બૉબ સિમ્પસન ભારત સામે રમીને નિવૃત્ત થયેલા અને રિટાયરમેન્ટ પાછું ખેંચીને સૌથી પહેલાં ભારત સામે જ રમ્યા હતા!
ઑસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટરનું 89 વર્ષની વયે નિધનઃ છેક 30મી ટેસ્ટમાં પ્રથમ સેન્ચુરીમાં 311 રન બનાવેલા, બિલ લૉરીના ઓપનિંગ પાર્ટનર હતા

સિડનીઃ ઑસ્ટ્રેલિયા (Australia)ના મહાન ક્રિકેટર અને વિશ્વના નામાંકિત કૅપ્ટનોમાં ગણાતા બૉબ સિમ્પસન (Bob Simpson)નું શનિવારે 89 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ 1968માં ભારત સામેની ટેસ્ટ રમીને નિવૃત્ત થયા હતા.
પરંતુ કેરી પૅકર આયોજિત વર્લ્ડ સિરીઝ ક્રિકેટના અરસામાં તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે 1977માં રિટાયરમેન્ટ પાછું ખેંચી લીધું હતું અને એ નિર્ણય બાદ (નિવૃત્તિમાંથી બહાર આવ્યા બાદ) પહેલી ટેસ્ટ પણ ભારત (India) સામે જ રમ્યા હતા.

સિમ્પસન ક્રિકેટ ખેલાડી અને કૅપ્ટન ઉપરાંત સિલેક્ટર, કોચ, મૅચ રેફરી અને કૉમેન્ટેટર પણ બન્યા હતા. સિમ્પસનની નિવૃત્તિ પહેલાંની 1968ની અંતિમ સિરીઝમાં ઑસ્ટ્રેલિયાએ મન્સૂર અલી ખાન પટૌડીના સુકાનમાં રમનાર ભારતીય ટીમ સામેની ટેસ્ટ-સિરીઝ 4-0થી જીતી લીધી હતી અને 1977માં સિમ્પસને કમબૅક કર્યા પછી પોતાની કૅપ્ટન્સીમાં ભારતીય ટીમને 3-2થી હરાવવામાં મોટું યોગદાન આપ્યું હતું. 1977ની શ્રેણીમાં બિશનસિંહ બેદી ભારતના સુકાની હતા.
પટૌડી પછી બેદીની ટીમ સામે રમ્યા
બૉબ સિમ્પસને 1977માં ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડની વિનંતીથી 41 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટ પાછું ખેંચ્યું હતું. ત્યારે ઑસ્ટ્રેલિયન ટીમની હાલત કફોડી હતી અને તેમણે ઘરઆંગણે ભારત સામેની પાંચ ટેસ્ટની સિરીઝમાં કૅપ્ટન્સી સંભાળીને ટીમમાં કમબૅક કર્યું હતું.
તેઓ નિવૃત્તિ અગાઉ 1968માં જે ભારતીય ટીમ સામે રમ્યા હતા એમાં કૅપ્ટન પટૌડી ઉપરાંત ફરોખ એન્જિનિયર, સૈયદ આબિદ અલી, અજિત વાડેકર, રુસી સુરતી, એમ. એલ. જયસિંહા, બાપુ નાડકર્ણી, પ્રસન્ના, બેદી, ચંદુ બોરડે તથા ઉમેશ કુલકર્ણી સામેલ હતા.
સિમ્પસને 1977માં નિવૃત્તિ પાછી ખેંચીને ટીમમાં પુનરાગમન કર્યું ત્યારે સૌથી પહેલાં ભારત સામે જે ટેસ્ટ રમ્યા ત્યારની ભારતીય ટીમમાં કૅપ્ટન બેદી ઉપરાંત ગાવસકર, વેન્ગસરકર, મોહિન્દર, વિશ્વનાથ, બ્રિજેશ પટેલ, અશોક માંકડ, મદન લાલ, કિરમાણી, પ્રસન્ના અને ચંદ્રશેખરનો સમાવેશ હતો.
382 રનની ભાગીદારી હજીયે વિક્રમ
સિમ્પસને 1957માં ટેસ્ટ-કારકિર્દી શરૂ કરી હતી, પણ તેઓ પ્રથમ સેન્ચુરી છેક જુલાઈ, 1964માં ફટકારી શક્યા હતા. મૅન્ચેસ્ટરમાં ઇંગ્લૅન્ડ સામે રમાયેલી એ ટેસ્ટમાં તેમણે ઓપનર તરીકે 311 રન કર્યા હતા. તેમની અને સાથી ઓપનર બિલ લૉરી (106 રને રનઆઉટ) વચ્ચે 201 રનની ભાગીદારી થઈ હતી.
સિમ્પસન અને લૉરીની જોડી ઑસ્ટ્રેલિયાની સૌથી સફળ ટેસ્ટ ઓપનિંગ જોડી મનાય છે. તેઓ બન્નેએ 1965માં વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટના પ્રથમ દાવમાં જોડીમાં 382 રન કર્યા હતા જે હજી પણ ઓપનિંગ ભાગીદારીઓમાં વિશ્વવિક્રમ છે. એ દાવમાં સિમ્પસનના 201 રન અને બિલ લૉરીના 210 રન હતા.

તમામ 10 સેન્ચુરી વખતે કૅપ્ટન હતા
બૉબ સિમ્પસને 1957થી 1978 દરમ્યાન 62 ટેસ્ટમાં કુલ 4,869 રન કર્યા હતા જેમાં 10 સેન્ચુરી તથા 27 હાફ સેન્ચુરી સામેલ હતી. તેમણે તમામ 10 સદી કૅપ્ટન તરીકે ફટકારી હતી. તેઓ લેગબે્રક ગૂગલીના પણ નિષ્ણાત હતા અને તેમણે 71 વિકેટ લીધી હતી. તેઓ બે વન-ડે પણ રમ્યા હતા. 62 ટેસ્ટમાં તેમણે સ્લિપમાં 110 કૅચ ઝીલ્યા હતા.
ટેસ્ટ સહિતની પ્રથમ કક્ષાની ક્રિકેટમાં સિમ્પસને 257 મૅચના 436 દાવમાં કુલ 21,029 રન બનાવ્યા હતા જેમાં 60 સેન્ચુરી તથા 100 હાફ સેન્ચુરી સામેલ હતી. તેમણે 349 વિકેટ પણ લીધી હતી અને 383 કૅચ પણ ઝીલ્યા હતા.
સિલેક્ટર તરીકે ઑસ્ટ્રેલિયાને સુવર્ણકાળ અપાવ્યો
1986માં ઑસ્ટ્રેલિયન ટીમ ખરાબ હાલતમાં હતી ત્યારે પણ સિમ્પસનને ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે ફરી મદદ માટે બોલાવ્યા હતા અને ત્યારે તેમને ટીમનો પર્ફોર્મન્સ સુધારી આપવાની જવાબદારી સોંપાઈ હતી. સિલેક્ટર તેમ જ કોચ તરીકે સિમ્પસને ટીમમાં પરિર્વતન લાવી દીધું હતું અને 1987માં ઍલન બૉર્ડરના સુકાનમાં ઑસ્ટ્રેલિયા પહેલી વાર વન-ડે વર્લ્ડ કપ જીત્યું હતું.
ત્યારે ટીમમાં ડેવિડ બૂન, ડીન જોન્સ, સ્ટીવ વૉ, મર્વ હ્યુઝ અને ક્રેગ મૅક્ડરમૉટ હતા. પછીથી ઑસ્ટ્રેલિયાએ સિમ્પસનના માર્ગદર્શનમાં ઇંગ્લૅન્ડ સામેની ઍશિઝ ટેસ્ટ-શ્રેણી પણ જીતી લીધી હતી. એ અરસામાં ઑસ્ટ્રેલિયન ટીમમાં માર્ક ટેલર, ઇયાન હિલી, શેન વૉર્ન, માર્ક વૉ, જસ્ટિન લૅન્ગર, રિકી પૉન્ટિંગ, મૅથ્યૂ હેડન, ડેમિયન માર્ટિન તથા ગ્લેન મૅકગ્રા હતા.
આ પણ વાંચો…બે ટેસ્ટ ઇંગ્લૅન્ડ સામે અને બે ભારત વિરુદ્ધ રમનાર ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટેસ્ટ બોલરનું અવસાન