ઇંગ્લેન્ડના સુપરસ્ટાર આ ફૂટબોલરનું નિધન

લંડનઃ ઈંગ્લેન્ડના મહાન ફૂટબોલર સર બોબી ચાર્લ્ટનનું 86 વર્ષની વયે નિધન થયું છે. 1966ના વર્લ્ડ કપ સેમિફાઇનલમાં પોર્ટુગલ સામે બે ગોલ કરીને ઇંગ્લેન્ડને ફાઇનલમાં પહોંચાડનારા ચાર્લ્ટનને ઇંગ્લેન્ડ અને માન્ચેસ્ટર યુનાઇટેડ માટે અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ ફૂટબોલર માનવામાં આવે છે.

ચાર્લ્ટને ઈંગ્લેન્ડ માટે 106 મેચમાં 49 ગોલ અને માન્ચેસ્ટર યુનાઈટેડ માટે 758 મેચમાં 249 ગોલ કર્યા હતા. તેમણે લગભગ 40 વર્ષ સુધી ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ રાખ્યો હતો, જેને તેના ક્લબના સાથી વેઈન રૂનીએ તોડ્યો હતો.

સર બોબી ચાર્લ્ટને 1956 થી 1973 દરમિયાન માન્ચેસ્ટર યુનાઈટેડ માટે 758 મેચોમાં 249 ગોલ કર્યા હતા. તેમણે 1958 થી 1970 દરમિયાન ઇંગ્લેન્ડ માટે 106 મેચમાં 49 ગોલ કર્યા. મિડફિલ્ડર ચાર્લ્ટન તેમની ઝડપી, જાદુઈ કિક માટે જાણીતા હતા. 1958 માં તેઓ એક વિમાન દુર્ઘટનામાં બચી ગયા હતા, જેમાં તેમના આઠ સાથી ફૂટબોલર મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાએ સમગ્ર ઈંગ્લેન્ડ અને માન્ચેસ્ટર યુનાઈટેડને આંચકો આપ્યો હતો.

તે સમયે ચાર્લ્ટન માત્ર 21 વર્ષના હતા. આ ઘટના બાદ તેમણે ફૂટબોલની દુનિયામાં જોરદાર વાપસી કરી અને ત્રણ વર્લ્ડ કપ રમ્યા હતા. 1966માં ઈંગ્લેન્ડમાં આયોજિત વર્લ્ડ કપમાં સર જ્યોફ હર્સ્ટે ફાઇનલમાં જર્મની સામે ગોલ ફટકાર્યા હતા, પરંતુ ઈંગ્લેન્ડની જીતમાં ચાર્લ્ટનની ભૂમિકા ખૂબ મહત્વની હતી. તેમના ભાઈ જેક ચાર્લ્ટન પણ આ વર્લ્ડ કપમાં રમ્યા હતા.

બોબી ચાર્લ્ટન હંમેશાં વિવાદોથી દૂર રહ્યા છે. માન્ચેસ્ટર યુનાઈટેડ માટે રમાયેલી 758 મેચો અને ઈંગ્લેન્ડ તરફથી રમાયેલી 106 મેચોમાં તેમને ક્યારેય રેડ કાર્ડ બતાવીને મેદાનની બહાર મોકલવામાં આવ્યા ન હતા.