ભારતની ફ્લૉપ બૅટિંગ વચ્ચે આ પાંચ વિવાદોએ સિરીઝને રોમાંચક બનાવી…

સિડની: ભારતની સુપર-ફ્લૉપ બૅટિંગ તેમ જ જસપ્રીત બુમરાહની હાઈએસ્ટ 32 વિકેટવાળી સુપર-હિટ બોલિંગ વચ્ચે ઑસ્ટ્રેલિયાએ બોર્ડર-ગાવસકર ટ્રોફી 3-1થી જીતી લીધી, પરંતુ શરૂઆતથી રવિવાર સુધીના દોઢ મહિના દરમિયાન પાંચ વિવાદ એવા હતા જેને લીધે આ શ્રેણી રોમાંચક બની ગઈ. રવિવારના છેલ્લા દિવસે ભારતીય બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરને ટ્રોફી તેમના નામે હોવા છતાં અને ખુદ તેઓ મેદાન પર હાજર હોવા છતાં ટ્રોફી વિતરણ સમારોહમાં ન બોલાવવામાં આવતાં સિરીઝ ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના આ મોટા બ્લન્ડર સાથે પૂરી થઈ હતી.
સિરીઝના પાંચ વિવાદ પર એક નજર….
સિરાજ v/s ટ્રેવિસ હેડ
સિરીઝનો મોટો વિવાદ ઍડિલેઇડ ખાતેની બીજી ટેસ્ટ મૅચમાં બન્યો હતો. એ પિન્ક-બૉલ ટેસ્ટમાં બોલર મોહમ્મદ સિરાજ અને બેટર ટ્રેવિસ હેડ સામસામે આવી ગયા હતા. હેડને આઉટ કરીને સિરાજે ખુન્નસથી તેની સામે જોઈને તેને પૅવિલિયનનો રસ્તો બતાવ્યો હતો. હેડ પણ કંઈક બોલ્યો હતો. આઇસીસી મૅચ રેફરીએ સિરાજની 20 ટકા મૅચ ફી કાપી લીધી હતી, પણ હેડને કોઈ દંડ નહોતો કર્યો અને તેને નિર્દોષ છોડી દીધો હતો. જોકે બંનેના નામે એક-એક ડીમેરિટ પોઇન્ટ લખવામાં આવ્યા હતા.
કોહલી v/s કૉન્સ્ટેસ
મેલબર્નની ચોથી ટેસ્ટમાં વિરાટ કોહલી અને ઑસ્ટ્રેલિયાના નવા ટીનેજ ઓપનર સૅમ કૉન્સ્ટેસ વચ્ચે પંગો થઈ ગયો હતો. એક ઓવરની સમાપ્તિ બાદ કૉન્સ્ટેસ ગ્લવ્ઝ ઠીક કરતો કરતો કરતો પિચ નજીકથી જઈ રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલા કોહલીએ તેની સાથે ખભો ટકરાવ્યો હતો. બંને વચ્ચે ખૂબ દલીલ પણ થઈ હતી. મૅચ રેફરીએ કોહલીની 20 ટકા મૅચ ફી કાપી લીધી હતી તેમ જ તેના નામે એક ડીમેરિટ પોઇન્ટ લખી દીધો હતો. ઓસ્ટ્રેલિયાના અખબારોએ કોહલીની ખૂબ ટીકા કરી હતી.
યશસ્વીનો કૅચઆઉટ, બાંગ્લાદેશી અમ્પાયરનો ‘પક્ષપાત’
મેલબર્નની જ ચોથી ટેસ્ટમાં છેલ્લા દિવસે ભારતીય ટીમ 340 રનનો લક્ષ્યાંક મેળવવા સંઘર્ષ કરી રહી હતી અને યશસ્વી જયસ્વાલ 208 બૉલમાં બનાવેલા 84 અને રમી રહ્યો હતો ત્યારે કમિન્સના બૉલમાં તેને વિકેટકીપર ઍલેક્સ કૅરીના હાથમાં કૅચઆઉટ થયેલો જાહેર કરવામાં આવ્યો હતો. ફીલ્ડ અમ્પાયરે તો યશસ્વીને નોટઆઉટ જાહેર કર્યો હતો, પરંતુ (બાંગ્લાદેશના) થર્ડ અમ્પાયર શારફુદૌલા સૈકતે ફેંસલો બદલીને યશસ્વીને આઉટ જાહેર કર્યો હતો. રિપ્લેમાં સ્નિકોમીટર પર કોઈ જ સ્પાઇક નજરે નહોતું પડ્યું, પણ ડિફલેક્શનને આધારે (ગ્લવ્ઝને બૉલ જરાક અડીને ગયો હતો એવું ઠરાવીને) તેને આઉટ અપાયો હતો. મુદ્દો એ છે કે થર્ડ અમ્પાયર જ્યારે કૅચઆઉટ વિશે અસ્પષ્ટ હતા તો પછી તેમણે મેદાન પરના અમ્પાયરના નિર્ણયને જ અનુસરવાનું હતું. સુનીલ ગાવસકરે આ ફેંસલાની ખૂબ ટીકા કરતા કહ્યું હતું કે ‘ટેકનોલોજીનો ઉપયોગ જ જો કરી રહ્યા છો તો આવો અસ્પષ્ટ ફેંસલો શા માટે આપો છો?’ આ નિર્ણય પર પણ ખૂબ વિવાદ થયો હતો.
કૉન્સ્ટેસ v/s બુમરાહ
સિડનીની છેલ્લી ટેસ્ટમાં બુમરાહ પીઠના દુખાવાને લીધે મોટા ભાગનો સમય મેદાનની બહાર જ હતો. જોકે પહેલા દિવસની રમતની છેલ્લી પળોમાં બુમરાહ અને 19 વર્ષીય સૅમ કોન્સ્ટેસ વચ્ચે થોડી ગરમાગરમી થઇ હતી. બૅટર ઉસ્માન ખ્વાજાએ બુમરાહને રન અપ પર જ અટકાવી દીધો હતો. નૉન સ્ટ્રાઇક એન્ડ પર કોન્સ્ટેસે પણ બુમરાહને અટકી જા એવો સંકેત આપ્યો હતો. જોકે બુમરાહ તેના પર ગુસ્સે થયો હતો અને ત્યાર પછીના જ બૉલમાં બુમરાહે ખ્વાજાને આઉટ કરી દીધો હતો. બન્ને બૅટરનો પ્લાન બુમરાહની એકાગ્રતા તોડવાનો હતો, પરંતુ ખુદ બુમરાહે જ એવો બૉલ ફેંક્યો કે જેમાં તેણે ખ્વાજાને સીધો પૅવિલિયન ભેગો કરી દીધો હતો. બુમરાહ આ વિકેટ બાદ કૉન્સ્ટેસની નજીક આવી ગયો હતો અને તેને ખૂન્નસથી જોવા લાગ્યો હતો. બધા ભારતીય ફીલ્ડરો પણ કોન્સ્ટેસની આસપાસ આવીને તેને પ્રેશરમાં લાવી દીધો હતો.
ગાવસકરને જ આમંત્રણ નહીં, ઑસ્ટ્રેલિયન બોર્ડનું બ્લન્ડર
દાયકાઓથી આ સિરીઝ બોર્ડર-ગાવસકર ટ્રોફીના નામે રમાય છે. જોકે રવિવારે ઑસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પૅટ કમિન્સને ટ્રોફી એનાયત કરવાના પ્રસંગે ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ તરફથી ફક્ત એલન બોર્ડરને જ સ્ટેજ પર આમંત્રિત કરવામાં આવ્યા હતા. ભારતના મહાન ક્રિકેટર અને કૉમેન્ટેટર સુનીલ ગાવસકર ત્યારે સિડનીના મેદાન પર જ હતા એમ છતાં તેમને સ્ટેજ પર આવવાનું આમંત્રણ નહોતું આપવામાં આવ્યું. પછીથી ખુદ ગાવસકરે આ વિશે ઑસ્ટ્રેલિયન બોર્ડની ભરપૂર ટીકા કરી હતી. નવાઈની વાત તો એ છે કે થોડી વારમાં ઑસ્ટ્રેલિયન બોર્ડના અધિકારીએ પોતાના બોર્ડથી ગાવસકરને આમંત્રણ ન આપવાનું બ્લન્ડર થઈ ગયું હોવાનું કબૂલ્યું હતું.