પીઢ ક્રિકેટરોએ બૉલ-આઉટ પદ્ધતિને સજીવન કરીઃ જાણો, કોણે કોને હરાવ્યું...
સ્પોર્ટસ

પીઢ ક્રિકેટરોએ બૉલ-આઉટ પદ્ધતિને સજીવન કરીઃ જાણો, કોણે કોને હરાવ્યું…

બર્મિંગમઃ 2007ના ટી-20 વર્લ્ડ કપ વખતે ટાઇ-મૅચ બાદ સુપરઓવરની નહીં, પણ બૉલ-આઉટ (bowl out)ની પ્રથા હતી જેમાં બન્ને ટીમના નક્કી થયેલા ખેલાડીઓએ સ્ટમ્પને ટાર્ગેટ બનાવવાની પદ્ધતિમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું અને એ યાદોંને ફરી તાજી કરવાના હેતુથી શનિવારે વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ (ડબ્લ્યૂસીએલ)ની એક મૅચમાં આયોજકોએ બૉલ-આઉટ રાખ્યું હતું.

વરસાદ બાદ વેસ્ટ ઇન્ડિઝે ગેઇલના સુકાનમાં નિર્ધારિત 11 ઓવરમાં પાંચ વિકેટે 80 રન કર્યા હતા. 5/79ના સ્કોર બાદ છેલ્લે (ટેક્નિકલ ક્ષતિ બાદ) કૅરિબિયનોના સ્કોરમાં એક રન ઉમેરાયો હતો અને 5/80નો સ્કોર છેલ્લે નોંધાયો હતો. ડિવિલિયર્સના સુકાનમાં સાઉથ આફ્રિકાએ 11 ઓવરમાં 6/80નો સ્કોર નોંધાવ્યો એટલે મૅચ ટાઇ થતાં બૉલ-આઉટ રખાયું હતું જેમાં સાઉથ આફ્રિકાનો વિજય થયો હતો.

મુખ્ય મૅચમાં વેસ્ટ ઇન્ડિઝના 80 રનમાં લેન્ડલ સિમન્સના 28 રન અને વિકેટકીપર ચાડવિક વૉલ્ટનના અણનમ 27 રન સામેલ હતા. સાઉથ આફ્રિકા વતી આરૉન ફૅન્ગિસોએ બે વિકેટ તેમ જ સ્મ્ટ્સ, વિલોયેન, ઑલિવિયરે એક-એક વિકેટ લીધી હતી.

સાઉથ આફ્રિકાના 6/80ના સ્કોરમાં સેરલ એરવીના 27 રન, જે. પી. ડુમિનીના અણનમ પચીસ રન અને હાશિમ અમલાના 15 રન સામેલ હતા. કૅરિબિયનો વતી ફિડેલ એડવર્ડ્સ અને શેલ્ડન કૉટ્રેલે બે-બે વિકેટ અને સુલીમન બેને એક વિકેટ લીધી હતી. ડવેઇન બ્રાવોને બાવીસ રનમાં વિકેટ નહોતી મળી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button