રોહિત-વિરાટ સામે મોટી શરતઃ 2027ના વર્લ્ડ કપમાં રમવું હોય તો તેમણે આ ત્રણ મૅચ રમવી જ પડશે…

નવી દિલ્હીઃ રોહિત શર્મા (Rohit sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) 2027ના વન-ડે વર્લ્ડ કપ માટેના પ્લાનમાં છે જ એવું નવા વન-ડે સુકાની શુભમન ગિલે ગુરુવારે કહીને બન્ને દિગ્ગજોના વન-ડેમાંના રિટાયરમેન્ટને લગતી અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું ત્યાર બાદ પીટીઆઇને બીસીસીઆઇ (BCCI)ના એક સૂત્ર પાસેથી એવું જાણવા મળ્યું હતું કે ` રોહિત-વિરાટે આગામી ડિસેમ્બર અને જાન્યુઆરી દરમ્યાન વિજય હઝારે ટ્રોફીની ઓછામાં ઓછી ત્રણ મૅચ રમવી જ પડશે.
આગામી છઠ્ઠી ડિસેમ્બરે ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે સિરીઝની છેલ્લી વન-ડે રમાશે અને ત્યાર બાદ 11મી જાન્યુઆરીએ વડોદરામાં ન્યૂ ઝીલૅન્ડ સામે શ્રેણીની પ્રથમ વન-ડે રમાશે. આ બે મૅચ પાંચ અઠવાડિયાનો લાંબો બે્રક રહેશે જે દરમ્યાન વિજય હઝારે ટ્રોફીની જે મૅચો રમાશે એમાંની ત્રણ મૅચ રોહિત અને વિરાટ રમશે એવી સંભાવના છે.
ડિસેમ્બર-જાન્યુઆરીની વચ્ચે વિજય હઝારે ટ્રોફીમાં મુંબઈ અને દિલ્હીની સાત મૅચ 24, 26, 29 તથા 31 ડિસેમ્બરે તેમ જ ત્રણ, છ અને આઠ જાન્યુઆરીએ રમાશે. એમાંથી કોઈ પણ લગભગ ત્રણ મૅચમાં રોહિત તથા વિરાટ રમશે.
ચીફ સિલેક્ટર અજિત આગરકરે તાજેતરમાં સ્પષ્ટ કર્યું હતું કે બીસીસીઆઇ સાથે કૉન્ટ્રૅક્ટ ધરાવતા પ્રત્યેક ખેલાડી (જે ફિટ હોય અને ઉપલબ્ધ હોય)એ ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવું જ પડશે.
નિવૃત્ત ઑફ-સ્પિનર રવિચન્દ્રન અશ્વિને પણ તાજેતરમાં એક પૉડકાસ્ટ પર કહ્યું હતું કે `રોહિત અને વિરાટે ફરી મુખ્ય પ્રવાહમાં આવવા ડોમેસ્ટિક મૅચો રમવી પડશે.’
આપણ વાંચો : રોહિત-વિરાટના ચાહકોને ખુશ કરી દે એવું નિવેદન શુભમન ગિલે આપ્યું!