સ્પોર્ટસ

બ્રિટિશરો ભારતના બોલિંગ-આક્રમણ સામે પાણીમાં બેસી ગયા ઈંગ્લૅન્ડ ૫૫૭ રનના લક્ષ્યાંક સામે માત્ર ૧૨૨ રનમાં થઈ ગયું ઑલઆઉટ

રાજકોટ: ભારતે અહીં ઇંગ્લૅન્ડને ત્રીજી ટેસ્ટમાં ચોથા દિવસે ૪૩૪ રનના ઐતિહાસિક માર્જિનથી હરાવીને પાંચ મૅચવાળી શ્રેણીમાં ૨-૧થી સરસાઈ મેળવી લીધી હતી.

યશસ્વી જયસ્વાલે (૨૧૪ અણનમ, ૨૩૬ બૉલ, ૩૯૭ મિનિટ, ૧૨ સિક્સર, ૧૪ ફોર) સતત બીજી ટેસ્ટમાં વિક્રમી ડબલ સેન્ચુરી ફટકારી ત્યાર પછી ભારતીય સ્પિનરોએ બ્રિટિશ બૅટર્સની ખબર લઈ નાખી હતી. રવીન્દ્ર જાડેજા (૧૨.૪-૪-૪૧-૫), કુલદીપ યાદવ (૮-૨-૧૯-૨) અને કમબૅકમૅન આર. અશ્ર્વિન (૬-૩-૧૯-૧)ની સ્પિન-ત્રિપુટીએ કુલ મળીને આઠ વિકેટ લીધી હતી. એક વિકેટ જસપ્રીત બુમરાહે લીધી હતી જ્યારે પ્રથમ દાવમાં ૧૫૩ રન બનાવનાર બેન ડકેટ બીજા દાવમાં ચાર રને રનઆઉટ થયો હતો.

ઇંગ્લૅન્ડની ટીમ ૫૫૭ રનના અશક્ય લક્ષ્યાંક સામે સાવ પાણીમાં બેસી ગઈ હતી અને ફક્ત ૧૨૨ રન પર ઑલઆઉટ થઈ હતી.

ટેસ્ટમાં ભારત રનની ગણતરીએ ટેસ્ટ જીત્યું હોય એમાં ૪૩૪ રનનો એનો આ હવે સૌથી મોટો માર્જિન છે. રોહિત શર્મા ઍન્ડ કંપનીએ ત્રણ વર્ષ જૂનો ૩૭૨ રનના માર્જિનનો ભારતીય વિક્રમ તોડ્યો છે. ડિસેમ્બર, ૨૦૨૧માં ભારતે વાનખેડેમાં ન્યૂ ઝીલૅન્ડને ૫૪૦ રનનો ટાર્ગેટ આપ્યા બાદ એને માત્ર ૧૬૭ રનમાં આઉટ કરીને ૩૭૨ રનથી વિજય મેળવ્યો હતો. ત્યારે વિરાટ કોહલી કૅપ્ટન હતો અને મયંક અગરવાલ (૧૫૦ રન, ૬૨ રન) મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.

રનની દૃષ્ટિએ ભારતની આ જીત ટેસ્ટ-વિશ્ર્વની સૌથી મોટી જીતમાં આઠમા નંબરે છે. આ લિસ્ટમાં ઇંગ્લૅન્ડ મોખરે છે. એણે ૧૯૨૮માં બ્રિસ્બેનમાં ઑસ્ટ્રેલિયાને ૬૭૫ રનના માર્જિનથી હરાવ્યું હતું.
ત્રીજી લગભગ આખી ટેસ્ટમાં ભારતીય ખેલાડીઓનું વર્ચસ રહ્યું હતું. પહેલાં તો ઇંગ્લૅન્ડની ટીમે બોલિંગમાં જોઈએ એવું પર્ફોર્મ ન કર્યું અને પછી બૅટિંગમાં સારી શરૂઆતમાં કચાશ બતાવીને છેવટે પરાજય વહોરી લીધો.

રવિવારના ચોથા દિવસે ભારતના બોલિંગ આક્રમણનો ઇંગ્લૅન્ડનો એક પણ બૅટર વળતો જવાબ નહોતો આપી શક્યો. શરમની વાત એ છે કે અગાઉ એક જ હાફ સેન્ચુરી ફટકારી શકનાર ફાસ્ટ બોલર માર્ક વૂડે જે ૩૩ રન બનાવ્યા હતા એ બ્રિટિશ ટીમમાં હાઇએસ્ટ હતા.

યશસ્વી જયસ્વાલે બીજા દાવમાં જે અણનમ ૨૧૪ રન બનાવ્યા એમાં ૧૨ સિક્સર સામેલ હતી. તેણે એક ટેસ્ટ-દાવમાં સૌથી વધુ ૧૨ છગ્ગા ફટકારવાના વસીમ અકરમના ૧૯૯૬ના વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી હતી.

જોકે ભારતીય બૅટર્સમાં યશસ્વીએ નવજોતસિંહ સિધુનો વિક્રમ પાર કર્યો હતો. સિધુએ ૧૯૯૪માં લખનઊમાં શ્રીલંકા સામેની ટેસ્ટના એક દાવમાં આઠ સિક્સરની મદદથી ૧૨૪ રન બનાવ્યા હતા.
હવે શુક્રવારે રાંચીમાં ચોથી ટેસ્ટ શરૂ થશે. રાજકોટની જેમ રાંચીમાં પણ ભારત એકેય ટેસ્ટ નથી હાર્યું અને એ જોતાં ભારતને રાંચીમાં જ સિરીઝ જીતી લેવાનો સારો મોકો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?