આજે લોર્ડ્સમાં બ્લૉકબસ્ટર ફિનાલે: વૉશિંગ્ટન સુંદરે સકારાત્મક વલણ અપનાવીને કહ્યું કે…
ભારતના 193 રનના લક્ષ્યાંક સામે 4/58, રાહુલ 33 રને અડીખમ

લંડન: અહીં લોર્ડ્સ (LORD’S)માં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ (બપોરે 3.30 વાગ્યાથી લાઈવ) આજે પાંચમા અને નિર્ણાયક દિવસે ખૂબ રોમાંચક બની રહેશે એવી પાક્કી ધારણા છે. 193 રનના લક્ષ્યાંક સુધી પહોંચવા ટીમ ઇન્ડિયાને 135 રનની જરૂર છે અને બેન સ્ટૉક્સ ઍન્ડ કંપનીએ છ વિકેટ લેવાની બાકી છે. જોકે ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર (Washington Sundar) આજે જીતવા માટે ખૂબ આશાવાદી છે.
વૉશિંગ્ટને રવિવારે ચાર વિકેટ લીધી હતી અને ચારેય બૅટ્સમેન (જૉ રૂટ, બેન સ્ટૉક્સ, જૅમી સ્મિથ, શોએબ બશીર)ને તેણે ક્લીન બોલ્ડ કર્યા હતા.
રવિવારે ચોથા દિવસની રમતના અંત વખતે ભારત (India)નો સ્કોર ચાર વિકેટે 58 રન હતો. કે. એલ. રાહુલ 33 રને ક્રીઝમાં અડીખમ હતો. યશસ્વી (0), કરુણ નાયર (14), શુભમન ગિલ (છ રન) અને આકાશ દીપ (એક રન) આઉટ થઈ ચૂક્યા હતા.
હજી રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, નીતીશ રેડ્ડી, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ બૅટિંગમાં આવવાના બાકી હતા.
ભારતની ચારમાંથી બે વિકેટ બ્રાયડન કાર્સે તેમ જ એક-એક વિકેટ સ્ટૉક્સ અને જોફ્રા આર્ચરે લીધી હતી.
વૉશિંગ્ટને રવિવારે કહ્યું હતું કે ‘ ભારતને જિતાડી શકે એવા સક્ષમ બૅટ્સમેનો હજી રમવાના બાકી છે. અમે ડ્રેસિંગ રૂમમાં પ્લાન બનાવી લીધો છે અને લોર્ડ્સના મેદાન પર બપોરે હકારાત્મક માનસિક અભિગમ સાથે ઊતરીશું. લોર્ડ્સમાં ટેસ્ટ જીતવાની મજા અને રોમાંચ જ કઈંક જુદા હોય છે. અમે આ મુકાબલો જીતીને રહીશું.’
ઇંગ્લેન્ડના સહાયક-કોચ માર્કસ ટ્રેસ્કોથિકે કહ્યું હતું કે ‘કે. એલ. રાહુલ અને રિષભ પંત લોર્ડ્સ ટેસ્ટના અંતિમ દિવસનું ભાવિ નક્કી કરશે.’
રાહુલ આ સિરીઝમાં બે સેન્ચુરી ફટકારી ચૂક્યો છે. તે લોર્ડ્સમાં એકથી વધુ સદી ફટકારનાર દિલીપ વેંગસરકર પછીનો બીજો ભારતીય ખેલાડી છે.
આ પણ વાંચો….ભારતને 193 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો, પણ 58 રનમાં ગુમાવી ચાર વિકેટ…