ભારતીય મહિલાઓએ ત્રિકોણિયો જંગ જીતી લીધો, જાણો ફાઈનલમાં કોણ શેમાં ચમક્યું…

કોલંબોઃ ભારતની મહિલા ટીમે અહીં વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના (116 રન, 101 બૉલ, બે સિક્સર, પંદર ફોર)ની 11મી વન-ડે સેન્ચુરી તેમ જ પેસ બોલર અમનજોત કૌર (8-0-54-3) તેમ જ સ્પિનર સ્નેહ રાણા (9.2-1-38-4)ના બોલિંગ પર્ફોર્મન્સની મદદથી શ્રીલંકાને ટ્રાયેન્ગ્યૂલર ટૂર્નામેન્ટની ફાઇનલમાં 97 રનથી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. આ ટૂર્નામેન્ટમાં સાઉથ આફ્રિકાએ પણ ભાગ લીધો હતો.
ભારતે બૅટિંગ પસંદ કર્યા બાદ મંધાના (SMRITI MANDHANA)ના 116 રન તેમ જ ઓપનર પ્રતીકા રાવલ (30 રન) અને મિડલ-ઓવરની ત્રણ બૅટર્સ હર્લીન દેઓલ (47 રન), જેમાઇમા રૉડ્રિગ્સ (44 રન) તેમ જ કૅપ્ટન હરમનપ્રીત કૌર (41 રન)ના યોગદાનોની મદદથી 50 ઓવરમાં સાત વિકેટે 342 રન કર્યા હતા. શ્રીલંકા વતી ત્રણ બોલરે બે-બે વિકેટ લીધી હતી. જોકે તેઓ ખૂબ ખર્ચાળ સાબિત થઈ હતી.
આ પણ વાંચો: મમ્મી બસ કન્ડકટર…પુત્ર બન્યો મુંબઈ ટી-20 લીગનો સૌથી મોંઘો ખેલાડી!
શ્રીલંકાની ટીમ 48.2 ઓવરમાં 245 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી જેમાં કૅપ્ટન ચમારી અથાપથ્થુ (51 રન)નું સૌથી મોટું યોગદાન હતું. બીજી કોઈ બૅટર હાફ સેન્ચુરી નહોતી કરી શકી. ભારતની સાત બોલરના આક્રમણમાં શ્રીલંકાની બૅટર્સ દબાણમાં આવી ગઈ હતી અને 343 રનના લક્ષ્યાંક સામે 250 રન પણ નહોતી બનાવી શકી.
મંધાનાને પ્લેયર ઑફ ધ ફાઇનલનો અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 15 વિકેટ લેનાર સ્પિનર સ્નેહ રાણા (SNEH RANA)ને પ્લેયર ઑફ ધ સિરીઝનો પુરસ્કાર મળ્યો હતો. આ સ્પર્ધામાં સાઉથ આફ્રિકાની ઍનરી ડર્કસેનના 276 રન સૌથી વધુ હતા અને મંધાના 264 રન સાથે બીજા નંબરે હતી.
શ્રીલંકામાં ભારતીય મહિલા ક્રિકેટરોનો રેકૉર્ડ બહુ સારો છે. શ્રીલંકામાં ભારતીય મહિલાઓ 33માંથી ફક્ત ત્રણ વન-ડે હારી છે.