટેસ્ટને આડે ત્રણ દિવસ બાકી હોય ત્યારે હું મારા બોલરને વધુ જોખમમાં શું કામ મૂકું? એટલે મેં વહેલી ડ્રો માટેનો આગ્રહ રાખ્યો.’

જાડેજા, વૉશિંગ્ટનના નિર્ણયથી બેન સ્ટૉક્સ રિસાઈ ગયો હોય એ રીતે તેણે સ્પેશિયાલિસ્ટ બૅટ્સમૅન હેરી બ્રુકને બોલિંગ આપી હતી જેમાં જાડેજાએ સિક્સર ફટકારીને સેન્ચુરી પૂરી કરી હતી.

આ પણ વાંચો…કોહલી, દ્રવિડ, ગાંગુલી ન કરી શક્યા એ કામ શુભમન ગિલે કરી દેખાડ્યું!

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button