
અમદાવાદ: ગુજરાતની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદ (IIM-A) 2036ના ઓલિમ્પિક ગેમ્સની અમદાવાદ પર થનારી અસરનો અભ્યાસ કરશે. ગુજરાત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (GSIDCL) દ્વારા IIM-A ને આ અભ્યાસ માટે સત્તાવાર મંજૂરી પત્ર આપવામાં આવ્યો છે. આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય ઓલિમ્પિક જેવી વૈશ્વિક ઇવેન્ટની યજમાની કરવાથી શહેરના વિકાસ અને માળખાકીય સુવિધાઓ પર કેવી અસર થશે તેનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવાનો છે.
આ મહત્ત્વપૂર્ણ અભ્યાસ માટે IIM-A એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વિવિધ વિભાગો પાસેથી વિગતવાર માહિતીની માંગણી કરી છે. AMC દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (સ્પોર્ટ્સ)ને આ સમગ્ર પ્રક્રિયા માટે સંપર્ક અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. IIM-A નો રિપોર્ટ તૈયાર કરવા માટે AMC ના પરિવહન, માળખાકીય વિકાસ અને આર્થિક પાસાં સંબંધિત માહિતીનો ઉપયોગ કરવામાં આવશે.
આ રિપોર્ટમાં મુખ્યત્વે AMC ની જાહેર પરિવહન સેવાઓ જેવી કે AMTS અને BRTSની વિગતો આવરી લેવામાં આવશે. વધુમાં, માર્ગો, પુલો, હાઉસિંગ, પાણી અને ડ્રેનેજ જેવા ક્ષેત્રોમાં વાર્ષિક મૂડી ખર્ચ, આઉટર રિંગ રોડ, રિવરફ્રન્ટના તબક્કાઓ અને ગેમ્સ વિલેજ જેવા પ્રોજેક્ટ્સમાં રોકાણની વિગતો પણ સામેલ હશે.
આ સિવાય, ટાઉન પ્લાનિંગ સ્કીમની પ્રગતિ, સામાજિક-આર્થિક આકારણી, જમીન સંપાદન, મ્યુનિસિપલ આવક, વાર્ષિક પ્રોપર્ટી ટેક્સ કલેક્શન અને સ્માર્ટ સિટી કોર્પોરેશન લિ.ની વિગતોનો પણ અભ્યાસ કરવામાં આવશે. આ અભ્યાસ દ્વારા ગુજરાત સરકાર ઓલિમ્પિક્સની તૈયારી માટે મજબૂત અને ડેટા આધારિત બ્લુપ્રિન્ટ તૈયાર કરી શકશે.
આપણ વાંચો: અમદાવાદ માટે ‘મિશન 2030’! કોમનવેલ્થ ગેમ્સની યજમાની મેળવવા ગુજરાતના અધિકારીઓ સ્કોટલેન્ડ રવાના



