હૈદરાબાદ: સનરાઇઝર્સ હૈદરાબાદ (20 ઓવરમાં 201/3) આ સીઝનમાં સામાન્ય રીતે મુકાબલાને હાઈ-સ્કોરિંગ બનાવ્યા પછી જીત્યું છે, પણ ગુરુવારે સર્વોત્તમ ટીમ રાજસ્થાન રોયલ્સ (20 ઓવરમાં 200/7) સામે એણે 201 રનના સાધારણ ટોટલને પડકારરૂપ બનાવ્યું અને પછી છેલ્લા બૉલના થ્રિલરમાં એક રનના તફાવતથી વિજય હાંસલ કર્યો હતો.
હૈદરાબાદનો ભુવનેશ્વર કુમાર (4-0-41-3) આ મૅચનો સુપરહીરો હતો. તેણે રાજસ્થાનની ઇનિંગ્સની પહેલી ઓવરમાં બે વિકેટ અને અંતિમ (20મી) ઓવરના આખરી બૉલમાં વિકેટ લઇને અભૂતપૂર્વ પર્ફોર્મ કર્યું હતું. સાધારણ ટાર્ગેટને કેવી રીતે ડિફેન્ડ કરીને પોતાની ટીમને હારેલી બાજી જિતાડી અપાય એ તેણે ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમમાં પોતાને સામેલ ન કરનાર સિલેક્ટર્સને બતાવી આપ્યું છે.
રાજસ્થાને 202 રનનો લક્ષ્યાંક મેળવવાનો હતો, જોસ બટલર (0) અને આગામી વર્લ્ડ કપની ટીમના રિષભ પંત ઉપરાંતના બીજા વિકેટકીપર સંજુ સૅમસન (0)ને ભુવી પહેલી જ ઓવરમાં આઉટ કરી ચૂક્યો હતો. યશસ્વી જયસ્વાલ (67 રન, 40 બૉલ, બે સિક્સર, સાત ફોર) અને રિયાન પરાગ (77 રન, 49 બૉલ, ચાર સિક્સર, આઠ ફોર) ટીમને ઉપયોગી યોગદાન આપી શક્યા હતા એમ છતાં મામલો છેલ્લી ઓવર સુધી ખેંચાયો હતો.
20મી ઓવરમાં રાજસ્થાને જીતવા 13 રન બનાવવાના હતા. કેપ્ટન કમિન્સે એ ઓવરની જવાબદારી ભુવીને સોંપી હતી. હૈદરાબાદને સ્લો ઓવર રેટ બદલ પેનલ્ટી લાગી ચૂકી હતી. સર્કલની બહાર ચાર જ ફીલ્ડર ઊભા રાખવાના હતા. હૈદરાબાદનો સ્કોર 189/6 હતો. અશ્વિનના સામા છેડે ક્રીઝમાં રોવમેન પૉવેલ ફુલ ફોર્મમાં હતો એટલે જીતવા માટે રાજસ્થાન ફેવરિટ હતું.
ભુવીના પહેલાં બૉલમાં અશ્વિને એક રન દોડીને રોવમેનને સ્ટ્રાઇક આપી હતી. પોવેલે પછીના ચાર બૉલમાં ત્રણ વાર બે-બે રન દોડીને અને એક ફોર ફટકારીને 10 રન બનાવ્યા અને નિર્ણાયક બૉલમાં બે રન બનાવવાના આવ્યા હતા. ભુવીના નીચા ફુલટોસમાં પોવેલ સામે એલબીડબ્લ્યુની અપીલ થઈ અને અમ્પાયર અનિલ ચૌધરીને ધીમેથી આંગળી ઉપર કરી હતી.
પૉવેલ (27 રન,15 બૉલ, 1 સિક્સર, 3 ફોર)ની બધી મહેનત છેલ્લા બૉલમાં પાણીમાં ગઈ.
નટરાજન અને કમિન્સનો બે-બે વિકેટનો પર્ફોર્મન્સ પણ હૈદરાબાદના દિલધડક વિજયમાં સહભાગી હતો.
ભુવીને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. રાજસ્થાન (16 પોઇન્ટ) ટૉપ પર જ છે, હૈદરાબાદ (12) ચોથે આવી ગયું છે.
એ પહેલાં, ટ્રેવિસ હેડ, નીતિશ રેડ્ડી અને ક્લાસેન અસલ હૈદરાબાદી સ્ટાઇલમાં રમ્યા હતા, પણ હૈદરાબાદની ટીમ માંડ 201 રન બનવી શકી હતી. પૉઇન્ટ્સ-ટેબલની નંબર-વન ટીમ રાજસ્થાન સામે ટૉસ જીતીને બૅટિંગ લીધા બાદ શરૂઆતના ધબડકા પછી હૈદરાબાદે સન્માનજનક સ્થિતિ મેળવી હતી. આ સીઝનમાં ઘણા વિક્રમો કરનાર પૅટ કમિન્સની ટીમે 20 ઓવરમાં ત્રણ વિકેટે 201 રન બનાવ્યા હતા.
જૂનમાં ટી-20 વર્લ્ડ કપ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની મોટા ભાગે સ્લો પિચ પર રમાવાનો હોવાથી આઇપીએલના આ બીજા લીગ રાઉન્ડમાં મોટા ભાગની પિચ બોલર્સને વધુ માફક આવે એવી બનાવવામાં આવી રહી હોવાથી તોતિંગ ટીમ-સ્કોર પર હવે લગામ આવી ગઈ છે.
હૈદરાબાદના 201 રનમાં ટ્રેવિસ હેડ (58 રન, 44 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર), નીતિશ કુમાર રેડ્ડી (76 અણનમ, 42 બૉલ, આઠ સિક્સર, ત્રણ ફોર) અને હિન્રિચ ક્લાસેન (42 અણનમ, 19 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)ના મુખ્ય યોગદાનો હતા. અભિષેક શર્મા ફક્ત 12 રન બનાવીને આવેશ ખાનને વિકેટ આપી બેઠો હતો. આવેશે કુલ બે અને સંદીપ શર્માએ એક વિકેટ લીધી હતી.
હૈદરાબાદની ટીમે આ સીઝનમાં પાંચમી વાર 200-પ્લસ રન બનાવ્યા હતા. આ મૅચ પહેલાં જ હૈદરાબાદના બૅટિંગ-પાવર સામે રાજસ્થાનના બોલિંગ-આક્રમણની ખૂબ ચર્ચા હતી.