સ્પોર્ટસ

ભારતની બોલિંગ-ફોજને શરૂઆત પહેલાં જ ઝટકો, બોલિંગ-કોચ મૉર્કલે અચાનક કેમ સાઉથ આફ્રિકા પાછા જવું પડ્યું?

દુબઈઃ રોહિત શર્માના સુકાનમાં દુબઈમાં ભારતીય ટીમે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ગુરુવારની પોતાની પહેલી મૅચ માટેની પ્રૅક્ટિસ હજી પૂરી નથી કરી ત્યાં તેમને શૉકિંગ સમાચાર મળ્યા હતા. તેમનો બોલિંગ-કોચ મૉર્ની મૉર્કલે પરિવાર પાસે તાકીદે પહોંચવાનું હોવાથી સાઉથ આફ્રિકા પાછો ગયો છે. એક અહેવાલ મુજબ મૉર્કલના પિતાનું અવસાન થયું છે જેને લીધે તે સ્વદેશ પાછો ગયો છે.

ચૅમ્પિયન્સ ટ્રોફી બુધવારે પાકિસ્તાનમાં પાકિસ્તાન-ન્યૂ ઝીલૅન્ડ સામેની મૅચ સાથે શરૂ થઈ રહી છે, પરંતુ ગ્રૂપ-એમાં ભારતની પ્રથમ મૅચ દુબઈમાં ગુરુવારે બાંગ્લાદેશ સામે રમાશે. 40 વર્ષીય મૉર્કલ શનિવારે પ્રથમ પ્રૅક્ટિસ-સત્રમાં ખેલાડીઓ સાથે હાજર હતો, પરંતુ સોમવારના બીજા સત્રમાં તે ઉપસ્થિત નહોતો રહી શકયો એવું પીટીઆઇના અહેવાલ પરથી જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં ચૅમ્પિયન્સ ટ્રોફીના ઓપનિંગમાં હવાઈ દળના સૈનિકોનો ઍર શો!

મૉર્ની મૉર્કલના પિતા આલ્બર્ટ મૉર્કલ 74 વર્ષના હતા. તેઓ પણ ક્રિકેટર હતા. જોકે સાઉથ આફ્રિકા વતી તેઓ બહુ ઓછી ફર્સ્ટ-ક્લાસ મૅચ રમ્યા હતા. મૉર્ની મૉર્કલનો મોટો ભાઈ ઍલ્બી મૉર્કલ એક સમયે સાઉથ આફ્રિકાનો અવ્વલ દરજ્જાનો ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર હતો. ઍલ્બી સાઉથ આફ્રિકા વતી કુલ 109 આંતરરાષ્ટ્રીય મૅચ રમ્યો હતો, જ્યારે મૉર્ની મૉર્કલ 250થી પણ વધુ મૅચ રમ્યો હતો. બન્નેનો ત્રીજો ભાઈ મલાન મૉર્કલ પણ ક્રિકેટર હતો.

જસપ્રીત બુમરાહની બાદબાકીને લીધે ભારતનું ઝડપી બોલિંગ આક્રમણ નબળું પડી ગયું છે એવામાં હવે બોલિંગ-કોચની શક્યતઃ થોડા દિવસ માટેની બાદબાકી ટીમ માટે ચિંતા કરાવનારી છે. તે ટીમ ઇન્ડિયા સાથે ફરી ક્યારે જોડાશે એ તાત્કાલિક જાણી શકાયું નહોતું.

આ પણ વાંચો: મુંબઈથી દુબઈઃ ભારતના મોટા ભાગના ક્રિકેટરો ચૅમ્પિયન્સ ટ્રોફી માટે રવાના થઈ ગયા

બુમરાહની ગેરહાજરીમાં ફાસ્ટ બોલિંગની જવાબદારી અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, હર્ષિત રાણા અને ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા પર છે.

દુબઈમાં ભારત-પાકિસ્તાન વચ્ચેનો હાઈ-વૉલ્ટેજ મુકાબલો રવિવાર, 23મી ફેબ્રુઆરીએ બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.
પ્રથમ સેમિ ફાઇનલ દુબઈમાં રમાશે. ભારત જો એ રાઉન્ડમાં પહોંચશે તો એની સેમિ ફાઇનલ દુબઈમાં જ રમાશે અને જો ભારત ફાઇનલમાં પહોંચશે તો એ નિર્ણાયક મુકાબલો પણ દુબઈમાં જ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button