બ્રાયન લારાએ વિશ્વ ક્રિકેટના આ 6 ખેલાડીઓને ‘મહાન’ ગણાવ્યા! T20 ફોર્મેટ અંગે કહી આ વાત…

ડલાસ: ક્રિકેટ ઈતિહાસના સૌથી મહાન બેટર્સમાં સ્થાન પામતા વેસ્ટ ઇન્ડીઝના બ્રાયન લારાએ તાજેતરમાં યુએસની નેશનલ ક્રિકેટ લીગની બીજી સીઝનની શરૂઆત પહેલા યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન લારાએ ક્રિકેટ અને તેમની કારકિર્દી અંગે રસપ્રદ વાતો કરી હતી. લારાએ વિશ્વ ક્રિકેટના એવા છ ખેલાડીઓના નામ આપ્યા, જેમના સમયમાં ક્રિકેટ રમવું તેમણે સૌભાગ્યની વાત ગણાવી.
લારાએ કહ્યું કે સચિન તેંડુલકર, મુરલીધરન, વસીમ અકરમ, શેન વોર્ન, ગ્લેન મેકગ્રા અને કર્ટલી એમ્બ્રોઝ જેવા મહાન ખેલાડીઓના યુગમાં રમવું મારા માટે સૌભાગ્યની વાત છે.
લારાએ કહ્યું, “હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે હું પણ એ યુગમાં ક્રિકેટ રમ્યો જેમાં આ ખેલાડીઓ રમ્યા, મારા માટે આ ખેલાડીઓ મહાન રહ્યા છે. મારા મત મુજબ કદાચ આ વર્ષો ક્રિકેટના શ્રેષ્ઠ બે દાયકા હતા.”

મુરલીધરન સૌથી ખતરનાક સ્પિન:
લારાએ શ્રીલંકાના મુથૈયા મુરલીધરનને સૌથી ખતરનાક સ્પિન બોલર ગણાવ્યો. લારાએ કહ્યું, “મુરલી મને હમેશાં મૂંઝવણમાં મૂકતો અને આઉટ કરતો. પરંતુ જ્યારે હું તેની સામે બેટિંગ કરતો, ત્યારે હું મોટે ભાગે સ્વીપ શોટ રમતો, પછી હું નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઊભો રહેતો અને તેનો હાથ જોતો કે તે કેવી રીતે બોલને છોડે છે.”

T20 ફોર્મેટમાં કંઈક ખૂટે છે:
બ્રાયન લારાએ બદલાતા ક્રિકેટ અંગે કહ્યું, “મને લાગે છે કે T10 અને T20 ફોર્મેટમાં કંઈક ખામી છે. મોટાભાગના બેટર્સ હવે એ નથી જોતા કે બોલર કેવો બોલ ફેંકી રહ્યો છે, કારણ કે તેમના પર રન બનાવવાનું ખૂબ દબાણ હોય છે.’



