પહેલી ઇનિંગ્સમાં બન્ને ટીમ એકસરખા સ્કોર પર ઑલઆઉટ, ક્રિકેટના ઇતિહાસમાં આટલામી વાર બન્યું

લંડનઃ શનિવારે રાત્રે લૉર્ડ્સની ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે 11.00 વાગ્યે ભારતનો પ્રથમ દાવ 387 રનના સ્કોર પર પૂરો થયો અને એ સાથે પરિણામ એ આવ્યું કે ન તો ભારતીય ટીમ (India)ને એક રનની સરસાઈ મળી અને ન ઇંગ્લૅન્ડ (England)ની ટીમ કોઈ લીડ લઈ શકી. કારણ એ હતું કે પહેલા દાવમાં ઇંગ્લૅન્ડની ટીમ પણ 387 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી.
નવાઈની વાત એ છે કે કોઈ ટેસ્ટમાં બન્ને હરીફ ટીમ પ્રથમ દાવમાં એકસરખા સ્કોર (same total) પર ઑલઆઉટ થઈ હોય કે એકસરખા સ્કોર પર કોઈ ટીમે દાવ ડિક્લેર કર્યો હોય એવું કુલ એક વાર કે બે વાર નહીં, પણ નવ વખત બન્યું હતું. આ પહેલાં 10 વર્ષ પહેલાં ઇંગ્લૅન્ડમાં જ આવું બન્યું હતું. ત્યારે લીડ્સમાં ન્યૂ ઝીલૅન્ડના 350 રન બાદ યજમાન ઇંગ્લૅન્ડની ટીમ પણ બરાબર 350 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી. છેવટે ન્યૂ ઝીલૅન્ડની ટીમ એ મૅચ 199 રનથી જીતી ગઈ હતી.
આ પણ વાંચો: ઇંગ્લૅન્ડ 387, ભારત 387
પહેલી ઇનિંગ્સમાં એકસરખા સ્કોરનો પ્રથમ કિસ્સો 1910માં ડરબનમાં સાઉથ આફ્રિકા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ટેસ્ટમાં બન્યો હતો. એમાં બેઉ ટીમ 199-199ના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી.
ટેસ્ટના પ્રથમ દાવમાં બન્ને ટીમના એકસરખા સ્કોર
ક્રમ | ટીમ-1 | ટીમ-2 | ક્યાં | ક્યારે | પરિણામ |
1 | સાઉથ આફ્રિકા 10/199 | ઇંગ્લૅન્ડ 10/199 | ડરબન | 1910 | સાઉથ આફ્રિકાનો 95 રનથી વિજય |
2 | વેસ્ટ ઇન્ડિઝ 10/222 | ભારત 10/222 | કાનપુર | 1958 | વેસ્ટ ઇન્ડિઝનો 203 રનથી વિજય |
3 | પાકિસ્તાન 10/402 | ન્યૂ ઝીલૅન્ડ 10/402 | ઑકલૅન્ડ | 1973 | ડ્રૉ |
4 | ઑસ્ટ્રેલિયા-7/428 ડિક્લેર્ડ | વેસ્ટ ઇન્ડિઝ 10/428 | કિંગસ્ટન | 1973 | ડ્રૉ |
5 | ઇંગ્લૅન્ડ 10/390 | ભારત 10/390 | બર્મિંગમ | 1986 | ડ્રૉ |
6 | વેસ્ટ ઇન્ડિઝ 5/593 ડિક્લેર્ડ | ઇંગ્લૅન્ડ 10/593 | સેન્ટ જોન્સ | 1994 | ડ્રૉ |
7 | ઑસ્ટ્રેલિયા 10/240 | વેસ્ટ ઇન્ડિઝ 10/240 | સેન્ટ જોન્સ | 2003 | વેસ્ટ ઇન્ડિઝનો ત્રણ વિકેટે વિજય |
8 | ન્યૂઝીલૅન્ડ 10/350 | ઇંગ્લૅન્ડ 10/350 | લીડ્સ | 2015 | ન્યૂ ઝીલૅન્ડનો 199 રનથી વિજય |
9 | ઇંગ્લૅન્ડ 10/387 | ભારત 10/387 | લૉર્ડ્સ | 2025 | પરિણામ બાકી |